Friday, 15 November, 2024

ગિરી તળેટી ને કુંડ દામોદર

283 Views
Share :
ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરી તળેટી ને કુંડ દામોદર

283 Views

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ

પ્રેમ પદારથ અમો પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ… ગિરિ

પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાનઃ
ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈષ્ણવને આપ્યું વરદાન… ગિરિ

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધુ, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ… ગિરિ

ધેર પધાર્યા હરિજશ ગાતાં, વાજતાં તાલ ને શંખ-મૃદંગ
હસી હસી નાગરો તાળીયો લે છે, આ શા રે બ્રાહ્મણના ઢંગ?… ગિરિ

મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શું ઉત્તર દેઉ ?
જાગ્યા લોક નરનારી પુછે, મહેતાજી તમે એવા શું ?… ગિરિ

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કંઈ વિવેકવિચાર;
કર જોડી કહે નરસૈયો, વૈષ્ણવ તણો મને છે આધાર … ગિરિ

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *