Saturday, 27 July, 2024

ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા

91 Views
Share :
ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા

ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા

91 Views

ગિરનાર એ આખા ગુજરાત રાજ્ય માટે સૌથી મહત્વનો પર્વત છે. કુદરતી દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ. હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પર્વતનું આરોહણ કરવા રાજ્યભરમાંથી જુનાગઢ આવે છે.

ગિરનાર માત્ર પર્વત જ નહિ અને તેની તળેટી પણ એટલી જ પવિત્ર ગણાય છે. અને તેનું કારણ છે ગિરનાર પરિક્રમા.

રાજ્ય તેમજ દેશભરમાંથી અનેક લોકો દર વર્ષે ગિરનાર પરિક્રમામાં ભાગ લે છે.

ગિરનાર પરિક્રમા:

સામાન્ય રીતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમાનું આયોજન થાય છે. જુનાગઢ શહેરમાં જ આવેલા પ્રખ્યાત ભવનાથ તળેટીના દુધેશ્વર મંદિરથી પરિક્રમાની શરૂઆત થાય છે. ઠંડીના ચમકારા સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એટલે વિશાળ વનમાં પગપાળા ચાલીને થતી આ એક વિકટ યાત્રા છે.

મુખ્યત્વે ‘અઘોરી’ નામે જાણીતા સાધુઓ આ યાત્રામાં સવિશેષ જોવા મળે છે, તે સિવાય ઘણા સામાન્ય માનવી પણ આસ્થાભેર આ પરિક્રમામાં ભાગ લે છે.

ગિરનાર પરિક્રમાનો માર્ગ:

આખી પરિક્રમાનું સરેરાશ કુલ અંતર 36 કિમી જેટલું છે જે વિવિધ ભાગમાં વહેચાયેલું છે:

ભવનાથ- ઝીણા બાવાની મઢી: 12 કિમી

ઝીણા બાવાની મઢી- માલવેલા: 8 કિમી

માલવેલા- બોરદેવી: 8 કિમી

બોરદેવી- ભવનાથ: 8 કિમી

પરિક્રમા:

ભવનાથથી શરુ થઈને પરિક્રમા ઝીણા બાવાની મઢી સુધી પહોંચે ત્યાં સુધીનો રસ્તો ચઢાણ તેમજ ઉતારવાળો છે. જુનાગઢ જિલ્લાના સૌથી મોટા ડેમ એવા હસનાપુર ડેમ પાસે ઝીણા બાવાની મઢી આવેલું છે જ્યાં યાત્રાળુઓ રાતવાસો કરે છે. આ જગ્યાએ ચંદ્ર-મૌલેશ્વર મહાદેવનું એક ખૂબ સુંદર મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે આ મંદિરેથી સિંહ દેખાવની શક્યતા ખૂબ વધારે રહે છે.

ઝીણા બાવાની મઢીથી પરિક્રમા આગળ વધારવાના બે વિકલ્પ છે. એક તો સીધા જ માલવેલા પહોંચવું, અથવા તો સુખડીયા હનુમાન મંદિરના દર્શન કરીને પછી માલવેલા પહોંચવું. આ મંદિર ઘેઘૂર વનરાજી વચ્ચે આવેલું છે અને અહીં 24 કલાક સિંહની ગર્જના સંભળાય છે. સુખડીયા મંદિરથી ઘણા શ્રદ્ધાળુઓ સૂરજ-કુંડની પણ મુલાકાત લે છે.

માલવેલાથી આગળનો રસ્તો ગિરનાર પરિક્રમાનો સૌથી મુશ્કેલ રસ્તો ગણાય છે. અહીં એક શિખર પર નાની ઝૂંપડીઓ આવેલી છે જ્યાં ગિરનાર પરિક્રમામાં ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓની નોંધણી થાય છે. યાત્રાળુઓએ આ જગ્યાએ ચડીને ફરીથી નીચે ઊતરવું પડે છે અને ફરીથી અમુક કિમી સુધી વિકટ માર્ગે પરિક્રમા આગળ વધારવી પડે છે. ગિરનાર પરિક્રમા દરમિયાન સૌથી વધુ અકસ્માતોના કિસ્સા આ સ્થળે જ નોંધાય છે.

અહીંથી બોરદેવી પહોંચીને આ પરિક્રમા ફરીથી કુદરતી રીતે માણવાલાયક જગ્યાએ પહોંચે છે. અહીં અઢળક સંખ્યામાં આંબાઓ આવેલા છે અને મગરનું ઘર ગણાતા કેટલાક તળાવ પણ. છેલ્લા દિવસે બોરદેવીથી નીકળીને ભવનાથ તળેટીએ ગિરનાર પરિક્રમાનું સમાપન થાય છે.

ધાર્મિક મહત્વતાની સાથોસાથ સામાજિક દ્રષ્ટિએ પણ ગિરનાર પરિક્રમા અનેરું મહત્વ ધરાવે છે. કારણકે આ પરિક્રમામાં ભાગ લેતા તમામ લોકો માત્ર તેમની આસ્થા પર જ નિર્ભર હોય છે, નહિ કે તેમના કોઈ સામાજિક કે આર્થિક સ્ટેટસ પર!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *