હોળી નિબંધ
By-Gujju05-10-2023
હોળી નિબંધ
By Gujju05-10-2023
હોળીનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે. તે આપણો સામાજિક તહેવાર છે.
હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળી વિષે પૌરાણિક કથા આ પ્રમાણે છે : હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો. તેનો પુત્ર પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હતો. હિરણ્યકશિપુને તે ગમતું ન હતું. તેણે પ્રહ્લાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો. પરંતુ પ્રહ્લાદે ભગવાનની ભક્તિ છોડી નહિ આથી તેના પિતાએ પ્રહ્લાદને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. તેને પર્વત પરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો. પરંતુ પ્રહ્લાદને કંઈ પણ નુકસાન થયું નહિ. પ્રહ્લાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી. હોલિકા તે ચૂંદડી ઓઢીને આગમાં બેસે તો આગ તેને બાળી શકે નહિ. પ્રહ્લાદને બાળી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. પરંતુ પવનની લહેર આવતાં ચૂંદડી ઊડી ગઈ અને હોલિકા બળી ગઈ. પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો. આમ, અધર્મ સામે ધર્મનો વિજય થયો. પ્રહ્લાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડીને તેમજ નાચગાન કરીને આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.
હોળીના દિવસે લોકો પોતાની શેરીના નાકે કે ચોકમાં લાકડાં અને છાણાં એકઠાં કરીને હોળી પ્રગટાવે છે. લોકો હોળીમાતાની પૂજા અને પ્રદક્ષિણા કરે છે. તે હોળીની આગમાં નાળિયેર હોમે છે. સ્ત્રીઓ હોળીનાં ગીતો ગાય છે. લોકો હોળીની પૂજા કર્યા પછી મિષ્ટાન્ન જમે છે. આ દિવસે ધાણીચણા અને ખજૂર ખાવાનો પણ મહિમા છે.
હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ નાખે છે. બાળકો પિચકારીઓથી એકબીજા પર રંગ છાંટે છે. કેટલાક લોકો કાદવ અને છાણ જેવી ગંદી ચીજોથી હોળી રમે છે. વળી કેટલાક યુવાનો ઑઇલ પેઇન્ટથી એકબીજાને રંગે છે. તેથી ઘણી વાર શરીરને નુકસાન થાય છે. કેમિકલવાળા રંગોથી આંખ તથા ચામડીને નુકસાન થાય છે. કેસૂડાંનાં ફૂલોમાંથી ઘરે બનાવેલા રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે ને કોઈને નુકસાન પણ થતું નથી.