જાગ્યા ત્યારથી સવાર નિબંધ
By-Gujju03-10-2023
જાગ્યા ત્યારથી સવાર નિબંધ
By Gujju03-10-2023
જાગ્યા ત્યારથી સવાર :
માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી. એટલે રોજિંદા વ્યવહારમાં આપણાથી ભૂલો થાય તે સ્વાભાવિક છે. ભૂલનો સ્વીકાર કરવામાં અને ભૂલનું પુનરાવર્તન ન થવા દેવામાં સાચી મહાનતા રહેલી છે. ભૂલ સ્વીકારી લેવાથી આપણું હૃદય હળવું થઈ જાય છે. ભૂલ સ્વીકારનાર માણસ લોકોના આદરને પાત્ર બને છે. લોકો તેનો વિશ્વાસ કરે છે.
આવો માણસ એક વાર થઈ ગયેલી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની ચોકસાઈ રાખે છે. ભૂલ સ્વીકારી લેનાર વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ રહે છે. આવા મનુષ્યમાં સતત જાગૃતિ આવે છે. તે દરેક શબ્દ જોઈ વિચારીને બોલે છે અને દરેક ક્રિયા સમજપૂર્વક કરે છે. આથી તેની ભૂલોનું પુનરાવર્તન થતું અટકે છે અને તેનું જીવન ઉન્નતિના શિખરો સર કરે છે.
ભૂલને સ્વીકારવાને બદલે ભૂલને ઢાંકવી એ પોતાની જાત સાથે કરેલી છેતરપિંડી છે. આવા લોકોની ભૂલ કાળક્રમે કુટેવમાં પરિણમે છે. આવી કુટેવને લીધે લોકોને ક્યારેક ઘણું મોટું નુકસાન વેઠવું પડે છે. આથી વ્યક્તિની વિશ્વસનીયતા ઘટી જાય છે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાની વૃત્તિ આપણામાં રહેલી હોય તો આપણે સંભવિત નુકસાનથી બચી શકીએ છીએ.
‘જાગ્યા ત્યારથી સવાર’ એ વિચારને ચરિતાર્થ કરતા કેટલાક પ્રસંગો જાણીતા છે. કલિંગ સાથેના યુદ્ધમાં પોતે કરેલી સંહારલીલાનાં ભીષણ દશ્યો જોઈને સમ્રાટ અશોકને યુદ્ધની નિરર્થકતાનો ખ્યાલ આવ્યો અને તેણે તે જ ક્ષણથી સદાને માટે પોતાની તલવાર મ્યાન કરી દઈને ધર્મરાજ્યની સ્થાપના કરી. ગાંધીજીને ચોરી કર્યા બદલ પસ્તાવો થતાં તેમણે પોતાની એ ભૂલનો એકરાર કરતી ચિકી પોતાના પિતાને લખી અને તેમની પાસેથી કઠોર સજાની માગણી કરી.
સુધરવા માટે અને નવી શરૂઆત કરવા માટે કોઈ પણ સમય માંડો નથી હોતો (It is never late to mend and to start], ‘જાગ્યા ત્યારથી સવાર’ એનો અર્થ એવો છે કે આપણે જે ક્ષણે આપણા અજ્ઞાનમાંથી બહાર આવીએ, તે ક્ષણે આપણા ભાગ્યનો સૂર્યોદય થયો ગણાય.
મધદરિયે ડૂબી રહેલી નાવમાં તોરલે જેસલને મુખે એની ભુલોની કબૂલાત કરાવી હતી. સતી તોરલ પાસેથી જેસલને જ્ઞાનનો પ્રકાશ મળ્યો અને તેના ભાગ્યનો સૂર્યોદય થયો. જેસલ, ઘાતકી લૂંટારો મટીને સંત બની ગયો. તોરલે તેને પ્રભુ પાસેથી ક્ષમા અપાવી.
અરીસા વિના માણસ પોતાનું મોં જોઈ શકતો નથી. આ જ રીતે માણસ પોતાની મેળે ભૂલોને જોઈ શકતો નથી. આવા સમયે જ એને કોઈ હિતેચ્છુ મહાત્મા મળી જાય તો તેઓ તેને તેની ભૂલો બતાવે છે, તેનામાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે.
આમ, ‘જાગ્યા ત્યારથી સવાર’ એ કહેવત માનવીને પ્રગતિ અને જ્ઞાનનો માર્ગ દર્શાવનારું સોનેરી સૂત્ર છે. આપણે સમયસર આ સૂત્રના હાર્દને સમજી લઈ સત્ય, જ્ઞાન અને પ્રકાશ તરફ ગતિ કરીએ.