જય જય ગરવી ગુજરાત નિબંધ
By-Gujju04-10-2023
જય જય ગરવી ગુજરાત નિબંધ
By Gujju04-10-2023
“જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત”
ઉપરની કાવ્યપંક્તિ ગાતાં જ આપણા હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ જાય છે.
ગુજરાત ભારતની પિશ્ચમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિ અરબીસમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલાં છે ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીએ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે.
ગુજરાતને વિશાળ દરિયાકિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવાં સમૃદ્ધ બંદરો આવેલાં છે. ગુજરાતનાં ઉભરાટ, તીથલ, ઝુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવાં પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે.
ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ગિજુભાઈ વગેરે સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિનાં નરરત્નો છે.
ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે.
આઝાદી પછી ગુજરાત પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહનવ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે.
આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે.