જીભલડી રે તને હરિગુણ ગાતાં
By-Gujju20-05-2023
305 Views
જીભલડી રે તને હરિગુણ ગાતાં
By Gujju20-05-2023
305 Views
જીભલડી રે તને હરિગુણ ગાતાં આવતી આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરાઈ ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે.
પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે,
ઝઘડો કરવા ઝૂઝે વહેલી, કાયર હરિગુણ ગાવા રે.
અંતકાળે કોઈ કામ ન આવે, વહાલા વેરીની ટોળી રે,
વજન ધારીને સર્વસ્વ લેશે, રહેશો આંખો ચોળી રે.
તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ સંભળાવો રે,
પ્રથમ તો મસ્તક નહીં નમતું, પછી શું નામ સુણાવો રે?
ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એ કેમ હોલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?
માયાઘેનમાં ઊંઘી રહે છે, જાગીને જો તું તપાસી રે,
અંત સમે રોવાને બેઠી, પડી કાળની ફાંસી રે.
હરિગુણ ગાતાં દામ ન બેસે, એકે વાળ ન ખરશે રે,
સહેજ પંથનો પાર ન આવે, ભજન થકી ભવ તરશે રે.
– ?
(આશ્રમ ભજનાવલી – પદ 132)
રાગ ખમાજ, તાલ ધુમાલી