જો હું વડાપ્રધાન હોઉં તો… નિબંધ
By-Gujju07-11-2023
જો હું વડાપ્રધાન હોઉં તો… નિબંધ
By Gujju07-11-2023
માનવમાત્રને કંઈક બનવાની ઇચ્છા હોય છે. કોઈ ઇજનેર બનવા ઇચ્છે છે તો કોઈ ડૉક્ટર. કોઈ શિક્ષક બનવાની ઇચ્છા રાખે છે તો કોઈ વકીલ. કોઈ સમાજસેવક બનવા માગે છે તો કોઈ પત્રકાર. મને વડા પ્રધાન થવાની ઇચ્છા છે.
દેશ અત્યારે અત્યંત નાજુક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. આજે દેશમાં ચારે બાજુ આતંકવાદ ફેલાયો છે. કશ્મીરમાં તથા અન્યત્ર રોજ કેટલાય નિર્દોષ લોકોની હત્યાઓ થાય છે. દેશની સીમાઓ પર પાકિસ્તાન તેમજ ચીન છાશવારે છમકલાં કર્યા કરે છે. દેશમાં કોમવાદ, ભાષાવાદ અને પ્રાદેશિકતાવાદ જેવાં દૂષણો માઝા મૂકતાં જાય છે. ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કાળાંબજાર, દાણચોરી વગેરે દૂષણોએ તો હદ વટાવી દીધી છે. દેશમાં બેકારી, ગરીબી, મોંઘવારી, બેરોજગારી વગેરે ભયંકર સમસ્યાઓ પ્રવર્તે છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાનનું કાર્ય લોઢાના ચણા ચાવવા સમાન હશે તે હું જાણું છું.
બંધારણમાં થયેલા ફેરફારો કે સમયાનુક્રમે થયેલાં તેનાં અર્થઘટનો તેમજ ચૂંટણીનું વિષચક્ર આપણી લોકશાહીને દૂષિત કરતાં રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના ઇતિહાસનો મેં અભ્યાસ કર્યો છે, આપણે જે ભૂલો કરી છે તેને હજુ સુધારી લેવી જરૂરી છે. વડા પ્રધાન હોઉં તો મારા વિચારોને, લોકહીત માટે ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારીથી પ્રયત્ન કરું.
જો હું વડા પ્રધાન હોઉં તો મારા સાથીપ્રધાનોનો સહકાર મેળવી દેશહિતનાં કાર્યોને પ્રાથમિકતા આપું. દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હું કોઈનીય શેહશરમ કે દબાણને વશ થયા વિના કડક હાથે કામ લઉં. લશ્કરને અદ્યતન સાધનસામગ્રીથી વધુ સુસજ્જ બનાવું.
ભારત ખેતીપ્રધાન દેશ છે. તેથી ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું ખૂબ મહત્ત્વ આપું. નદીઓ પર બંધો બંધાવીને સમગ્ર દેશમાં સિંચાઈની સગવડો પૂરી પાડું. વળી ખેડૂતોને સારાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો વાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરું.
નિરક્ષરતા એ આપણી લોકશાહીનું મોટું કલંક છે. તંદુરસ્ત લોકશાહીની સ્થાપના કરવા માટે દેશની સમગ્ર જનતા શિક્ષિત હોય તે જરૂરી છે. દેશમાંથી નિરક્ષરતા નાબૂદ કરવા હું પૂરેપૂરો પ્રયત્ન કરું. શિક્ષણ અને ન્યાયતંત્રની સ્વાયત્તતા તંદુરસ્ત લોકશાહી માટેનાં ફેફસાં છે, એટલે એ બંને ઉપર પૂરતું ધ્યાન આપું.
દેશમાંથી ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કાળાંબજાર અને દાણચોરી જેવાં દૂષણો દૂર કરવા માટે હું કડક કાયદા બનાવું અને તેનો યોગ્ય અમલ થાય એવું તંત્ર ગોઠવું . હું નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના સહયોગથી એવું આયોજન કર્યું કે દેશમાં કોઈ બેરોજગાર ન રહે. હું એવા કાયદા પણ બનાવું કે જેનાથી મોંઘવારીને વધતી અટકાવી શકાય. વેપારીઓ વાજબી નફો લઈને વેપાર કરે, કાળાંબજાર ન કરે તેમજ બજારમાં કોઈ પણ વસ્તુની અછત ન સર્જાય.
દેશ પર અવારનવાર કુદરતી આફતો આવી પડે છે. હું આફતગ્રસ્ત લોકોને તમામ મદદ મળી રહે એવું વ્યવસ્થાતંત્ર ગોઠવું.
દેશના યુવાધનને હું ઘણું મહત્ત્વનું સમજું છું. અન્ય દેશો કરતાં આપણા દેશમાં યુવાધન વધુ છે. તેમને અભ્યાસની કે નોકરીધંધાની કોઈ ચિંતા ન રહે તેવું આયોજન કરું. હું કૉલેજમાં ભણતા યુવાનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવું. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તેવું હું આયોજન કરું. હું પ્રધાનોના મોંઘાદાટ વિદેશપ્રવાસો અને બિનજરૂરી સરકારી ખર્ચ બંધ કરાવું. સ્વચ્છ મન, સ્વચ્છ ભારતને પ્રાધાન્ય આપું. હું પોતે સાદાઈ અપનાવું અને અન્યોની પાસેથી પણ સાદાઈનો આગ્રહ રાખું.
હું વડા પ્રધાન તરીકે એવાં સુંદર કાર્યો કરું કે જેને લોકો સદીઓ સુધી યાદ કરે. દરેક નાગરિક ગર્વપૂર્વક કહી શકે “કે મેરા દ્દેશ મહાના”