Monday, 15 April, 2024

મોંઘવારી અને મધ્યમવર્ગ નિબંધ

82 Views
Share :
મોંઘવારી અને મધ્યમવર્ગ નિબંધ

મોંઘવારી અને મધ્યમવર્ગ નિબંધ

82 Views

સતત વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર આર્થિક સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસથી દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવન અસહ્ય બની ગયું છે. ગરીબ અને મધ્યમવર્ગના કરોડો લોકોનાં જીવનમાં ઝેર રેડાઈ ગયું છે. ચા, ખાંડ, સાબુ જેવી અનેક જીવનાવશ્યક વસ્તુઓના ભાવમાં થયેલા બેકામ વધારાએ સામાન્ય માનવીઓની કમર તોડી નાખી છે. 

નિરંકુશ વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્ર પર કારમા ઘા સમાન છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ધાન્યની અછતને મોંઘવારીના બેફામ વધારાનું મુખ્ય કારણ ગણાવી શકાય. દુકાળ કે અતિવૃષ્ટિને કારણે અનાજની દેશવ્યાપી અછત ઊભી થાય છે, ત્યારે અનાજનાં કાળાંબજાર અને સંગ્રહખોરી ફૂલેફાલે છે. અનાજના ભાવ વધે તેની તમામ ઉદ્યોગો પર સીધી કે આડકતરી અસર થાય છે. મજૂરો મોંઘવારી ભથ્થામાં વધારો માગે છે અને તે ન મળે તો તેઓ હડતાલ પર ઊતરે છે. વધતા જતા ખર્ચને પહોંચી વળવા ઉદ્યોગપતિઓ પોતાના ઉત્પાદનની કિંમતો વધારે છે. આમ, કાળમુખી મોંઘવારી બધાં ક્ષેત્રોમાં વિસ્તરે છે.

મોંઘવારી માટે ઉત્પાદકોની બેફામ નફાખોરી, સંગ્રહખોરી અને કાળાંબજાર, સરકારી તંત્રની વહીવટી નિષ્ફળતા વગેરે તત્ત્વો જવાબદાર છે. ઘણી વાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પણ મોંઘવારી માટે કારણભૂત બને છે. દા.ત., આરબોએ ખનિજ તેલના ભાવમાં બેહદ વધારો કર્યો છે, તેથી ખનિજ તેલ પર સીધી કે આડકતરી રીતે અવલંબિત તમામ ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં જગતભરમાં મોટો વધારો થયો છે. પરિણામે મોંઘવારીના મોજાની વત્તીઓછી અસર આખા જગતને અનુભવવી પડે છે. 

આપણા દેશમાં વધી રહેલી મોંઘવારી માનવીના શરીરમાં પ્રસરતા જીવલેણ રોગ જેવી ભયાનક છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ મેળવતા કરોડો લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓની વપરાશમાં કાપ મૂકવો, એ વિમાસણમાં મુકાઈ જાય છે. ગરીબો અને મધ્યમવર્ગના લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ભાવસપાટી વધતાં અકથ્ય મુશ્કેલી અને લાચારી અનુભવે છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના વધતા જતા કિસ્સાઓના મૂળમાં મોટે ભાગે મોંઘવારી જ હોય છે. 

મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે આપણી પંચવર્ષીય યોજનાઓના આયોજનમાં ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ. દુકાળ, અતિવૃષ્ટિ કે નદીઓનાં પૂર પણ અનાજની દેશવ્યાપી તંગી ન સર્જી શકે એવા ઉપાયો તરફ લક્ષ કેંદ્રિત કરવું જોઈએ. કાળાંબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવાં અનિષ્ટો સામે કડક હાથે કામ લેવાવું જોઈએ. દેશનાં સીમિત ઉત્પાદન સાધનો મોજશોખની વસ્તુઓના ઉત્પાદન માટે નહિ, પણ જીવનજરૂરિયાતોના ઉત્પાદન માટે પ્રયોજાય, એ માટે સરકારે ઘટતાં પગલાં લેવાં જોઈએ. ગૃહઉદ્યોગો અને લઘુઉદ્યોગોના વિકાસ દ્વારા ઉત્પાદન અને રોજગારીની તકો વધારીને પણ મોંઘવારીને અંકુશમાં લાવી શકાય. લોકોએ પણ કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોનો બહિષ્કાર કરીને , ઉત્પાદન વધારવા માટે તનતોડ મહેનત કરીને અને હડતાલો, બંધ, કામચોરી વગેરેથી દૂર રહીને સરકારના આ પ્રયાસોમાં સહકાર આપવો જોઈએ. વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને ભાવસપાટીને સ્થિર રાખવા શક્ય એટલો ભોગ આપવો જોઈએ. 

મોંધવારી દેશનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે. અંકુશમાં આવશે તો જ દેશનો સર્વાંગી વિકાસ સાધી શકાશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *