Saturday, 7 September, 2024

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે નિબંધ

90 Views
Share :
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે નિબંધ

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે નિબંધ

90 Views

અનેક ખાટી-મીઠી સ્મૃતિઓ સાથે ઓગસ્ટ માસ પસાર થઈ રહ્યો છે. લગભગ બે સદીઓની ગુલામી દશામાંથી દેશે મુક્તિના પરોઢના કરેલા નૂતન દર્શનનો આ સમય છે. મેઘાણીએ ગાયું હતું કે ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી ! ‘ જેની રાહ જોવાતી હતી, જે મેળવવા માટે મોંઘામૂલ્યનાં બલિદાન અપાયાં હતાં. તે સ્વાતંત્ર્યનો આ મહિનો છે. 

એક જ દેશના બે ભાગલા પડે અને અસંખ્ય લોકો તેની યાતના ભોગવે તેની પણ દુઃખદ સ્મૃતિ થાય છે. ઓગસ્ટ માસમાં જ કલકત્તાની ધરતી પર મહાત્મા ગાંધી લોકોના સમૂહમાં જઈને ભાઈચારો કેળવવા તેમજ તેને જાળવી રાખવા વણથાક્યા પ્રયાસો કરે છે. મહાત્મા ગાંધીનું કલકત્તા તેમજ નોઆખલીનું (હાલમાં બાંગલા દેશમાં આવેલો વિસ્તાર) વિચરણ ખારા પાણીના રણમાં એક મીઠી વીરડીના અસ્તિત્વ સમાન ભાસે છે. પંડિત નહેરુ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી દેશને નૂતન દિશા તરફ ડગ ભરવા હાકલ કરે છે. 

આવા એક અસાધારણ વાતાવરણમાં એક અનોખી વીરતાની ઘટના અમદાવાદમાં પણ આ મહિનામાં જ બને છે. એક બત્રીસ લક્ષણો યુવાન બલિદાનની વેદી પર આત્મસન્માનના ભાવ સાથે પોતાના મહામુલા જીવતરનું બલિદાન આપે છે. એક પુષ્પ અકાળે જ કરમાય છે. 

આ પવિત્ર પુષ્પની સૌરભ આજે પણ અનુભવી શકાય છે. શહીદ વીર વિનોદ કિનારીવાલાના સર્વોચ્ચ બલિદાનને અમદાવાદ તેમજ ગુજરાત કદી વિસરી નહિ શકે. ભયને પણ ભયભીત કરે તેવા આ વીરની કથા આફતોને પણ અવસરમાં પલટાવી શકે તેવી ભાતીગળ છે. અહીં ધ્યેય સ્પષ્ટ છે. આથી દેશદાઝમાં જીવતા આ સરફરોશીની તમન્ના ધરાવતા લોકોને આફત કે અડચણનું દર્શન પોતાના માર્ગમાં થતું નથી. મેઘાણીએ લખેલા શબ્દો આ વીરોની છાતીમાં ધરબાઈને પડેલા છે.

“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે,
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે.
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે.”

આઝાદીની લડતના લગભગ છેલ્લા ભાગમાં ૧૯૪૨ના ઓગસ્ટ માસની સાતમી ઓગસ્ટે મહાત્મા ગાંધી એક અનોખો સંદેશો આપે છે. ‘કરેંગે યા મરેંગે’નો બાપુનો આ સંદેશ દેશના યુવાનો હર્ષનાદ કરીને ઝીલે છે. ‘કાર્ય સાધયામી વા દેહં પાતયામી’નો સંકલ્પ સમગ્ર રાષ્ટ્રમાં ગુંજી ઉઠે છે. અમદાવાદની વીરભૂમિ પણ આ લડતમાં પાછળ નથી. અમદાવાદનો સમગ્ર વિદ્યાર્થી વર્ગ લડતમાં ભાગ લેવા થનગને છે. હાલમાં જ્યાં લો કોલેજ છે તેની સામેના મેદાનમાંથી યુવાનોનું સરઘસ પુરા જોશથી નીકળે છે. 

સરઘસ તે સમયની તથા આજની પણ મહત્વની શેક્ષણિક સંસ્થા ગુજરાત કોલેજ પાસે પહોંચે છે. શસ્ત્રસજ્જ પોલીસની નાકાબંધી છે. પરંતુ આ સમુદ્રના તોફાની તરંગો જેવું વિશાળ સરઘસ ગુજરાત કોલેજમાં જુસ્સાપૂર્વક દાખલ થાય છે. પોલીસને આ સરઘસ આવશે તેની માહિતી છે. આથી તેઓ પણ સજાગ છે. ગુજરાત કોલેજ સામેના મેદાનમાં પણ હૈયે હૈયું દળાય તેટલા લોકો છે. કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં પુરા આત્મ-વિશ્વાસ સાથે દાખલ થાય છે. 

વિનોદ કિનારીવાલા આ સમૂહમાં મોખરે છે. વિનોદ રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને મોખરે ચાલે છે. તેથી તેના પર સૌનું વિશેષ ધ્યાન જાય છે. દસમી ઓગસ્ટ-૧૯૪૨નો આ ઐતિહાસિક દિવસ છે. વિનોદ તો આગલા દિવસે પણ એક વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો. તેમાં લાઠીચાર્જ થતાં વિનોદને પણ સખત વાગ્યું હતું. એ પીડાની પરવા કર્યા સિવાય વિનોદ આજે ફરી સરઘસને કોલેજના કેમ્પસમાં નીડરતાથી દોરી રહ્યો હતો. વિનોદને પોલીસની મોટી પલટનની ઉપસ્થિતિનો પણ પુરેપુરો ખ્યાલ છે. 

વિનોદના વિચારો સતત ચાલે છે. મનમાં પોતાના માર્ગદર્શક પિતાના શબ્દોનું રટણ કરે છે. પિતાએ વાતવાતમાં કહેલું કે પોલીસના દેખતાં જ સરઘસ વિખેરાઈ જાય એ તો એક લાંછનની ઘટના છે. આવી કોઈ નામોશી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ માથે લેવાની તૈયારી વિનોદ કે તેના સાથીઓની નથી.

એ બાબતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે સરકાર સાથેના આ ઘર્ષણમાં શાંત તેમજ અહિંસક રીતે જ કાર્યક્રમ કરવાનો નિર્ણય હતો. પરંતુ પોલીસનું વલણ અન્યાયી તેમજ અકળાવનારું હતું. લો કોલેજ નજીકના મેદાનમાં વિદ્યાર્થીઓ વિશાળ હાજરીમાં ઉપસ્થિત છે. અનેક કિશોરીઓ પણ તેમાં પુરેપુરી દૃઢતા સાથે સામેલ થઇ છે. પોલીસની કોર્ડન તોડીને આગળ વધવાનો પ્રયાસ થાય તે આવી લડતોમાં સ્વાભાવિક ક્રમ છે. પોલીસે લાઠીચાર્જ શરુ કર્યો. 

સરઘસમાં અગ્રસ્થાને રહેલી છોકરીઓ પર લાઠીચાર્જ થતો જોઈને યુવકોના મનમાં એક આક્રોશનો ભાવ થાય છે. સરઘસમાં કેટલીક અરાજકતા પણ થઇ. વિનોદ પણ આ સરઘસનો જ એક ભાગ હતો. બહેનો પર હાથ ઉઠતો જોઈ તે વિશેષ વ્યગ્ર થયો હતો. કોલેજના મેદાનમાં વિદ્યાર્થીઓ તેમજ પોલીસની હાજરી તથા સંઘર્ષનો આ માહોલ અધ્યાપકો માટે અકળાવનારો બને છે. 

પ્રોફેસર ફિરોઝ દાવર વિદ્યાર્થીઓને માર પડી રહેલો જોઈને વ્યથિત થાય છે. પોલીસને સંયમ રાખવા સમજાવે છે. દાવર સાહેબની વાત સમજવા પોલીસની તૈયારી નથી. આ જ રીતે એક વિદ્યાર્થિની પર માર પડતો જોઈને પ્રોફેસર ધીરુભાઈ ઠાકર આગળ આવે છે. પોલીસ ઠાકર સાહેબ ઉપર લાઠીનો પ્રહાર કરે છે. લોહીના ઝરણાં ફૂટતાં જોવા મળે છે. ઝંડાને હાથમાં લઇ ગર્વ તથા સ્વસ્થતાથી આગળ ચાલતા વિનોદ કિનારીવાલા પર પોલીસની લાલ આંખ થાય છે. વિનોદ પર હુમલાનો નિર્ણય કરી ગોરા અમલદારે ઝંડાધારી યુવાન વિનોદની છાતી પર ગોળીબાર કર્યો.

વિનોદ મૃત્યુને સામી છાતીએ ભેટીને અમરત્વને વર્યો. વિનોદ કિનારીવાલાની આ ભવ્ય બલિદાનની ઘટના એ અમદાવાદ શહેરના ભાતીગળ ઇતિહાસની એક વિસ્મૃત ન થાય તેવી ઉજ્જવળ ઘટના છે. વિનોદની શહીદીનું સ્મારક પ્રેરણાસ્રોત સમાન છે. આપણાં આ ઉજળા ઇતિહાસની વાત આજના સંદર્ભમાં પણ રોમાંચક છે. આથી જ તેનું પુનઃસ્મરણ થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *