ખાપરો-કોડિયો : સૌરાષ્ટ્ર ના વિખ્યાત ચોર
By-Gujju08-02-2024
ખાપરો-કોડિયો : સૌરાષ્ટ્ર ના વિખ્યાત ચોર
By Gujju08-02-2024
સૌરાષ્ટ્ર ની લોક વાયકા માં સૌરાષ્ટ્ર ના વિખ્યાત મહાચોર ની ઘણી વાતો છે .. એમાંથી એક અહીં રજૂ કરું છું ….
એક સમય હતો જ્યારે ખાપરો અને કોડિયો બંને એકબીજા થી અજાણ હતા અને બંને પોત પોતાના વિસ્તાર માં અલગ અલગ ચોરી કરતા હતા .. બંને એકદમ શાતીર દિમાગ .. ભારે ચતુર … જૂનાગઢ ની આસપાસ ના વિસ્તારમાં બંને ની ભારે ધાક .. કેટલી કોશિશ છતાં બંને ક્યારેય પકડાયા નહોતા ..
બંનેનું એટલું નામ હતું કે બંને એકબીજાથી પ્રભાવિત થઈ ને એકબીજા ને મળવાની ખુબ જ ઈચ્છા ધરાવતા હતા .. નસીબજોગે એક ધર્મશાળા માં બંને ભેગા થઈ ગયા .. એકબીજા ની રહેણી કહેણીથી ખ્યાલ આવી ગયો હતો કે આ એક ચોર છે .. બંને એ એકબીજાને પ્રાથમિક ઓળખાણ આપી .. ખ્યાલ આવ્યો કે આ એ જ છે જેમને એ લોકો છેલ્લા ઘણા સમયથી મળવા માંગતા હતા .. બંને એ સાથે મળીને એક ચોરી ને અંજામ આપ્યો … ત્યારબાદ ખાપરો કોડીયા ને પોતાની ઘરે લઈ ગયો ..
રાત્રે જમવા સમયે ખાપરાએ કોડીયા ને સોનાની થાળી માં જમવા આપ્યું .. સોનાની થાળી જોઈને કોડીયાને વિચાર આવ્યો કે આજે રાત્રે સોનાની થાળી ની ચોરી કરવી .. અને બતાવી દઉં કે હું ચોરીમાં કેટલો ચતુર અને હોશિયાર છું ..
જમી પરવારી ને બંને જણા વાતો કરતા કરતા ખાટલા ઉપર સુઈ ગયા .. પણ સોનાની થાળી ની ચોરી કરવી એટલી સરળ નહોતી .. ખાપરાએ એક શિકા માં થાળી રાખેલી .. ( શિકુ એટલે દોરડા થી નીચે ગોળ .. અને આજુ બાજુ ના ત્રણ છેડા દોરીથી ઉપર ભેગા કરીને નળિયા ના મોભા સાથે બાંધવામાં આવતું .. એમાં વચ્ચેની જગ્યા માં દૂધ ની તપેલી કે મટકી રાખતા .. ) અને એમાં પાણી ભરેલું .. અને બરોબર એની નીચે જ ખાટલો ઢાળીને ખાપરો સૂતો … જરા પણ શિકું હાલે તો થાળી માં ભરેલ પાણી પોતાની ઉપર ઢોળાય અને તરત જ એમની ઊંઘ ઉડી જાય ..
પણ કોડીયો તો એના જેવો જ ચતુર હતો .. ખાપરો સુઈ ગયા પછી એ ધીમે થી બહાર નીકળ્યો .. થોડે દૂર જઈને એણે એક મોટા પાન વાળી વનસ્પતિ શોધી કાઢી .. એનું એક પાન તોડી ને એની બનાવી ભૂંગળી .. પછી ધીમેથી પેલી સોનાની થાળી પાસે આવી ને ભૂંગળી એમાં ગોઠવીને બધું પાણી પોતે પી ગયો .. અને થાળી ખાલી થઈ એટલે ધીમે થી થાળી શીકા માંથી બહાર કાઢી નજીક માં ગામ ના તળાવમાં કમર જેટલા પાણીમાં જઈને રાખી આવ્યો અને જાણે કશું બન્યું જ નથી એમ પોતાના ખાટલામાં સુઈ ગયો ….
જૂના જમાનામાં સવારે નાસ્તા ને શિરામણ કહેતા .. રોટલા માખણ દૂધ આવા ખોરાક રહેતા …
ખાપરા કોડીયા સવાર માં ઉઠ્યા .. નાહી ને તૈયાર થયા .. અને સવાર ના શિરામણ ની તૈયારી શરૂ થઈ ..
મહેમાન તરીકે કોડીયો શિરામણ કરવા બેઠો .. અને ખાપરા એ આશ્ચર્ય વચ્ચે એ જ સોનાની થાળી માં શિરામણ આપ્યું જે રાત્રે કોડીયા એ ચોરી લીધી હતી ..
સોનાની થાળી જોઈ ને કોડીયો નવાઈ પામ્યો .. એની નજર પામીને ખાપરાએ ફોડ પાડી કે રાત્રે જ્યારે કોડીયો થાળી જ્યારે તળાવ ના પાણી માં રાખી ને સુઈ ગયો ત્યારે ખાપરો ઉઠ્યો અને આજુ બાજુ નજર કરી તો દીવા ના આછા અજવાળામાં ઘર માં પાણી ના નિશાન હતા .. એણે કોડીયાને એની ઊંઘ માં ખલેલ ના પહોંચે એ રીતે ધીમે રહીને એના કપડા ઉપર હાથ ફેરવ્યો .. તો ખ્યાલ આવી ગયો કે કોડીયા ના કમર સુધી કપડાં ભીના જેવા લાગતા હતા .. એનાથી ખાપરા એ અંદાજ બાંધ્યો કે આને થાળી ચોરી કરી ને કમર જેટલા પાણી માં છુપાવી છે .. પણ ક્યાં ? વિચારતા વિચારતા જવાબ મળ્યો કે ગામ ની નદી ના વહેણ માં થાળી વહી ને દૂર જઈ શકે .. એટલે ત્યાં ના રાખી હોય .. કૂવો ઊંડો હોય .. એટલે ત્યાં પણ ના હોય .. તળાવ માં જ કમર જેટલા પાણી માં રાખી હશે .. એ તરત જ ગામ ના તળાવમાં કમર જેટલા પાણી માં શોધવા ગયો .. અને થોડી મહેનત પછી થાળી મળી ગઈ .. અને એ જ સોનાની થાળી માં કોડીયા ને શિરામણ આપ્યું …
બંને જણા એકબીજાની ચતુરાઈ થી ખુશ થયા .. અને પછી વર્ષો સુધી સાથે મળીને ચીરીઓ કરી .. જ્યાં એક ને પણ પકડવો મુશ્કેલ હતો ત્યાં આ બંને ભેગા મળ્યા .. કહેવાય છે કે એ બંને એ જ્યાં સુધી ચોરીઓ કરી ત્યાં સુધી એમને કોઈ પકડી શક્યું નહોતું .. જૂનાગઢ સ્થિત ઉપરકોટ માં આવેલ ખાપરા કોડીયા ના ભોંયરા આજે પણ ત્યાં પ્રચલિત છે .. ભૂલ ભૂલામણી જેવા એ ભોંયરા માં જે કોઈ અંદર જતું એને ક્યારેય બહારનો રસ્તો નથી મળ્યો .. આ ભોંયરામાં ખાપરા કોડીયા આસાની થી અંદર બહાર આવી શકતા …
કહેવાય છે કે ભૂતકાળમાં પ્રવાસન અર્થે ગયેલા અમુક લોકો અંદર થી બહાર નથી આવી શક્યા .. એટલે એ ભોંયરા નું મુખ બંધ કરી દેવામાં આવ્યું છે .. હાલ આ ભોંયરા ને બહાર થી જ જોઈ શકાય છે.