માં વિષે નિબંધ
By-Gujju07-11-2023
માં વિષે નિબંધ
By Gujju07-11-2023
વેદમંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યાં છે. એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. તેને અનુસરીને આજે પણ આપણે ‘માતૃદ્ધેવો ભવ’ એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણાં સો સગાં હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી શકે નહિ .
માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યારપછી એથીય અનેક ગણાં વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે. આમ, મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં મા જ સૌથી વધારે ધ્યાન આપે છે. બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવાચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તોપણ એને રેઢું મૂકતાં માનો જીવ ચાલતો નથી.
મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે; મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય, ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. વળી, મા બાળકને રામાયણ – મહાભારતની, રાજારાણીની, પરીઓની અને પશુપક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ, બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નથી; પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. વનરાજને ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પૂતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું.
માતાને એક સંતાન હોય કે આઠ, પરંતુ માનો પ્રેમ બધાં માટે સરખો જ રહે છે. વળી, બાળક અંધ – અપંગ હોય, કે બહેરું – મૂંગું હોય, મંદબુદ્ધિનું હોય કે તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી, માતૃપ્રેમ માત્ર મનુષ્યજાતિમાં જ જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંને ચાહે છે. ગાય એનાં વાછરડાંને પોતાના જીવની જેમ જાળવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાનાં બચ્ચાંની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદકરે ગાયું છે કે,
” જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ.”
ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી. બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન, ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. આથી જ એમ કહેવાય છે કે, ‘ધોડે ચડનાર બાપ મરજો, પણ દળણાં દળનાર મા ન મરજો’ .પ્રેમાનંદે ગાયું છે કે “ગૉળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.”
અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો એક જ ઇચ્છા હોય છે : ‘મારું બાળક સુખી થાય. ‘આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે ? માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી . આથી જ કવિ મલબારીએ ગાયું છે :
” અર્પી દઉં સો જનમ એવડું મા તુજ લહેણું. ”
ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે :
नन्नी नन्मभूमिश्च स्वर्गपि गरियसी ।