માનવી પશુની નજરે નિબંધ
By-Gujju03-10-2023
માનવી પશુની નજરે નિબંધ
By Gujju03-10-2023
એક દિવસ હું શાળાએથી ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં મને એક ઘરડું ગધેડું જોવા મળ્યું. તે માંડમાંડ ચાલી શકતું હતું. તેની હાલત જોઈને મને તેના પર દયા આવી. મારાથી. બોલી જવાયું, ‘આનો માલિક ખરેખર બેદરકાર અને સ્વાર્થી હશે.’ મારા શબ્દો કાને પડતાં જ ગધેડું અચાનક માણસની વાણીમાં બોલવા લાગ્યું, આ રહી એની આપવીતી.
‘દોસ્ત ! તારી વાત સાચી છે. મારો માલિક વાસ્તવમાં બેદરકાર અને સ્વાર્થી છે. એકલો એ જ નહીં, આખી માણસજાત સ્વાર્થી અને લુચ્ચી છે. મારા માલિકે જુવાનીમાં મારી પાસે તનતોડ મજૂરી કરાવી. હું ઘરડો અને અશક્ત થઈ ગયો હોવાથી પહેલાંની જેમ કામ કરી શકતો નથી. તેથી એણે મને તેના ઘરેથી હાંકી કાઢ્યો. ટાઢ-તાપ કે વરસાદની પરવા કર્યા વગર રોજ સવારથી સાંજ સુધી હું તેની સેવા કરતો હતો. તે વહેલી સવારે ઘેરથી નીકળી પડતો અને કામની શોધમાં ઠેરઠેર ભટકતો.
હું તેની સાથે ને સાથે રહેતો. આખો દિવસ મારી પીઠ પર માટી, રેતી, ઇંટો, રોડાં વગેરે લાદવામાં આવતું. આ ભાર પીઠ પર ઊંચકીને હું માલિક ઇચ્છે ત્યાં પહોંચાડતો. ઘણી વાર ભૂખ્યા-તરસ્યા રહીને પણ મેં માલિકીની સેવા કરી. ઘણી વાર એટલું બધું કામ હોય કે ખાવા-પીવાનો સમય પણ ન મળે. છતાં મેં વફાદારીપૂર્વક વર્ષો સુધી મારા માલિકની સેવા કરી. તેનો ધંધો વધ્યો તેમ તેની આવક પણ વધી.
તેણે એક આલીશાન ઘર લીધું. એક ટેમ્પો ખરીદ્યો. દિવસેદિવસે તે વધુ ને વધુ ધનિક થવા લાગ્યો. હું હવે ઘરડો અને અશક્ત થઈ ગયો. હવે હું તેના કંઈ કામનો નથી રહ્યો. મેં જિંદગીભર તેની સેવા કરી છતાં મારા ઘડપણમાં એણે મને રસ્તે રઝળતો કરી દીધો. માણસજાતના સ્વાર્થ અને લોભનો મારી જેમ ઘણા પશુઓને બૂરો અનુભવ થયો છે.
કૂતરું એક વફાદાર પ્રાણી છે. માણસજાતે એની યોગ્ય કદર કરી જ નથી. માણસ કૂતરાના ગળામાં પટ્ટો બાંધી, તેમાં સાંકળ નાખી તેને ગુલામ બનાવી રાખે છે. કૂતરું ચોવીસ કલાક તેના ઘરની ચોકી કરે છે, પણ. કૂતરું ઘરડું થઈ જાય ત્યારે માણસ તેની સારસંભાળ લેતો નથી. ઘોડો, ઊંટ, ગાય-ભેંશ-બળદ, હાથી વગેરે તમામ પશુઓની આવી જ દયાજનક હાલત થાય છે.
ગાય-ભેંશ દૂધ આપે ત્યાં સુધી માણસ તેમની સંભાળ રાખે છે, પણ ઘરડા પશુઓની સારસંભાળ લેતો નથી. બિચારા બળદ અને ઊંટ તનતોડ મહેનત કરીને માણસની સેવા કરે છે. તેઓ વજનદાર સામાન ભરેલી ગાડી જીવનભર ખેંચ્યા કરે છે. તે જ્યારે વૃદ્ધ અને અશક્ત થઈ જાય, ત્યારે તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે.
માણસે પાલતુ પશુઓને જ રંજાયા છે એવું નથી. વાઘ, સિંહ, દીપડો, જરખ, કરણ, મગર, વાંદરાં વગેરે જેવાં પ્રાણીઓને પણ તેણે પાંજરામાં પૂર્યા છે. પ્રાણીસંગ્રહાલય અને સર્કસમાં આવા સેંકડો પ્રાણીઓ માણસના દમનનો ભોગ બન્યાં છે. માણસ બુદ્ધિશાળી ખરો પણ આખરે તો એય પ્રાણી જ છે. અમારા જેવા અબોલ અને લાચાર પશુઓ સાથે તો આવું ક્રૂર વર્તન ન જ કરવું જોઈએ.
પણ ઉપકાર કરનાર પર અપકાર કરવો, એ જ માણસનો જન્મજાત સ્વભાવ છે. માણસજાત ખરેખર લોભી, સ્વાર્થી અને લુચ્ચી છે. પોતાના ભોગવિલાસ માટે પ્રાણીઓનો ભોગ લેનાર માણસ ખરેખર ઈશ્વરનો ગુનેગાર છે. એને ઈશ્વર એના આ ગુનાની સજા જરૂર આપશે.




















































