મારા દાદીમાં વિશે નિબંધ
By-Gujju05-10-2023
મારા દાદીમાં વિશે નિબંધ
By Gujju05-10-2023
મારાં દાદીમાનું નામ ચંચળબા છે. તેમની ઉંમર સિત્તેર વર્ષની છે. આમ છતાં તેમની તંદુરસ્તી ઘણી સારી છે. તેમના વાળ ધોળા છે. તેમના મોમાં દાંત નથી, પણ ચોકઠું છે. આથી તેમને જમવામાં તકલીફ પડતી નથી. તે ચશ્માં પહેરે છે અને સફેદ સાડી પહેરે છે.
મારાં દાદીમા સવારે વહેલાં ઊઠે છે. તે નાહીધોઈને ભગવાનની સેવાપૂજા કરે છે. ત્યારપછી તે નજીક આવેલા મંદિરે જાય છે. ત્યાં દર્શન કરી તે ઘરે આવે છે ત્યારે અમારા માટે પ્રસાદ લાવે છે. તે મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. મારાં દાદીમાએ બનાવેલી રસોઈ મને બહુ જ ભાવે છે.
મારાં દાદીમા બપોરે થોડો આરામ કરે છે. પછી તે રામાયણ કે ભાગવત વાંચે છે. તે મહિલામંડળમાં જોડાયેલાં છે. તેથી તે ઘણી વાર કોઈને ઘેર ભજનમાં પણ જાય છે. તેમનો કંઠ સારો છે. તે ભજનો ગવડાવે છે. શ્રાવણ માસમાં મારાં દાદીમા અમને બધાંને રામાયણ વાંચી સંભળાવે છે. રાતે અમે ભાઈબહેન દાદીમા સાથે વાતો કરીએ છીએ. તે અમને વાર્તા કહે છે. સૂતાં પહેલાં અમે સૌ સાથે બેસીને પ્રાર્થના કરીએ છીએ.
મારાં દાદીમાનું જીવન ઘણું સાદું છે. તે પોતાનું બધું જ કામ જાતે કરે છે. તેમની જરૂરિયાતો ઘણી ઓછી છે. તે ખપ પૂરતું જ બોલે છે. તે કોઈ વાર બે-ચાર દિવસ માટે મારાં ફોઈબાને ઘેર પણ જાય છે. અમે બધાં દાદીમાને ખૂબ માન આપીએ છીએ. અમારા ઘરમાં સૌ એમની સલાહ મુજબ જ વર્તે છે.