Wednesday, 11 September, 2024

મારો યાદગાર પ્રવાસ નિબંધ

365 Views
Share :
મારો યાદગાર પ્રવાસ નિબંધ

મારો યાદગાર પ્રવાસ નિબંધ

365 Views

પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમ્યાન આપણને નવુનવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસની પૂર્વતૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારુ કરવી કે જેથી શરૂથી અંત સુધી ક્યાંય જરા પણ અગવડ કે મુશ્કેલી પડે નહિ.

વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે.

અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની સારી સગવડ ન હોય. કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે. પણ આવી થોડીઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે.

એક વખત અમારી શાળા દ્વારા કચ્છ-ભૂજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. પાંચ શિક્ષકો સાથે અમે પંચાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ-ભૂજના પ્રવાસે નીકળ્યા.

સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા.

બીજે દિવસે સવારે અમને સૂર્યનારાયણનાં દર્શન થયાં. અમે અંજારમાં જેસલ-તોરલની સમાધિ જોઈ. ત્યાર બાદ અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભૂજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો.

કચ્છ-ભૂજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે. તે પણ ચોમાસામાં જ પડે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારે માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભૂજના શ્રી સ્વામીનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટાઢથી ધ્રૂજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી અને કઢી જમ્યા.

રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભૂજનાં જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભૂજનું તળાવ પણ પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.

બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સદ્ભાગ્યે ત્યાં અમને વરસાદનું વિધ્ન નડ્યું નહીં. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં.

વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. એવામાં પોલીસે અમને માહિતી આપી કે, કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે. એટલે તમામ પ્રવાસીઓએ દસ વાગ્યા સુધીમાં અહીંથી નીકળી સલામત સ્થળે જતા રહેવું પડ્યું હતું. અમે જલદી જલદી ત્યાંથી નીકળી ગયા.

ત્યારબાદ અમે કંડલા તરફ જવાને બદલે ભૂજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભૂજમાંથી વિદાય લીધી. અમે રાતના એક વાગે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજી દિશા માં ફંટાઈ ગયું હતું.

આ પ્રવાસમાં અમને ઠીકઠીક તકલીફો પડી. પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમ, આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો.

પગપાળા પ્રવાસનો આનંદ કંઈ ઑર હોય છે. હું અને મારા મિત્રો દર વર્ષે ત્રણચાર દિવસનો પગપાળા પ્રવાસ ખેડીએ છીએ.

ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. પચીસમી ઑક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં.

પરિક્રમાના માર્ગ પર વહેલી સવારથી જ પદયાત્રીઓનાં ટોળેટોળાં નજરે પડતાં હતાં. સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી. પદયાત્રાની શરૂઆત એ કરતાં હતાં. અમે પણ એમની પાછળપાછળ ચાલવા લાગ્યા. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાંનાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ ‘જય ગિરનારી’નો નાદ ગજવતા. ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. ત્યાં અમે ચાપાણી કર્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. 

સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણો શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.

અમે એક પંક્તિ સતત વાગોળતા હતા :

“ડુંગરા ચઢવા સહેલ ના,
છતાં શિખરે ચઢી
પ્રકૃતિદેવીની લીલા જાળવી,
રમ્ય એ ઘડી,”

સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. અમને એટલી બધી ભૂખ લાગી હતી કે ધોમધખતા તડકામાં બેસીને પણ અમે ભરપેટ ખાધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. 

સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજીરાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.

વહેલી સવારે દૈનિક વિધિ તથા ચાનાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. આજે ઠંડા પાણીથી સ્નાન કરવા મળ્યું હતું એટલે અમે ખૂબ તાજગી અનુભવી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સેંકડો સ્વયંસેવકો પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેરઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. 

સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. ‘બાપા પ્રેમથી જમજો’ એવું કહી કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. ‘અન્નદાન એ શ્રેષ્ઠ વન છે’ એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરેધીરે આગળ વધ્યા.

સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધામિ, ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરા અનુભવ થયો. આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *