મિત્રતાની મીઠાશ નિબંધ
By-Gujju04-10-2023
મિત્રતાની મીઠાશ નિબંધ
By Gujju04-10-2023
‘મિત્રતાની મીઠાશ’ એવું શિર્ષક વાંચતાની સાથે ‘એનો’ ચહેરો નજર સમક્ષ નાચી ઉઠે છે. ‘એની’ યાદ આવે ને હોઠ પર સ્મિત રેલાઈ જાય છે, ‘એની’ વાત કરીએ ત્યારે ભલેને આપણે આધેડ વયના કેમ ન હોય! પણ એક ગજબની સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, ‘એને’ મળવા માટે આપણે વેળા-કવેળાએ પણ તત્પર હોઈએ છે! આ ‘એ’ એટલે જ તો આપણો મિત્ર, ભાઈબંધ, દોસ્તાર, ભેરુ, ગોઠિયો, લંગોટીયો યાર કે હિતચિંતક કેટકેટલાં નામ એના તો… તો આવી ગઈ ને મીઠાશ તમારા ચહેરા પર!
આપણું શીર્ષક ભલે ‘મિત્રતાની મીઠાશ’ હોય પણ એક સાચો મિત્ર કડવા લીમડા જેવો હોય છે. લીમડો સ્વાદે કડવો લાગે પણ અસ્સલ ગુણકારી હોય છે, તેમ સાચો મિત્ર પણ આપણને નાની-નાની વાતમાં રોક ટોક કરતો, ક્યારેક વડીલ બની સલાહ આપતો, ક્યારેક માતાની મમતાનો અહેસાસ કરાવતો તો ક્યારેક હકથી બે થપ્પડ મારી દઈને પણ આપણને સાચી વાત સમજાવે છે, ત્યારે એ કડવો જરૂર લાગે છે. પરંતુ સમય જતાં ગુણકારી બની રહે છે. અને આજના આ આધુનિક યુગમાં જ્યારે પોતાના જ વ્યક્તિ વિશ્વાસઘાત કરી બેસે છે ત્યારે દરેક પરિસ્થિતિમાં આપણને કોઈ સાચવી લે છે તો એ મિત્ર જ છે. મિત્ર એટલે તો,
“નામ વગરનો એક નાતો,
પણ સૌના હૈયે સમાતો”
‘મિત્રતા’ વિશે કહેવું હોય તો શબ્દો પણ ઓછા પડે! આતો એક અવિસ્મરણીય અને અવર્ણનીય સંબંધ છે, કે જયાં તમે હાથ ફેલાવો ને એ હૈયું આપી દે! કે જયાં તમે ખોબો ભરીને દુઃખ ઠાલવો તો એ સામે કોથળો ભરીને સુખ ઠાલવી જાય! કે જ્યાં તમે એક શબ્દ પણ ન બોલો ને એ તમારી આખી વાતને સમજી જાય! કે જ્યાં તમે તમારાથી જ રિસાઈને, થાકીને, હારીને કે તૂટી જાવ ત્યારે તમારા ખભે હાથ મૂકીને તમને શોધવામાં જે તમારી જ મદદ કરેને એ ‘મિત્ર’
એવું ક્યાંક વાંચ્યું હતું કે ઈશ્વર જેને આપણી સાથે લોહીના સંબંધ જોડવાનું ભૂલી ગયા હોયને; ત્યારે એવી વ્યક્તિને ‘મિત્ર’ ના નાતે આપણા જીવનમાં સ્થાન આપીને પોતાની ભૂલને સુધારી લે છે. તમે જ વિચારોને કે, બધા જ લોકો એક સામાન્ય ઢબે જીવન તો જીવતા જ હોય છે પરંતુ આ જીવનને ‘અસામાન્ય’ ઘટનાઓ, પ્રસંગો, યાદોથી છલકાવી દે છે ‘મિત્ર’ મિત્ર વિશે વાત કરવી હોય ને તો સમય ઘટે પણ વાત ન ખૂંટે. એની વાતને કોઈ વ્યાખ્યા કે ઉદાહરણ રૂપે ન વર્ણવી શકાય ! ‘મિત્ર’ વિશે બધું જ આમા૫, અખૂટ કે અધધ……. જ હોય.
‘મિત્ર’ એટલે એક એવો સંબંધ કે જેની પાસે વણમાંગ્યો બધો જ ‘હક’ હોય ! જેમ કે, આપણી ઇચ્છા હોય કે ના હોય એ ફોન કર્યા વગર પણ આપણે ત્યાં ટપકી જ પડે ! જો એ સમયે પિતાજી ઘરે હોય તો એકદમ ડાઇ-ડાઇ વાત કરનારો સીઘો-સરળ ‘સજજન’ બની રહે. માં આગળ ચાળી-ચુગલી કરીને લાડકો બની જાય. આપણા મોટા ભાઈ-બહેન સમક્ષ એક ‘આદર્શ’ વિદ્યાર્થી બની રહે.
અને એ જ મિત્ર જ્યારે એકાંતમાં મળે ત્યારે… વાતે-વાતે ગાળો બોલતો, હેતભર્યા ધબ્બા મારતો, “અરે ! આ ટી-શર્ટ તો મસ્ત છે !” – એમ કહીને વગર પૂછયે જ આપણી ટી-શર્ટ પહેરીને બીજા સામે વટ મારતો, કોલેજમાં લેક્ચર બંક કરીને અંગ્રેજી ફિલ્મ જોવા લઈ જતો, પાનના ગલ્લે કે હોટલમાં પૈસા આપતી વેળાએ, “ઓહ! આજે તો વૉલેટ જ ભૂલી ગયો છું !” – એવું કહીને મિત્રના પૈસે મજા કરતો, ચાની લારીએ આખી નહીં પણ કટિંગ ચાની ચૂસકી લેતો, પરીક્ષા સમયે ગેરમાર્ગે દોરતો, અને આપણે બીમાર પડીએને હોસ્પિટલમાં હોઈએ તો આપણી તબિયત કરતાંય કઇ નર્સ સારી છે? – એની કાળજી રાખતો ‘ખાસ મિત્ર’ દરેકના જીવનનું અભિન્ન અંગ સમાન હોય છે.
આપણી નાની મોટી દરેક ટેવ-કુટેવથી વાકેફ જ નહીં પણ આપણા કોઈ ગફલાં કે ગતકડાંનો રાઝદાર કે સાક્ષી જે ગણો તે આ ‘મિત્ર’ જ હોય છે. અને જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવી પડેને ત્યારે પાનના ગલ્લે પૈસા ન કઢનારો એ મિત્ર પોતાનો જીવ પણ કાઢી આપવાની જીગરવાળો હોય છે. મુશ્કેલીના સમયમાં આપણને કહે છે કે, હું છું ને યાર ! તારી સાથે, તું શું કામ ટેન્શન લે છે? બધું જ સારું થઈ જશે !” – બસ, આવા બે બોલ પણ આપણા તમામ દુઃખ દર્દને દૂર કરી દે છે. મિત્ર દ્વારા બોલાયેલા હુંફનાં આ વાક્યોમાં બધા જ કષ્ટને છુમંતર કરી દેવાની અદભુત ટેકનીક હોય છે. માટે જ તો કહ્યું છે કે,
“લાગણીના વ્યવહારમાં ખેલ ના કરાય,
કારણ કે સાચા મિત્રનાં ક્યાંય સેલ ના ભરાય.”
જ્યારે આપણે ‘મિત્ર’ વિશે વાત કરીએ ત્યારે ‘યારાના’ ફિલ્મના ગીતની આ પંક્તિ યાદ આવી જ જાય છે.
મેરી જિંદગી સવારી, મુજકો ગલે લગાકે
બેઠા દિયા ફલક પે, મુજે ખાક સે ઉઠા કે
યારા તેરી યારી કો, મૈને તો ખુદા માના
યાદ કરેગી દૂનીયા, તેરા મેરા અફસાના..!
એવું જરૂરી નથી કે, મિત્રતા બે સમાન સ્વભાવ, જાતિ, ધર્મ કે ગુણ ધરાવતી વ્યક્તિ વચ્ચે જ થાય ! મૈત્રી તો એક જ એવું બંધન છે કે જે ઊંચ-નીચ, નાત-જાત, ધર્મ, સ્ટેટસ કે સ્ત્રી-પુરુષના ભેદભાવના વાડાને વટી જઇને પણ લાગણીની સુવાસ ફેલાવે છે. હા, ક્યારેક એવું બને છે કે, કોઈ નાની અમથી વાતમાં, કોઇ ગેરસમજને લીધે કે ક્યાંક અહંને કારણે આપણે સાચો મિત્ર ગુમાવી દઇએ છીએ. તો મિત્રો, આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું.
ક્યારેય કોઈ મતભેદ થાય તો સહેજ ખમી જવું, થોડું સહી લેવું અને અહંને બાજુએ મૂકી દઈને પણ ‘મિત્રતા’ ની ગરિમા જાળવી લેવી. કારણ કે દરેક સ્થાને કૃષ્ણ-સુદામાની જેમ મદદ ન કરે પણ કૃષ્ણ-અર્જુનની જેમ યોગ્ય ઉપદેશ આપીને આપણા પથદર્શક બનતાં ‘મિત્રો’ પણ કંઈ કમ તો નથી જ ! આવા સાચા મિત્રો વગરની જિંદગી એટલે ખાંડ વગરની ચા પીવા જવું છે !
મારા તમામ મિત્રોને યાદ કરીને અંતે એટલું જ કહીશ કે,
“શું હોત મારી હસ્તી
જો જીવનમાં ન હોત તમારી દોસ્તી..!”