નારી તું નારાયણી નિબંધ
By-Gujju07-11-2023
નારી તું નારાયણી નિબંધ
By Gujju07-11-2023
“જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”
જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત્ નારાયણી છે. માનવજાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણાં શાસ્ત્રો… એવું કહેવામાં આવ્યું છે કે,
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા :
અર્થાત્ જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.
આપણા ઇતિહાસમાં ઘણી અમર નારીપાત્રો જોવા મળે છે. પતિવ્રતા સતી સીતા પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતી. પતિને ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો. લક્ષ્મણની પત્ની ઊર્મિલાનો ત્યાગ પણ નાનોસૂનો નથી. ઊર્મિલાએ ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને હસતા મોંએ વિદાય આપીને ચૌદ વર્ષનો વિયોગ ભોગવ્યો અને સાસુઓની સેવા કરી. સતી અનસૂયાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા. સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. રાણી લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નીડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. વિદુષી ગાર્ગી, ચાંદબીબી, અહલ્યાબાઇ, ગંગાસતી, મીરાંબાઈ વગેરે ભારતનાં અમર નારીરત્નો છે.
સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે. તેની આંખોમાંથી અમી છલકાતું હોય છે. સમાજના અને દેશના નિર્માણ તેમજ ધડતરમાં તેનો મહત્ત્વનો ફાળો રહેલો હોય છે. બાળકોમાં સંસ્કારસિંચન મા જ કરે છે. પિતૃગૃહે લાડકોડથી ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યાં તે પારના પોતાના બનાવી દે છે. દીકરો સંસ્કારી હોય તો એક કુળ તારે પરંતુ દીકરી સંરકારી હોય તો તે તેના પિયરને અને સાસરાને એમ બે કુળને તારે છે. નારીનું જીવન સેવા, નેહ સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. તે પોતાના બાળક અને કુટુંબની નિઃસ્વાર્થપણે સેવા કરે છે. તેમને માટે એ સર્વસ્વનો ત્યાગ કરે છે. કુટુંબની સુખશાંતિ માટે તે સહનશીલતા કેળવે છે. “સહન કરવું એય છે એક લ્હાણું’ એવી સમજથી તે જગતનાં ઝેર પી જાણે છે. કુદરતે સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે. આથી જ બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટા ભાગની જવાબદારી સ્ત્રીઓને જ સોપવામાં આવે છે. નારી સાથે જ નારાયણી છે.
“નારી નરકની ખાણ છે.” એવું કહેનારો એક વર્ગ પણ આપણા સમાજમાં હતો. તેના પરિણામે જ આઝાદી પહેલાં નારીનું સ્થાન રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું . તેને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી. તેને ધૂમો તાણવો પડતો. “દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની પણ સ્વતંત્રતા ન હતી. આ બાબત તે સમયના સમાજ માટે શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની અક્ષમ્ય ઉપેક્ષાવૃત્તિને લીધે જ આપણો દેશ કન્યાકેળવણીમાં પછાત રહી ગયો હતો .
ગાંધીજીએ સ્ત્રીશિક્ષણને મહત્ત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી. રાજા રામમોહનરાય જેવા વીર સમાજસુધારકે સતીપ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે અથાક પ્રયત્નો કર્યા. ત્યારપછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો. આજે તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ વિમાનચાલક, પોલીસ અધિકારી અને વડા પ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકી છે. એટલું જ નહીં, બસ કન્ડક્ટર કે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરી આપવા માટે માત્ર પુરુષો જ કરતા તેવાં કામો પણ હવે સ્ત્રીઓ કરવા લાગી છે.
કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઇને સ્વચ્છંદી બની જાય છે. તે પોતાના અધિકારો મેળવવાની ઘેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે. તે કુટુંબના વડીલોનો અનાદર કરે છે . તે વડીલો પ્રત્યે વિવેક, સભ્યતા અને માનમર્યાદા જાળવતી નથી. ઘણી ચીજવસ્તુઓની જાહેરાતોમાં સ્ત્રીઓનાં અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રી જાગૃતિથી સંબંધિત સંસ્થાઓએ સ્ત્રીને પ્રદર્શનની ચીજ તરીકે ખપાવનારાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ.
નારીએ નરકની ખાણ થવું છે કે નારાયણી થવું છે તે તો દરેક સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે. નારી નારાયણી થાય અને સૌની પૂજનીય બની રહે તેવી આપણે અભિલાષા રાખીએ.