Friday, 21 June, 2024

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

286 Views
Share :
નવરાત્રી : ગરબો એટલે શું

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

286 Views

છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે.

વિક્રમ સંવતના છેલ્લા પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતાં.

વરસાદ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે.

આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે એ આપણે લગભગ બધાં જાણીએ છીએ.

‘ગરબો’ શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે.

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, વિજયરાય વૈદ્ય અને કે. કા. શાસ્ત્રી જેવા આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ ‘ગરબા’ના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.

કેશવ હર્ષદ ધ્રુવે થોડુંઘણું અર્થઘટન કરી આપ્યું છે, જ્યારે કે. કા. શાસ્ત્રીએ તે બાબતે આમ જણાવ્યું છે,

“ગરબો શબ્દ દીપગર્ભ ઘટઃ પૈકીના ‘ગર્ભ’માંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ ‘ઘડો’ અથવા ‘ઘડું’ એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહે છે.”

“અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ‘ગરબો કોરાવવો’ કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે.”

”તેથી ‘ગરબો’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય.”

“દીપગર્ભ ઘટઃ એ પ્રયોગમાં ‘ઘટઃ’નો અર્થ ‘દીપગર્ભા’ એ વિશેષણ દ્વારા થવા લાગ્યો.”

”કાળક્રમે ‘દીપગર્ભા’ શબ્દમાંથી પૂર્વપદ ‘દીપ’નો લોપ થતાં ‘ગર્ભા’ શબ્દ રહ્યો અને તેના પરથી ‘ગરભો’ થઈને ‘ગરબો’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો.”

”આ રીતે ‘ગરબો’ શબ્દ કાણાંવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવી શક્તિનું પ્રતિક બન્યો.”

“નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની પરંપરા છે.”

”તે ઉપરથી દેવની સ્તુતી અને પરાક્રમનાં નવરાત્રમાં ગવાતાં કાવ્યોને પણ ‘ગરબા’ની સંજ્ઞા મળી હોય તેમ જણાય છે. પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો. એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રકટી.”

વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય

ભારતીય કલા અને સંસ્કૃતિના મર્મજ્ઞ ડો. કલ્લોલિની હઝરતે ગરબા વિશે એક અદ્ભૂત પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છેઃ ‘મારો ગરબો ઘૂમ્યો’.

એ પુસ્તકમાં આપેલી માહિતી મુજબ, “ગરબો સંજ્ઞાની આસપાસ ત્રણ નામ જુદી-જુદી ભૂમિકાએ સંકળાયેલાં છે. એ ત્રણ નામ તે નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો.”

“કૃષ્ણ વસુદેવ દેવકીપુત્ર હોવા છતાં જેમ નંદ અને જશોદાનો પણ પુત્ર હતો તેમ ગરબાના સ્વરૂપ સાથે ભાણદાસનું નામ જોડાય.”

”છતાં એના પોષણ-સંવર્ધનનું કામ વલ્લભ મેવાડાનું ગણાવી શકાય અને એનું વૃંદાવન રચવાનો યશ સર્જક દયારામનો છે.”

“વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય. એમની પાસેથી આપણેને અપાર વૈવિધ્ય મળ્યું છે છતાંય વલ્લભના ગરબાનું કેન્દ્ર છે માતાની પ્રકટ ભક્તિ. ‘મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા રે લોલ’ એ વલ્લભનો અતિપ્રસિદ્ધ ગરબો છે.”

રાસ અને ગરબામાં પ્રથમ શું છે એ વિશે કોઈ આધારભૂત એક વાક્યતા મળતી નથી. રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી અને ‘હરિવંશ’ તથા મહાકવિ ભાસની કૃતિઓમાં તેનો ઉલ્લેખ મળતો હોવાથી એ આપણું પ્રાચીનતમ સ્વરૂપ છે એમ કહી શકાય. રાસ ગુજરાતી છે, છતાં તે ગુજરાત પૂરતો મર્યાદિત નથી.

કૃષ્ણભક્તિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે તો વિરાટ પ્રકૃતિને આદ્યમાતા જગદજનની તરીકે પુરાણ કાળથી સ્વીકારવામાં આવી છે. આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલાં છે.

પ્રત્યેક ગીત એ ગરબો નથી

એક રીતે જોઈએ તો આ બન્નેમાં ઘણું બધું સામ્ય છે તથા જે ભેદ છે તે નહીંવત છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે અને વર્તુળાકારે સમૂહ નૃત્ય પણ સમાન તત્ત્વરૂપે છે.

સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તે રાસ.

તાળી સાથે, ઘૂમતાં-ઘૂમતાં સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાય તે ગરબી.

ગરબો ગુજરાતમાં આવ્યો અને સ્થિર થયો એની પાછળ એક રસિક ઈતિહાસ છે.

વિખ્યાત નાટ્યકર્મી ગોવર્ધન પંચાલે રામનારાયણ પાઠક સાથેના પોતાના પુસ્તક ‘રાસ અને ગરબા’માં આ પ્રમાણે નોંધ કરી છે.

“શોણિતપુર-આસામમાં આવેલા હાલના તેજપુરના રાજા બાણાસુરનાં પુત્રી ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પરણીને દ્વારામતીમાં આવીને વસ્યાં,”

”નર્તનનો સુકોમળ લાસ્યપ્રકાર જગદંબા પાર્વતી પાસેથી તેમણે સૌરાષ્ટ્રની ગોપસ્ત્રીઓમાં પ્રચલિત કર્યો અને પરંપરા પ્રાપ્તિથી જે અન્ય જનપદોમાં પ્રસર્યો એવું ઘણા નાટ્યકારો કહી ગયા છે.”

ગરબો એ અનિવાર્યપણે સૌપ્રથમ ગીત છે.

ગેયતા એ એનું પ્રથમ પગથિયું છે. ગરબો ફૅમિનિન ફોર્મ તરીકે સ્વાભાવિક રીતે જ સ્વીકારાયો હોવાને કારણે એના માટેની પૂર્વશરત એ છે કે એ સ્ત્રીની ઉક્તિ હોય એવી પ્રતીતિ થવી જોઈએ.

પ્રત્યેક ગરબો સૌપ્રથમ ગીત હોય છે, પણ પ્રત્યેક ગીત એ ગરબો નથી હોતું, તો પછી ગીતને ગરબો બનાવનારાં નિર્ણાયક તત્ત્વો ક્યાં?

જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય એનું શબ્દલય, ભાવલય ને સંગીતની છટા અને છાકને અંકિત કરે એવું કાવ્યમય નિરુપણ હોય તથા તાળી અને ઠેક સાથે ગરબે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય એવું ગીત તે ગરબો

ગરબા સાથે આનંદનું તત્ત્વ સંકળાયેલું છે

ગરબો એ પર્ફોર્મિંગ આર્ટ છે અને પર્ફોર્મિંગ આર્ટનાં જે કોઈ ભૂષણો હોય કે દૂષણો હોય તે એને પણ સ્પર્શે છે અને એટલે જ ઘણી વાર કેવળ શબ્દોના ઠાઠમાઠવાળી કૃતિઓ, સંગીતની ભભકવાળી કૃતિઓ એ સાચા અર્થમાં ગરબો નથી હોતો.

ગરબે ઘૂમતી વખતે એમાં ભાગ લેનારા કલાકારો વૈયક્તિક આનંદ તો જ છે, પણ એમની કલાને જોનારાં-માણનારાં સહૃદયો હોય તો એમનો આનંદ બેવડાય.

અલબત, આમાં પ્રેક્ષકો હોવા જ જોઈએ ને તો જ ગરબો થઈ શકે એવી કોઈ ચુસ્ત શરત નથી.

ગરબો એ ખાસ તો સ્ત્રી સાથે અને એનાં નાજુક સંવેદનો સાથે સંકળાયો છે. એટલે એની સાથે લાલિત્યની અપેક્ષા હોય એ વધારે પડતું નથી.

કર્ણકઠોર શબ્દોબાળાં ગીતો ઘણીવાર ગીત તરીકે પણ નભતાં નથી, તો જેમાં નર્યા લાલિત્યની અપેક્ષા હોય એ ગરબા તરીકે નભવા મુશ્કેલ છે.

ગરબા સાથે સામાન્ય રીતે ઉલ્લાસ-આનંદનું તત્વ સંકળાયેલું છે.

તેથી ઘેરા કરુણ ભાવને વ્યક્ત કરતાં કાળાં વિષાદી ગીતો પણ ગરબા તરીકે, લયની ક્ષમતા હોવા છતાંય, જતાં કરવાં પડે.

આ બધી વાતોનો નિચોડ માત્ર એટલો જ કે કલાસ્વરૂપ તરીકે ગરબો વાળ્યો વળી શકે એવો કલાપ્રકાર છે અને યુગેયુગે એમાં આવતાં પરિવર્તનોએ આ હકીકતને સિદ્ધ કરી બતાવી છે.

ગુજરાતી પ્રજાનું સાંસ્કૃતિક સૌભાગ્ય

પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસે એક મુલાકાતમાં ગરબા માટે કહ્યું હતું, “કોઈ પણ ગીતને ગરબામાં ગાઈ શકાય. માત્ર તેમાં સૂર ને તાલની જટિલતા બહુ ન જોઈએ.” ”ભાવ કે વિચાર એવો હોવો જોઈએ કે જે વર્તુળાકારે ઘૂમતાં-ઘૂમતાં સરળતાથી ઉપાડી શકાય.”

“ગરબામાં અમુક જ તાલ કે અમુક જ રાગ હોવા જોઈએ એવું કોઈએ નક્કી કર્યું નથી. ગરબા મોટે ભાગે આ ચાર તાલમાં પ્રયોજાય છે.”” (1) હીંચ (છ માત્રા. દા.ત.- મા તું પાવાની પટરાણી) (2) ખેમટો (છ માત્રા, આશાભર્યાં તે અમે આવીયાં) (3) કેરવો (આઠ માત્રા, નાગર નંદજીના લાલ) અને (4) દીપચંદી (14 માત્રા, રઘુપતિ રામ હૃદયમાં રહેજો). હીંચ અને ખેમટામાં માત્રા સરખી છે, છતાં તે લય ને વજનથી જુદાં પડે છે.”

“જોકે, આ પ્રચલિત તાલ ઉપરાંત પણ અસલથી જુદા જુદા અટપટા તાલ(ઠેકા)માં ગરબા ગવાતા હતા. સારંગ, ભૈરવ, મ્હાડમાં વધારે ગરબા ગવાતા હતા. હવે ઘણા બધા રાગોમાં ગરબાના કોમ્પોઝિશન થાય છે, જે આવકારવા જોઈએ.”

મધ્યકાલીન રચનાઓમાં માતાની ભક્તિ તથા કૃષ્ણભક્તિથી પ્રેરિત ગરબા-ગરબીઓ છે.

ધાર્મિક ગરબો ધીમે ધીમે સામાજિક થતો ગયો એની પ્રક્રિયા સમજવા માટે આપણું લોકસાહિત્ય પૂરતું છે.

આપણાં લોકગીતોમાં સાંસારિક જીવનના કેટલાંય ઉલ્લાસ, નાની નાની કેટલીય મથામણો, રોજિંદા જીવન સાથે સંકળાયેલા કેટલાંય પર્વો તથા તહેવારો અને આ બધી ઘટનાઓની ભીતર વહેતી નારીહૃદયના ભાવની ગુપ્ત ગંગા શબ્દોમાં સાહજિક રીતે મુખરિત થઈ ઊઠી છે.

ગરબો એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું સર્વોત્તમ માધ્યમ છે.

આપણા સંસારજીવનનું જેમાં વિશાળ પટ પર આલેખન થયું છે એ મહાનવલકથા ‘સરસ્વતીચંદ્ર’માં પણ તેના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીએ નાયિકા કુમદસુંદરી પાસે ગરબો ગવડાવ્યો છે.

એ હકીકત ગરબાની પ્રચલિતતાને પુરવાર કરે છે.

ગરબો ઘરઆંગણાના ચોકમાંથી શેરીમાં આવ્યો અને ગરબાની યાત્રાનો એ પ્રથમ તબક્કો છે.

એણે આંગણું છોડ્યું છે અને છતાં નથી છોડ્યું, કારણ કે શેરીમાં પણ એ કોઈકના આંગણે તો હતો જ.

સહિયારી સંપત્તિ જેવો ગરબો પ્રારંભથી જ એક આંગણેથી બીજે આંગણે, એક શેરીથી બીજી શેરીએ ઘૂમતો રહ્યો છે અને એની આંતરિક ગતિશીલતા સાથે તાલ મેળવતો રહ્યો છે.

અત્યારના સમયમાં સૌથી ચિંતાજનક તત્ત્વ માત્ર એટલું છે કે ગતિ નહીં, પણ ગતિનો નિર્લજ્જ ઘોંઘાટ રહ્યો છે અને એ ઘોંઘાટમાં કવિતાનો ભાવવાહી શબ્દ ડૂબી ગયો છે.

જ્યાં માણસ પોતે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિની અવસ્થામાંથી પસાર થતો રહ્યો છે તો મનુષ્ય સાથે સંકળાયેલાં કલાસ્વરૂપો પણ એમાંથી સાવ ઊગરી કેમ શકે?

ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય છે.

ફરી પાછી આપણી પ્રજા આ સ્વરૂપની સ્વીકૃતિ યથાસમજણથી, કવિતા અને સંગીતના સુમેળ સાથે કરશે તો ગરબો ગરબો પણ રહેશે અને ગરવો પણ રહેશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *