Saturday, 27 July, 2024

નિપાત ગુજરાતી વ્યાકરણ

123 Views
Share :
નિપાત ગુજરાતી વ્યાકરણ

નિપાત ગુજરાતી વ્યાકરણ

123 Views

નિપાત નો અર્થ શું ? નિપાત meaning ? નિપાત શબ્દનો અર્થ શું ? 

ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંજ્ઞા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમનાં અનુગ કે નામયોગીનાં રૂપ સાથે – આવે છે અને ભારઆગ્રહવિનંતીવિનયઆદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે, આવાં ઘટકોને ‘ નિપાત ‘ કહે છે.

આ બ્લોગ માં અમે નિપાત વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જે નીચે મુજબ છે.

નિપાતો નીચે પ્રમાણે છે :

ગુજરાતી વ્યાકરણ નિપાત

[1] ‘જ’ :
આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જે પદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે.

દા.ત.

  • વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી.
  • તમે જ કહો ને !
  • બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી.
  • જીવનમાં પહેલી જ વાર તેણે આંસુ જોયાં.
  • ફળિયું એટલે લગભગ બધું જ.

[2] ‘તો’ :
આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે. ‘બીજું નહિ તોપણ આ’ – એવા અર્થમાં વપરાય છે.

દા. ત.,

  • દસ બજે તો ટિકટું લીધી.
  • પીઠી ભરી તો લાડલી રુએ.
  • વહોરવું હોય તો વહોરી લેજો.
  • આપણે તો બડભાગી , ખમીરનું આજ ગવાય રે ગાન.
  • છાયા દેખાવડી ન હતી એમ તો ન હતું.

[3] ‘ને’ :
આ નિપાત આગ્રહ કે ખાતરી કરવાનો અર્થ – દઢીકરણનો – દર્શાવે છે.

દા. ત.,

  • રજા પડે તંઈ ચા પીવા આવશો ને ?
  • રમઝ મીર શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહિ ને ?
  • ડામેશ કરશે, એમ ના ? (‘ને’ના અર્થમાં ‘ના’)
  • આજ તો ‘ફીવર’ નથી ના ? (‘ને’ના અર્થમાં ‘ના’)
  • તમે જ કહો ને ?

[4] ‘ય’ , ‘પણ’ , ‘સુધ્ધાં’ :

આ નિપાતો અંતર્ભાવ (અન્ય સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ) નો અર્થ દર્શાવે છે.

દા. ત. ,

  • બને, તોયે કો’નાં ઉર – ઉપવનો ધ્વસ્ત કરવાં.
  • કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને.
  • શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે ?
  • જુગનો તે જુગ એમાં વીત્યો,  (અહીં ‘તે’ , ‘ય’નો અર્થમાં છે, તેની નોંધ લેવી.)
  • એણે ખાધું સુદ્ધાં નહિ,
  • માજી વળી થોડી વાર જોઈ રહ્યાં,(‘વળી’, ‘પણ’ ના અર્થમાં છે.)

[5] ‘જી’ :
આ નિપાત આદર કે વિનયવાચક છે.

દા. ત. ,

  • સિધાવો જી રણવાટ ,
  • હે જી અમે રંગોની રચનાય દઈએ !
  • એ છે ભૂલ સચિવજી ! મુજ તણી , ના તે સુધારી શકું.
  • બોલો , કીર્તિદવજી ! શું કામ છે ?
  • તેમાં મુંશીજી આવે છે.

[6] “ ખરું ‘ :
‘ખર’ નાં રૂપો (ખરો, ખરી , ખરાં, ખરું). અવધારણાવાચક નિપાત છે.

દા. ત. ,

  • એ નિમંત્રણનો દોરવાયો હું મળવા જાઉં પણ ખરો .
  • તમારો સસરો રોજ આમ કરે છે ખરા.

[7] ફક્ત , માત્ર , કેવળ , છેક :
સીમાવાચક કે અન્ય વ્યાવર્તકતા (આ સિવાય બીજું નહિ) નો અર્થ દર્શાવે છે.

દા. ત. ,

  • તે સર્વના પરાક્રમની કૂંચી માત્ર એક જ હતી.
  • અભણ રમઝ ડોસા પાસે શબ્દો નહોતા કેવળ સૂર હતા .
  • માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલાંને આ વાતની જાણ નહોતી.
  • પહેલાં તે માત્ર શરમથી મોટું સંતાડતો.
  • માયાને તૈયાર થતાં ફક્ત દસ મિનિટ લાગે છે.
  • ગાડું છેક નજીક આવ્યું.

[8] હોં :
અનુમતિદર્શક નિપાત છે.

દા. ત.,

  • અને ટાઇપ મેં કરી આપ્યું છે, હોં રાઘવન !

આપણે ભારવાચક, ખાતરી કે આગ્રહવાચક, અંતર્ભાવવાચક, આદર કે વિનયવાચક, અવધારણાવાચક , સીમાવાચક (અન્યથાવર્તતા વાચક),  અનુમતિવાચક એવા નિપાતોના પ્રકારો પણ પાડી શકીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *