Saturday, 23 November, 2024

પાંડુના લગ્ન

295 Views
Share :
પાંડુના લગ્ન

પાંડુના લગ્ન

295 Views

When Kuntibhoj’s step-daughter, Kunti became young, a swaymvar (groom choosing) was held. Many kings aspired to marry with Kunti but she selected Pandu. Kunti thus became Pandu’s first wife. Later, Bhishma also looked for another suitable girl for Pandu and found Madri, daughter of King Shalya. Madri thus became Pandu’s second wife. Bhishma also looked for a suitable match for Vidur. Finally, Vidur was married to daughter of King Devak. Thus all the three brothers – Dhritarastra, Pandu and Vidur got married.

It is interesting to see that in spite of having a vow of celibacy for his whole life, Bhishma was not only active in politics but was also involved in social affairs. That’s why he took active interest in the marriage of all the three brothers.

કુંતીભોજની વિશાળ લોચનવાળી, ધર્મનિષ્ઠ, સર્વગુણસંપન્ન, સૌન્દર્યમૂર્તિ પુત્રી-અલબત્ત પાલક પુત્રી પૃથા કે કુંતીની કામના કેટલાય રાજપુરુષોએ કરેલી.

એમની કામના તથા પ્રાર્થનાને લક્ષમાં લઈને યૌવનના પ્રાંગણમાં પ્રવેશેલી કુંતીને કાજે સ્વયંવરની યોજના ઘડવામાં આવી.

એ સ્વયંવરમાં સમુપસ્થિત થયેલા અસંખ્ય પુણ્યશાળી પ્રતાપી રાજાઓમાંથી કુંતીએ પરમપ્રતાપી, સર્વાધિક પુણ્યશાળી, સિંહસરખા સ્વાત્મસન્માનવાળા, વિશાળ છાતીવાળા, સઘળા રાજાઓની કાંતિને સૂર્યસમાન ઢાંકી દેનારા, ઇન્દ્ર સરખા આકર્ષક, રાજા પાંડુને નિહાળીને, અચિંત્ય અનંત આકર્ષણને અનુભવીને, એના કંઠમાં વરમાળાને પહેરાવી દીધી.

કુંતી પાંડુને વરી છે એવું જાણીને બીજા બધા રાજાઓ જેવી રીતે આવ્યા હતા તેવી રીતે હાથી, ઘોડા તથા રથ પર બેસીને નિરુત્સાહ બનીને પાછા ફર્યા.

કુંતીભોજે કુંતીનો પાંડુ સાથે વિધિપૂર્વક વિવાહ કરીને કૃતકૃત્યતા અનુભવી.

બ્રાહ્મણો અને મહર્ષિઓના શુભાશીર્વાદથી સંપન્ન પાંડુએ પોતાની સેના સાથે નગરમાં પ્રવેશ કર્યો.

એ પછી કેટલોક કાળ વીત્યા પછી શાંતનુપુત્ર ભીષ્મે પાંડુના બીજા વિવાહનો વિચાર કર્યો.

ભીષ્મ વયોવૃદ્ધ પ્રધાનો, બ્રાહ્મણો, અને સુવિશાળ ચતુરંગિણી સેના સાથે મદ્રપતિ રાજા શલ્યના નગર તરફ ગયા.

રાજા શલ્યે સામે જઇને તેમનું સાદર સમુચિત સંતોષકારક સ્વાગત કર્યું અને એમને પ્રેમપૂર્ણ પૂજન-અર્ચનપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો.

ભીષ્મે પોતાના સુખકારક શુભાગમનનું કારણ પૂછવામાં આવતાં શલ્યની સૌન્દર્યમંડિતા યશસ્વિની બહેન માદ્રીની પાંડુ માટે માગણી કરી. શલ્યે એ માગણીને સહર્ષ માન્ય રાખી.

ભીષ્મે શલ્યને અઢળક સુવર્ણ તથા વિવિધ રત્નો આપ્યાં. વળી હાથી, ઘોડા, રથ, વસ્ત્ર, અલંકાર, મણિ, મુક્તા તથા પરવાળાં આપ્યાં.

શલ્યે એથી પ્રસન્ન બનીને પોતાની બેન માદ્રીને સમલંકૃત કરીને ભીષ્મને સમર્પી.

ભીષ્મે હસ્તિનાપુરમાં પ્રવેશીને સુયોગ્ય સમયનો નિર્ણય કરીને માદ્રી સાથે પાંડુનો વિધિપૂર્વક વિવાહ કરાવ્યો.

પાંડુએ માદ્રી તથા પ્રથમની પત્ની કુંતી સાથે સ્વૈચ્છિક સુખોપભોગ કરવા માંડ્યો.

એક માસ પર્યંત સ્વૈરવિહાર કરીને એણે અન્ય રાજ્યોના વિજયનો આરંભ કર્યો અને એને માટે પણ ભીષ્મના અમોલ અસાધારણ આશીર્વાદ મેળવ્યા.

એ સઘળી ઘટનાઓ ભીષ્મના વિરાટ અસામાન્ય વ્યક્તિત્વને સૂચવે છે. ભીષ્મે આજીવન અવિવાહિત રહેવાની અને રાજગાદીના અધિકારને ત્યાગવાની પ્રતિજ્ઞા તો પાળી બતાવી, પરંતુ એથી આગળ વધીને, સહજ પણ હતોત્સાહ કે નિષ્ક્રિય થયા વિના, કુળ, રાજ્ય અને રાજ્યના ઉપભોક્તાની સુખ, શાંતિ, સમુન્નતિને માટે પૂરતા રસપૂર્વક બનતું બધું જ કરવાનું ચાલુ રાખ્યું એ એમની વિશેષતા બતાવે છે. રાજ્યની, પદની, ઇચ્છા સિવાય રાજ્યના સમુત્કર્ષ માટે સામાન્ય સક્રિય સેવક બનીને સર્વ કાંઇ કરી છૂટવાનો એ મહામંત્ર સૌ કોઇએ અપનાવવા જેવો છે.

ભીષ્મે દેવકરાજાની કન્યાનું વિદુર સાથે લગ્ન કરાવીને પોતાના એક વિશેષ કર્તવ્યને પૂર્ણ કર્યું. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *