Sunday, 22 December, 2024

પ્રદૂષણ – એક સાર્વત્રિક સમસ્યા નિબંધ

174 Views
Share :
પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા નિબંધ

પ્રદૂષણ – એક સાર્વત્રિક સમસ્યા નિબંધ

174 Views

એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકેલી માનવજાતિ સમક્ષ અનેક ગંભીર પડકારોની જેમ સાર્વત્રિક પ્રદૂષણ એક મોટો પડકાર છે. પાછલી સદીઓમાં વિજ્ઞાનનો ભારે વિકાસ થયો અને દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં. ઠેર ઠેર મિલો કારખાનાં ઊભાં થયાં. આગગાડીઓ અને બીજાં વાહનો ઝડપભેર દોડવા લાગ્યાં. નવાં ઔદ્યોગિક એકમો અને વસાહતો સ્થપાયાં. શહેરોમાં વસવાટની દાણ સમસ્યાએ ગીચ – ગંદી ઝૂંપડપટ્ટીઓને જન્મ આપ્યો. યાંત્રિકતાના આ ઉત્કર્ષે એક બાજુ માનવને ચંદ્રની ધરતી પર પહોંચાડયો, તો બીજી બાજુ એણે માનવજાત સામે પ્રદૂષણનો જીવલેણ ભય પણ ઊભો કર્યો. 

આજે જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તે પ્રદૂષિત છે. કારખાનાંનો ઝેરી વાયુ વાતાવરણને સતત પ્રદૂષિત કરે છે. ડીઝલ કે પેટ્રોલથી ચાલતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો હવામાં કાર્બન ડાયૉક્સાઇડની માત્રા વધારે છે. ગંદકીથી ઊભરાતી શહેરોની ગટરોની દુર્ગંધ હવામાં ભળે છે. રાસાયણિક કારખાનામાંથી અવારનવાર નીકળતો ઝેરી ગૅસ વાતાવરણને પ્રદૂષિત બનાવે છે. 1984 માં ભોપાલમાં થયેલી ગૅસ – દુર્ઘટનાને કોણ ભૂલી શકશે ? મહાસત્તાઓ દ્વારા કરવામાં આવતા પરમાણુવિસ્ફોટના પ્રયોગો વાતાવરણમાં અસંતુલન ઊભું કરી તેને જીવલેણ બનાવી દે છે. વૃક્ષો અને વનોનો બેફામ વિનાશ પણ વાયુપ્રદૂષણમાં કારણભૂત બને છે. હવાનું પ્રદૂષણ પર્યાવરણ બગાડે છે અને આંખના રોગ, ફ્લુ, ખાંસી તથા શ્વાસના રોગો અને બીજી તકલીફો સર્જે છે . 

વાયુપ્રદૂષણની જેમ જળપ્રદૂષણે પણ માઝા મૂકી છે. જે નદીઓ લોકમાતા તરીકે જીવનદાયિની મનાતી હતી, તેમનું પ્રદૂષિત જળ હવે અનેક રોગોનું મુખ્ય કારણ બની ગયું છે. કારખાનાના ઉત્પાદનમાંથી વધતો અશુદ્ધ કચરો તેમજ ગંદું પાણી નદી – તળાવોમાં ઠલવાય છે અને તેમના નિર્મળ જળને અશુદ્ધ અને અપેય બનાવી દે છે. પ્રદૂષણને લીધે જ શ્રીરામની પતિતપાવની ગંગા આજે મેલી બની ગઈ છે. શ્રીકૃષ્ણની યમુનામાં કાલિયનાગ ફરી અવતર્યો છે અને ઋષિઓની માનીતી ગોદાવરીને મિલન થયેલી જોઈને દિલ દુભાય છે . કારખાનાંમાંથી નીકળતા પ્રદૂષિત જળને લીધે ભૂગર્ભનું જળ પણ પ્રદૂષિત થાય છે; કૂવાનું પાણી પણ શુદ્ધ રહી શકતું નથી. વધતી જતી ઝૂંપડપટ્ટીઓ જળપ્રદૂષણમાં ભારે વધારો કરે છે. આમ, સર્વથા પ્રદૂષિત જળ હવે ‘જીવન’ કહેવા યોગ્ય રહ્યું નથી. 

હવા અને પાણીનાં પ્રદૂષણ જેટલું જ ભયંકર આજનું ધ્વનિ પ્રદૂષણ પણ છે. આકાશમાં ઊડતાં વિમાનો, રસ્તા પર ચાલતાં વાહનો , આગગાડીઓ, મિલનાં ભૂંગળાં અને કારખાનામાં ધમધમતાં મશીનો કેટલો કર્કશ ધ્વનિ ઉત્પન્ન કરે છે ! રેડિયો , ટીવીના અવાજો અને તહેવારોની ઉજવણી દરમિયાન થતો લાઉડ સ્પીકરોનો ઘોંઘા પણ ધ્વનિપ્રદૂષણ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. મહાસત્તાઓ વચ્ચે ચાલતી શસ્ત્રદોટને કારણે અવારનવાર પરમાણુ પ્રયોગ થતા રહે છે. આ વિસ્ફોટોનાં પ્રબળ આંદોલનો દિગદિગંતમાં પ્રસરી કારમું ધ્વનિપ્રદૂષણ સર્જે છે. 1971 માં વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી હતી કે જો અવાજ અને ઘોંઘાટ ઉપર નિયંત્રણ લાદવામાં નહિ આવે તો એ સમય દૂર નથી, જ્યારે બહેરાશ એક સામાન્ય રોગ થઈ જશે. તે સાથે માનવજાત ગાંડપણ, મગજનો ઉશ્કેરાટ અને અલ્સર જેવી ઘાતક બીમારીઓનો પણ મોટા પાયે ભોગ બનશે. 

પ્રદૂષણની સાર્વત્રિક સમસ્યા હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. તેથી જ વિશ્વમાં પ્રદૂષણ અટકાવવા ચળવળ શરૂ થઈ છે. કારખાનાં વસ્તીથી દૂર ખસેડાઈ રહ્યાં છે. વૃક્ષારોપણ અને વનસંરક્ષણની પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. વાહનોના એંજિનમાંથી ધુમાડો ન નીકળે એવી ટેક્નિકો શોધાઈ રહી છે. પ્રદૂષિત નદીઓને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ધ્વનિપ્રદૂષણને ડામવા અવાજ વિનાનાં વાહનો અને યંત્રો બનાવાઈ રહ્યાં છે. મહાસત્તાઓ પરમાણુયુદ્ધની ભીષણતાનો વિચાર કરી તેના પર પ્રતિબંધ મૂકવા મંત્રણાઓ યોજી રહી છે. 

પ્રદૂષણ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ભયંકર ખતરારૂપ છે. તેનાથી જીવનનું સુખ અને સુંદરતા હણાઈ રહ્યાં છે. પ્રદૂષિત હવા, પાણી અને ખાદ્યાન્નને લીધે આજે માનવીની કાર્યશક્તિમાં ઓછપ આવી રહી છે. તન અને મનની અનેક સમસ્યાઓ પાછળ આજે પ્રદૂષણનો હાથ છે. તેથી તેને નિવારવા યુદ્ધસ્તરીય પ્રયાસો આદરવા જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *