રાજકોટના નવા એરપોર્ટનું ઠેકાણા વગરનું કામકાજઃ ચાર મહિનામાં પ્રવાસીઓ ત્રાહિમામ
By-Gujju09-01-2024
રાજકોટના નવા એરપોર્ટનું ઠેકાણા વગરનું કામકાજઃ ચાર મહિનામાં પ્રવાસીઓ ત્રાહિમામ
By Gujju09-01-2024
- એરપોર્ટ શહેરથી 30 કિમી દૂર બનાવવામાં આવ્યું હોવાથી સમયસર પહોંચવાની તકલીફ
- એરપોર્ટ સુધી પહોંચવાના રોડ પર ભારે ટ્રાફિક, ઘણી જગ્યાએ રિપેરિંગ કામ ચાલે છે
- એરપોર્ટ માટે કેબ સર્વિસ 2000 રૂપિયા ચાર્જ કરે છે. ફ્લાઈટની સંખ્યા પણ ઘટી ગઈ
રાજકોટમાં મોટા ઉપાડે અને જંગી ખર્ચ સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેની સર્વિસના મામલે ઢગલાબંધ ફરિયાદો મળી રહી છે. સપ્ટેમ્બર 2023માં આ એરપોર્ટ ખુલ્યું ત્યારથી તેની કામગીરીમાં સતત ખામીઓ જોવા મળી છે અને પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એરપોર્ટ પહોંચવામાં જંગી ખર્ચ
એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ ગયું તેને ચાર મહિના થઈ ગયા, પરંતુ સર્વિસના મામલે લોકોમાં નારાજગી પ્રવર્તે છે. સૌથી પહેલા તો ફ્લાઈટની ફ્રિકવન્સી જ નક્કી નથી. તેથી પ્રવાસીઓને સતત ચિંતા રહે છે. આ ઉપરાંત આ એરપોર્ટ શહેરથી 30 કિમી દૂર બનાવવામાં આવ્યું હોવાથી ત્યાં સમયસર પહોંચવાની તકલીફ પડે છે. આ એરપોર્ટ માટે પિક અપ અને ડ્રોપની ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેના માટે 2000 રૂપિયાનો તગડો ચાર્જ વસુલવામાં આવે છે અને તે પણ માત્ર વન વેનો ચાર્જ છે.
એર ટ્રાવેલર્સ 2000 રૂપિયાનો ચાર્જ ભરે ત્યાર પછી પણ તકલીફોનો અંત નથી. પ્રવાસીઓએ રાજકોટ – અમદાવાદ હાઈવે પકડવો પડે છે જ્યાં કુવાડવા પાસે રસ્તાની ભયંકર સ્થિતિ છે. અહીં છેલ્લા પાંચ વર્ષથી હાઈવેને સિક્સ-લેન બનાવવાનું કામ ચાલુ છે જે ક્યારે પૂરું થશે તે નક્કી નથી. આ રસ્તા પર વાહનોને બહુ સમય લાગે છે અને નુકસાન પણ થાય છે.
એરફેર ઘટવાના બદલે વધી ગયું
નવા એરપોર્ટ પર વધુ ફ્લાઈટ શરૂ થવાથી એરફેર ઘટશે તેવી વાતો થતી હતી, પરંતુ તેનાથી વિપરીત એરફેરમાં વધારો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે અમદાવાદથી મુંબઈનું એરફેર 2500થી 3000 રૂપિયા ચાલે છે ત્યારે રાજકોટથી મુંબઈનું હવાઈભાડું 4200થી 5000 રૂપિયા સુધી પહોંચી જાય છે.
સૂત્રો કહે છે કે રાજકોટ એરપોર્ટ પરથી પુષ્કળ પ્રમાણમાં ટ્રાવેલર્સ મળશે તેવી ધારણા હતી. પરંતુ પ્રવાસીઓની સંખ્યા ઓછી રહેવાના કારણે એરલાઈન્સે ફ્રિકવન્સી ઘટાડી દીધી છે. રાજકોટથી દિલ્હી જવા માટે સવારે કોઈ ફ્લાઈટ નથી. પૂણે અને ગોવાની ફ્લાઈટ પણ ઘટાડીને સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કરી નાખવામાં આવી છે.
પિક અપ અને ડ્રોપ માટે બહુ ઓછો સમય
એરપોર્ટ પર પિક અપ અને ડ્રોપ માટે પ્રવાસીઓને બહુ ઓછો સમય મળે છે. એરપોર્ટ ઓથોરિટી આ માટે માત્ર ત્રણ મિનિટનો ટાઈમ આપે છે. જ્યારે AAIની એક કમિટીના અભ્યાસ પ્રમાણે કોઈ પણ વ્હીકલને એરપોર્ટમાં એન્ટર થયા પછી બહાર નીકળવામાં ઓછામાં ઓછી 8 મિનિટ લાગતી હોય છે. એર પેસેન્જર પાસે વધારે લગેજ હોય અથવા સિનિયર સિટિઝન હોય ત્યારે વધુ સમય લાગી જતો હોય છે.
આ વિશે રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંતા બોરાએ જણાવ્યું કે પેસેન્જરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ ફ્લાઈટ ઓપરેટ કરતી હોય છે તેથી અમે તેમને વધુ ફ્લાઈટ ઉડાવવા માટે જણાવી ન શકીએ. પિક અપ અને ડ્રોપ વિન્ડો માટે પણ કંઈ થઈ શકે તેમ નથી કારણ કે તે AAI દ્વારા નક્કી કરાયેલા રુલ મુજબ છે.