રક્ષાબંધન નિબંધ
By-Gujju07-11-2023
રક્ષાબંધન નિબંધ
By Gujju07-11-2023
રક્ષાબંધન ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહીધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે. બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંલ્લો કરે છે અને ચોખા ચોટાડે છે. ત્યારપછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી.બાંધે છે. ગૉળ, સાકર કે મીઠાઈથી ભાઈબહેન એકબીજાનું મો મીઠું કરાવે છે. બહેન ભાઈને આશિષ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનને ‘વીરપસલી’ પણ કહે છે.
પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે. આમ, રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે.
રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને ‘નાળિયેરી પૂનમ’ પણ કહે છે.
રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.