રસિકભૈ રસો – યોગેશ જોષી
By-Gujju30-10-2023
રસિકભૈ રસો – યોગેશ જોષી
By Gujju30-10-2023
હજીય જ્યારે જ્યારે એ પરોઠા હાઉસ પાસેથી પસાર થાઉં ત્યારે કોઈક ગ્રાહકનો ધીમો અવાજ સંભળાય – “રસિકભૈ , રસો આવવા દ્યો. ” ત્યાં તો રસિકભૈનો અવાજ આવે – “ આમ ધીમેથી ચાં બોલો ? બૂમ પાડો કે રસિકભૈ …. રસો ! ”
પહેલી જ વાર સૌરાષ્ટ્રના એ ગામમાં જવાનું થયેલું. ત્યાં રસિકભૈના પરોઠા – શાકનાં વખાણ સાંભળી પરોઠા હાઉસમાં જ જવાનું વિચાર્યું. વળી , લોજ કરતાં સસ્તુંય પડે. જેટલું ખાય એટલા પૈસા થાય.
” આવો સાહેબ” પરોઠા હાઉસમાં દાખલ થતાં જ કોઈક અવાજે આવકાર્યો. પાંચેક ફૂટ ઊંચાઈ , ઘેરો અવાજ, મોટી આંખો, ગલોફામાં પાન , ગોળ ચહેરો , શર્ટના શરૂઆતનાં બે ત્રણ બટન ખુલ્લાં. એમાંથી પરસેવાથી તરબતર થયેલું ગંજી દેખાય. ત્યાં તો કોઈ ગ્રાહકે બૂમ પાડી , ” રસિકભૈ , રસો ”
ને તરત જ રસિકભૈએ એક તપેલું ખોલી કડછો ભરીને રસો પેલા ભાઈની ખાલી થઈ ગયેલી રકાબીમાં પીરસ્યો. શાક તો ક્યારનું ખલાસ થઈ ગયેલું. માત્ર રસિકભૈએ આપેલા રસામાં સ્હેજ જ અડકાડી અડકાડી પેલા ભાઈએ એક પરોઠો પૂરો કર્યો ત્યાં તો રસિકભૈ આવ્યા – “પરોઠો આપું ? ”
પહેલાં તો પેલા માણસે ના પાડી. પણ કોને કેટલું ખાવા જોઈએ એની રસિકભૈને ખબર. આથી ફરી પૂછયું – પૈસાની ચંત્યા ચાં કરો સો ? પરોઠો જોઈતો હોય તો થોડુંક શાક એમનેમ આપું ”
પેલાએ ડોકું ધુણાવ્યું ને રસિકભૈ એક કડછો શાક ને પરોઠો પીરસી ગયા. એક ડીશના શાકના પંચોતેર પૈસા થાય. આથી ઘણાં શાક ઓછું ઓછું ખાય.
ખલાસ થવા આવે ત્યારે વિચારે – હજી જો સહેજ રસો હોય તો એકાદ પરોઠો ખાઈ શકાય. મજૂરી કરીને આવ્યાં હોય ને સખત ભૂખ લાગી હોય. બીજે ક્યાંય તો આવો મફત રસો ન મળે. આથી લગભગ બધો જ મજૂર વર્ગ અહીં જમવા આવે.
અહીં એમને ‘ સાહેબ લોગ ’ જેટલો જ આવકાર અને માન પણ મળે. મેલાં ફાટેલાં કપડાં હોય પણ એમનું એક માણસ તરીકેનું મૂલ્ય અહીં જળવાય. જો કોઈ નોકર સ્હેજ ઊંચા સાદે બોલી જાય – ” આપું છુ , ઉતાવળ ચાં કરો સો ? ” ત્યાં રસિકભૈ એને ધમકાવે – અલ્યા , ઘરાક સાથે આમ વાત કરાય ? “
ત્રણેક નોકરો. એક ડીશો ધોવા માટે. એક પાણી તથા ડુંગળી પીરસવા માટે અને એક પરોઠા – શાક પીરસવા માટે , ‘ કારીગર ’ પરોઠા તળતો હોય. પરોઠા વણનારો જુદો. રસિકભૈ શાક ભાત વગેરે ડીશોમાં ભરે , પરોઠા આપે , કોણ કેટલાં પરોઠાં લીધાં , છાશ છે કે નહીં , પાપડ છે કે નહીં , કોના કેટલા પૈસા થયા – બધું જ એમને યાદ હોય. પૈસા લેવાનું કામ પણ પોતે જ કરે ને પરોઠા – શાક પીરસવામાંય નોકરને મદદ કરે.
રસિકભૈ , કોઈ નાનો છોકરો ટિફિન આપતાં બોલ્યો “ટિફિન ભરી દો. ”
” શાક બોલ , ભઈલા.”
” તમ તમારે ગમે ઈ નાખી દ્યો. ”
” ના ઈ નોં હાલે. કોનું ટિફિન લેવા આવ્યો સે ? ”
” બાબ્ભૈ નું . ”
“હં.. , ઈમ બોલ ને, બાબ્ભૈને બટેટા નોં ભાવે, ચણ્યાં ભાવે.”
કોને શું ભાવે એય રસિકભૈને યાદ હોય ! થોડીક વારમાં મનેય પરોઠા શાક પીરસાયાં.
“ સાહેબ , છાશ ? ”
“ ના ” શરદી રહેતી હોવાથી મેં ના પાડી. પહેલા કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સીસકારો નીકળી ગયો.
આ સાંભળતાં જ રસિકભૈ બોલ્યા , ” તીખું લાગતું હોય તો સાહેબ , શાકમાં ચમચો દહીં આપું ?” કહી શાકમાં ચમચો દહીં આપી ગયા. બીજા પરોઠા હાઉસમાં આવી રીતે કોઈને ય ‘ રસો ’ કે ‘ દહીં ‘ ન મળે. પચાસ પૈસાનું દહીં કે છાસ એકસ્ટ્રા લેવું પડે. મારી સામે બેઠેલા માણસ પાસેથી આ બધું જાણ્યું.
પછી એ માણસે કહ્યું , બીજા પરોઠા હાઉસમાં જઉં તો કોઈ માન દઈને નો બોલાવે. ગઈ કાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું તે બીજે જવું પડ્યું ને રસો માગ્યો તો કહે , ખાવું હોય તો ખાવ નંઈ તો હાલવા માંડો. તે મારે તો ઈંયાં ઝઘડો થઈ ગયો. પચી માણસ ભેગું થઈ ગ્યું. પણ આંય તો ઘર જેવું. આગ્રહ કરીને જમાડે. સામેથી પૂછે , “ રસો જોઈએ ? ભાતમાં દહીં આપું ? ”
પછી તો મેં ઘણીવાર જોયું ; રોજના ઘરાક પાસે ક્યારેક પૈસા ન હોય અને એકાદ પરોઠો ઓછો ખાય તો રસિકભૈ આગ્રહ કરીને બીજો પરોઠો આપે ને કહે , ” આનાં પૈસા નહિ ગણીએ , ચંત્યા કર મા . ” વળી ભાવ પણ બીજા પરોઠા હાઉસ કરતાં ઓછા. અનાજ પણ સારું વાપરવાનું. ક્યારેય જમવામાં કાંકરી કે વાળ ન આવે.
વળી જે કોઈ માગવાવાળા આવે એમાંથી ઘરડાં તથા નાનાં બાળકોને અચૂક પરોઠો ને શાક આપે.
એક વાર મેં પૂછ્યું , ” આમ ઘણા બધાને ક્યારેક મફત પરોઠો ને શાક આપો છો તો વકરો ઓછો નથી થતો ? ”
એણે જવાબ આપ્યો , “ સાહેબ , આંય ચાં કમાવા માટે પરોઠા હાઉસ ખોલ્યું સે ? બધાને જમાડવા ખોલ્યું સે. ”
બે બારણાંવાળી એક મોટા રૂમ જેટલી જ દુકાન. બંને દરવાજાના શટરના હેન્ડલ પર લીંબુ ને બે લીલાં મરચાં લટકાવેલાં. એક દરવાજા પાસે સગડી. ત્યાં પરોઠા તળાય. સગડીમાં તાપ બરાબર રહે એ માટે સગડીના બાકોરામાં પવન આવે એ રીતે એક ટેબલફેન પણ ગોઠવેલો. એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય. બીજા દરવાજેથી બહાર આવવાનું. હાથ બીજા દરવાજા પાસેની ટાંકીની ચકલી ખોલીને ધોવાના. ચારેક ટેબલો અને ખુરશીને બદલે લાકડાની પાટલીઓ.
મોટા ભાગના ગ્રાહકો તો મજૂર વર્ગ અને કેટલાક સ્કૂટર લઈને આવનારા. ક્યારેક સ્કૂટર પાછળ ‘ મેડમનેય લાવે. જુદો ફેમિલીરૂમ નહિ. સ્કૂટરવાળોય મજૂરો સાથે એક જ ટેબલ પર જમે.
અહીં ઢોકળીનું શાક ખૂબ વખણાય. કયા વારે ઢોકળીનું શાક બને એની શોખીનો ખબર રાખે. ઢોકળીનું શાક હોય ત્યારે ભીડ દોઢ ગણી થઈ જાય. આમેય રસિકભૈના પરોઠા હાઉસ વિષે વાત નીકળે ત્યારે કોઈક તો બોલી જ ઊઠે – ” ઈંયાં ઢોકળીનું શાક હોય તંઈ તો બાપુ , જામો પડી જાય.” ” હોયા ! ” “ અરે , બહબહાટી ! ” ગામમાં આવી વાતો મેં ઘણીવાર સાંભળી છે.
પરોઠા હાઉસમાં દાખલ થતાં જ ડાબી બાજુની દીવાલ પર કાચનું માતાજીનું દહેરું. એમાં માતાજીના ફોટા ઉપરાંત બીજાં નાનાં નાનાં દિવાળી કાર્ડ જેવડા ફોટાઓ પણ રાખેલા. ફોટાની આજુબાજુ ઝીણી ઝીણી લાઈટોનું તોરણ. રોજ દીવો , અગરબત્તી થાય. ધુમાડાથી ખૂબ મેલી થઈ ગયેલી ભીંતો.
ભીંતો પર ઘણાં કૅલેન્ડર અને દિવાળી કાર્ડ સુધ્ધાં લગાવેલાં. એટલું જ નહિ , શુક્રવારે પિક્ચરો બદલાય. આથી શુક્રવારનાં છાપાંઓમાં પિક્ચરોની મોટી મોટી જાહેરાતો હોય , એનાય કટીંગ્ઝ ભીંત પર ચોંટાડેલાં. છત પર બે પંખા. એક તો ખૂબ જૂનો અને મેલો. બીજો ઓછો મેલો. બીજો પંખો સગવડ થતાં પાછળથી નંખાવ્યો હશે.
રસિકભૈ તથા બીજા નોકરો સુધ્ધાં પરોઠા હાઉસમાં પ્રવેશે ત્યારે વાંકા વળી પગથિયે હાથ અડકાડી પછી છાતીએ અડકાડે. જાણે મંદિરમાં ન પ્રવેશતા હોય. શરૂઆતમાં જ શાક તથા ભાત , દાળ વગેરે બની જાય. ત્યાર પછી પરોઠા શરૂ કરતાં પહેલાં દરેક તપેલામાંથી થોડુંક થોડુંક અન્ન લઈ સગડીના સળગતા કોલસાને પીરસી અગ્નિને જમાડે , ત્યાર પછી નોકરો માટે ચા મંગાવવાની ને પરોઠા તળવાનું કામ શરૂ કરવાનું. લગભગ દશેક વાગ્યાથી જ પરોઠા તળાવાનું શરૂ થઈ જાય.
દશેક વાગે માત્ર નોકરિયાત વર્ગ જ આવે પણ બાર સાડા પછી તો સખત ભીડ જામે ને કોઈ ઉત્સવ જેવું વાતાવરણ સર્જાય “એક પરોઠો આવવા દ્યો”. “સાહેબ , શાક બોલો” , “કેટલા પૈસા થયા ?” “છાસ છે ?” “ચાર તરી, તૈણ હાઈંઠ” , “અડધો વઘારેલો ભાત.” “દહીં નાખું સાહેબ ! ” છાશ આલી”. “ડુંગળી આવવા દેજો.” “રસિકભૈ, રસો.” “શાક બોલો તમારે બટાટા કે ચણ્યા ? મીક્સ આવવા દ્યો.” ” લ્યા , પાણી આલ સાહેબને.” “બે પાપડ પેલા ટેબલ પર.
” “ચાર આલી, તૈણ છાશ જવા દ્યો” “હાલો , હાલો ઝપાટે , બસ તમારી બે કલાકની નોકરી સે.” “હાલ પેલું ટેબલ સાફ કરી દે , જલ્દી” “રસિકભૈ, ઢોકળી : રસિકભૈ, પાપડ ! રસિકભૈ, અડધી ભાત ! રસિકભૈ, પરોઠો ! રસિકભૈ, રસો ! – અંદર તો આવું ચાલતું હોય ને બહાર લાઈનમાંથીય અવાજો આવે , “રસિકભૈ, ચેટલી વાર સે ?”
“બસ , હવે ઘડી ખમો ભઈલા, બેહાડી દઉં.”
રસિકભૈ આમ કામમાં ગળાબૂડ ડૂબેલા હોય. ગલોફામાં માવો તો હોય જ. ખલાસ થાય કે તરત જ મંગાવે – જા , આપણો માવો લઈ આવ. પણ હા , ચાલુ પરોઠા હાઉસે બીડી ક્યારેય ન પીવે. નોકરોનેય જમવા ઉપરાંત બે ટાઇમ ચા – પાન પણ દેવાનાં. નોકર – માલિક જેવા સંબંધ જ નહિ. જાણે બધાં એક જ ઘરનાં સભ્યો !
એક વાર હું જમતો હતો ત્યાં નાનાં નાનાં દસ – પંદર ટાબરિયાનું ટોળું આવ્યું. મજૂરવર્ગનાં જ છોકરાંઓ. કેટલાંકે તો માત્ર ફાટેલી ચડ્ડી જ પહેરેલી. એ છોકરાં હાથ ધોવા માટેના પાણીની ટાંકીની ચકલી ખોલીને બેય હાથે ખોબો કરી પાણી પીવા લાગ્યાં અને વહેલા પાણી પીવા માટે અંદરોઅંદર ઝઘડવા લાગ્યાં. કલબલાટ કરી મૂક્યો.
“ઘોંઘાટ બંધ કરો , ” કોક નોકર બોલી ઊઠ્યો, ” જાઓ અહીંથી , પાણી નથી પીવાનું. ”
ત્યાં જ રસિકભૈ બોલી ઊઠ્યા , ” લ્યા , લોકો પરબું બંધાવે સે. ” અને પાણી પીરસનારા નોકરને કહ્યું – “ જા, બધાંને ગ્લાસમાં પીવાનું પાણી પા. ”
“રસિકભૈ” , પેલો નોકર બોલ્યો , “ આ તો હાંજે નળ નથી આવવાના એટલે.”
” તે હાંજે નળ નહિ આવે તો પરોઠા – શાક બંધ રહેશે એ જ કે બીજું ? ”
ગામમાં પાણીનો સખત ત્રાસ. ઘણી વાર પાણી ન આવે એથી પરોઠા – શાકની દુકાન બંધ રહે.
હું હંમેશાં જોતો આવું – રસિકભૈ પોતાની જાતને અતિશય કામમાં હંમેશાં ડૂબેલી રાખે , ક્યારેક નળ ન આવ્યા હોય અને પરોઠા – શાક બંધ હોય ત્યારે બે દરવાજામાંથી એકનું શટર પૂરેપૂરું બંધ કર્યું હોય અને બીજું શટર અડધું જ બંધ કર્યું હોય , અંદર રસિકભૈ બેઠા હોય ! સાવ એકલા ! ગલોફામાં , કાચો દેશી હીરામોતી – વાળો માવો ’ હોય ને હાથમાં ત્રીસ નંબર. સાંજે આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ગઈ હોય ત્યાર પછીયે ઘણીવાર મેં જોયું છે , રસિકભૈ સાવ એકલા બેઠા હોય. એક શટર અડધું ખુલ્લું હોય ને બીજું બંધ. એક વાર તો મારાથી પુછાઈ ગયું “ કાં રસિકભૈ , આમ સાવ એકલા બેઠા છો ? ”
” બ …. સ .. ” મોંમાંથી માવાની વાસવાળો એક નિઃશ્વાસ સરી પડ્યો ને એ ચૂપ થઈ ગયા.
મેં ફરીથી પૂછ્યું , “ કાંઈ બની ગયું ?
“ના ….રે.. ”
“તો કેમ આમ સાવ એકલા ? “
” અમથો. ” ને ફરી નિઃશ્વાસ નંખાઈ ગયો. એ પછી ક્યારેય મેં ફરીથી કશુંય પૂછ્યું નથી. પણ જ્યારે જ્યારે રસિકભૈને અતિશય કામમાં ગળાબૂડ ડૂબેલા જોઉં ત્યારે થાય કે પોતાની જાતને આમ કામમાં ડૂબેલી રાખવી પડતી હશે ? એવું તો શું બન્યું હશે ? ન જાને ?