સંકટ ચોથ વ્રત
By-Gujju26-08-2023
સંકટ ચોથ વ્રત
By Gujju26-08-2023
વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે પસવારે વહેલા ઊઠીને સ્નાન કરી ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ-પ્રાર્થના કરવી. રાત્રે ભજન-કિર્તન અને પ્રાર્થના કરી ગણપતિદાદાને કહેવું કે અમારા સઘળાં સંકટ નિવારી અમને સુખ- શાંતિ આપજો. અમારું કલ્યાણ કરજો.
વ્રત કથા: ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો. તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું. રાજા-રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિનાં હતાં. બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતાં અને દાન-પુણ્ય કરતાં હતાં. તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું. તેમને કોઈ વાતનું દુ:ખ ન હતું. છતાં ધર્મની ઘરે ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું.
પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોતજોતાંમાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું.
રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયાં અને પોતાનો જીવ બચાવવા મહેલમના છૂપા ભોંયરાના રસ્તેથી જંગલમાં જતાં રહ્યાં. જ્યાં નસીબનાં પાસાં અવળા પડે ત્યાં રાજમહેલમાં વસનારાં રાજા-રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહવું પડે.આ બધા નસીબના ખેલ છે. ઘડીકમાં રાય તો ઘડીકમાં રંક.
રાજા-રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળું હતાં. આવી વિકટ પરિસ્થિતિમાં તેણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યાં નહોતાં. તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યાં.
એકવાર તેમના આંગણે માર્કન્ડ મુનિ પધાર્યા. રાજા-રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો. ત્યારપછી પોતાની ઓળખાણ આપી. પોતાના પર આવી પડેલા દુ:ખના નિવારણ વિશે તેમને પૂછ્યું.તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે રાજન, તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટ હર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે.
રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે મુનિરાજ ભક્તિભાવ પૂર્વક આ વ્રત કરીશું, અમને વ્રતની વિધિ જણાવો.
મુનિએ કહ્યું: શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથના દિવેસ આ વ્રત લેવું. સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી, લાલ કરેણનાં ફૂલો વડે પૂજા કરવી. ત્યાર બાદ ધૂપ-દીપ કરી નૈવેધમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો. રાત્રે ચંદ્રના દર્શન કરી, ગણપતિજીની સ્તુતિ-પ્રાર્થના કરી સૂઈ જવું. આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુ:ખ આવતું નથી. જો આવે તો કાયમ માટે દૂર થાય છે.
ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું.આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું. ત્યારબાદ રાજા-રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું. ઘણા વર્ષો શુધી સુખેથી રાજ કર્યું.
હે ગણપતિદાદા, જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યાં એવા આ વ્રત કરનારને ફળજો.