Friday, 20 September, 2024

સોળ સોમવા૨ની વાર્તા

154 Views
Share :
સોળ સોમવા૨ની વાર્તા

સોળ સોમવા૨ની વાર્તા

154 Views

સોમવારનું વ્રત શી રીતે થાય?(વ્રત વિધિ)

શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, દોરાની સેરે ચાર ગાંઠો વાળી, પીળા પસ્ટે દોરો બાંધવો. મહાદેવજીનું દર્શન કરવું.

સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે, ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો, સવાશેર ઘી લેવું, સવાશેર ગોળ લેવો.

તેનો ચોળીમોળી લાડુ કરવો. લાડુના ચાર ભાગ કરવા. એક ભાગ મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે.

એમ કરતાં વધે તો ભોંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહિં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. સોળ સોમવાર ખરા ભાવથી કરજે. તારું દુ:ખ મટી જશે. કંચન જેવી કાયા થશે.’

સોળ સોમવા૨ની વાર્તા

(સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું. શિવ-પાર્વતીની પૂજા કરવી. એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી ‘મહાદેવજી, મહાદેવજી !’ એમ બોલવું.)

ઈશ્વર-પારવતી ઘર-પારવતી બેઠાં હતાં. સોગઠાં-બાજીની રમત માંડી.

કોઈ હારે નહિ, કોઈ જીતે નહિ. હાર્યું-જીત્યું કોણ કહે ? એટલામાં એક તપોધન આવ્યો.

મહાદેવજી કહે : ‘ઊભો રહે ! હાર્યાં ને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે.’

પહેલા પસ્તે પાસા નાખ્યા. ‘કોણ હાર્યું ને કોણ જીત્યું ?’

તપોધન કહે : ‘ભગવાન જીત્યા ને માતાજી હાર્યાં.’

બીજે પર્સ્ટ પાસા નાખ્યા. ‘કોણ હાર્યું ને કોણ જીત્યું ?’

તપોધન કહે : ‘ભગવાન જીત્યા ને માતાજી હાર્યાં.’

ત્રીજા પસ્ટે પાસા નાખ્યા. ‘કોણ હાર્યું ને કોણ જીત્યું ?’

તપોધન કહે : ‘ભગવાન જીત્યા ને માતાજી હાર્યા.’

ત્રણ વાર તપોધન જૂઠું બોલ્યો. મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યો કહ્યા.

પાર્વતીને ક્રોધ ચઢ્યો અને તપોધનને શાપ આપ્યો કે, જા ! તને રક્તપિત્ત કોઢ થજો ! તપોધનને તો કોઢ નીકળ્યા ! તે બેબાકળો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો.

ચાલતાં ચાલતાં માર્ગમાં એક ગાય મળી. ગાય કહે : ‘ભાઈ, તું ક્યાં જાય છે ?’ કોઢિયો કહે : ‘મને માતા પારવતીએ શાપ આપ્યો છે. શાપનું નિવારણ કરવા જાઉં છું.’

ગાય બોલી : ‘ભાઈ ! મારું દુઃખ સાંભળતો જા. મારા ભર્યા આંચળ ફાટે છે. મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડાં ધાવતાં નથી !એવાં મેં શા પાપ કર્યાં હશે ? મારા પાપનું નિવારણ પૂછતો આવજે.’

આગળ જતાં એક ઘોડો મળ્યો. કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો : ‘મારા ઉપર મોતીજડ્યાં પલાણ છે, પણ કોઈ સવારી કરતું નથી. એવાં મેં શા પાપ કર્યાં હશે ? મારા પાપનું નિવારણ પૂછતો આવજે.’

આગળ જતાં એક આંબો આવ્યો. કોઢિયો વિસામો ખાવા બેઠો. ત્યાં આંબાને વાચા થઈ: ‘ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જા ! મારું સવાશેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય તે મરી જાય છે. એવાં મેં શાં પાપ કર્યાં હશે ? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે.’

આગળ જતાં એક તળાવ આવ્યું, કોઢિયો પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો : ‘ભાઈ ! હું દુઃખિયારો જીવ છું, મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે. પાણીમાં રહું કે બહાર રહું, ક્યાંય ટાઢક વળતી નથી. એવાં મેં શાં પાપ કર્યાં હશે ? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે.’

કોઢિયો ઘોર વનમાં ગયો. ત્યાં એક મહાદેવજીનું દહેરું દીઠું. દહેરામાં પેસી, મહાદેવજીની પ્રદક્ષિણા કરીને તે એક પગે ઊભો રહ્યો. આમ કેટલાય દહાડા વીતી ગયા.

કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા : ‘માગ માગ ! માગે તે આપું.’ કોઢિયો બોલ્યો : ‘માતાજીનો શાપ છે, શાપનું નિવારણ કરવા આવ્યો છું. આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે. દુઃખ સહન થતું નથી. ભગવાન ! મારું દુઃખ મટાડી દો !’

મહાદેવજી બોલ્યા : ‘જા ! એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે. તારું દુઃખ મટી જશે.’

‘સોમવારનું વ્રત શી રીતે થાય ?’ કોઢિયે પૂછ્યું.

મહાદેવજી બોલ્યા : શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, દોરાની સેરે ચાર ગાંઠો વાળી, પીળા પસ્ટે દોરો બાંધવો. મહાદેવજીનું દર્શન કરવું. સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે, ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો, સવાશેર ઘી લેવું, સવાશેર ગોળ લેવો. તેનો ચોળીમોળી લાડુ કરવો. લાડુના ચાર ભાગ કરવા. એક ભાગ મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે. એમ કરતાં વધે તો ભોંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહિં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. સોળ સોમવાર ખરા ભાવથી કરજે. તારું દુ:ખ મટી જશે. કંચન જેવી કાયા થશે.’

કોઢિયો બોલ્યો : ‘ભગવાન મને માર્ગમાં એક ગાય મળી, તે કહેવા લાગી : ‘મારા ભર્યાં આંચળ ફાટે છે, પણ દૂધ કોઈ પીતું નથી. વાછરડાં ધાવતાં નથી.’ એણે શાં પાપ કર્યો હશે ?’

મહાદેવજી બોલ્યા : પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતાં બાળક વછોડ્યાં હતા. એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાંવાનાં થશે.’

કોઢિયે ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું : ‘સાંભળ ! ગયે ભવ એ વાણિયો હતો. એણે જૂઠાં કાટલાથી, જૂઠાં બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા. એ પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે. એનું દુઃખ મટી જશે.’ કોઢિયે આંબાની વાત પૂછી.

મહાદેવજીએ કહ્યું : ‘પરભવમાં એ ઘણો કંજૂસ હતો. ધન ભેગું કરવામાં સમજ્યો અને પૂણ્યને નામે એક પૈસો પણ ના વાપર્યો. એ પાપે એ આંબો થયો. એના નીચે ધનના ચાર ચરુ છે, એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાંને ભોજન આપજે, તેથી એનું દુઃખ દૂર થશે.’

કોઢિયે મગરની વાત પૂછી. મહાદેવજી કહે : ‘પરભવમાં એ બ્રાહ્મણ હતો. વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કંઈ પાર નહીં, પણ કોઈને વિદ્યાદાન દીધું નહિ. એ એવા વિચારમાં બળતો કે, જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહિ પૂછે, મારી આવક જશે ! આવું સમજનારાઓની બીજી શી દશા થાય ? જા ! તું મારી પ્રસાદી બીલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે. એનું દુઃખ દૂર થશે.’

કોઢિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો.

આગળ જતાં તળાવ આવ્યું, ત્યાં મગરને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી તેની સદ્ગતિ થઈ.

આગળ જતાં આંબો આવ્યો. કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી. કોદાળી લઈ આવી ધનના ચરૂ ખોદી કાઢ્યા. ભૂખ્યાં-દુ:ખ્યાને ધન વહેંચી દીધું અને પરબો મંડાવી.

આંબાનાં ફળ અમૃત જેવા મીઠાં થઈ ગયાં ! આગળ જતાં ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો.

આગળ જતાં ગાય મળી. તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિ ભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી.

કોઢિયે વ્રત આદર્યું. દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા. કારતક મહિનો આવ્યો, મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પુરું કર્યું, મહાદેવજીની દયા થઈ. કંચનવરણી કાયા થઈ. રૂપરૂપનો અંબાર ને ગુણગુણનો ભંડાર ! ચાલતાં ચાલતાં તે પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના લોકો કહેવા લાગ્યા : ડોશી ડોશી ! તમારો દીકરો આવ્યો.’

ડોશી તો રાજી થઈ ગઈ, પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ? ડોશીએ તો જારના દાણે છોકરાને વધાવી લીધો. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરાએ ડોશીને પૂછ્યું : ‘મા, હું સ્વયંવર જોવા જાઉં ?’ ડોશી કહે : ‘ના બેટા આપણે નિર્ધન લોક, સ્વયંવર જોઈને શું કામ છે ?’

છોકરો કહે : ‘ના, હું તો જઈશ.’ છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી ! રાજા બોલી ઊઠ્યા : ‘હાથણી ભૂલે છે, ચૂકે છે.’ હાથણી કહે : ‘ભૂલતી નથી, ચૂકતી નથી.’

આખી રાજસભા બોલી: ‘ભગવાને ધાર્યું હોય તે ખરું.’ રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી.

પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામ ને ગરાસ આપ્યાં, મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો. રાજકુંવરીને પરણીને આવ્યો, રંકમાંથી રાજા થયો.

ડોશી તો વળી પાછા જારના દાણા લઈને વધાવવા ગયાં, ત્યાં તો દાણા મોતીના થઈ ગયા ! ઘણા દિવસ વીતી ગયા ! શ્રાવણ માસ આવ્યો.

રાજા રાણીને કહેવા લાગ્યા : ‘મારે મહાદેવજીનું વ્રત છે, માટે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી ને સવાશેર ગોળ લઈ લાડુ કરજે.

લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવના પૂજારીને, એક ભાગ રમતા બાળકને, એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે.’ રાણીએ વિચાર કર્યો કે, આવા સૂકાભઠ્ઠ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે ? એણે તો બત્રીસ શાક અને તેત્રીસ પકવાન કર્યા.

રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા.

રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા : ‘રાજા ! ઊંઘે છે, કે જાગે છે ?’ રાજા કહે : ‘જાગુ છું, ભગવાન !’ મહાદેવજી બોલ્યા : તારી રાણીને દેશવટો દે.’

રાજા કહે : ‘જેવી આજ્ઞા.’ સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું : ‘રાણીને દેશવટો આપો.’ પ્રધાન રાણીને કાળાં લુગડાં પહેરાવી, કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો.

રાણી તો રખડતાં રખડતાં એક ગામમાં આવી. તેણે ત્યાં એક ઘાંચણનું ઘર જોયું. રાણી ઘાંચણને કહેવા લાગી : ‘બહેન કોઈ પેટવરાણીએ માણસ રાખશો ?’

ઘાંચણને દયા આવી એટલે લાગી : ‘હા બહેન !આવી તો ભલે આવી. પેટવરાણીએ માણસ ક્યાંથી ?’ ઘાંચણના તો તેલના કુલ્લાં ઢળી ગયાં અને ઘાંચી માંદો પડ્યો.

ઘાંચણ રાણીને કહેવા લાગી : ‘બહેન ! તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા.’ રાણી ત્યાંથી ચાલી નીકળી.

જતાં જતાં એક ડોશી દીઠી. રાણી ડોશીને કહેવા લાગી : મા, મા ! કોઈ પેટવરાણીએ માણસ રાખશો ?’

ડોશી કહે : ‘હા બહેન ! આવી તો ભલે આવી. પેટવરાણીએ માણસ ક્યાંથી ?’ ડોશીમાની તો પૂણીઓ ઊડી ગઈ અને ડોશી માંદી પડી. ડોશી કહેવા લાગી : ‘બહેન ! તારે આવે મારું ખોટું થયું. માટે તું અહીં થી જા.’

વરાણી ત્યાંથી ચાલવા લાગી.

જતાં જતાં એક માળણના ઘર પાસે આવી. રાણી માળણને કહેવા લાગી: ‘બહેન! કોઈ પેટવરાણીએ માણસ રાખશો ?’

તો માળણ કહે : ‘હા બહેન! આવી તો ભલે આવી. પેટવરાણીએ માણસ ક્યાંથી ?’ માળણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતાં હતાં, તેનાં પાશેર ફૂલ ઉતરવા લાગ્યાં ! માળણે કહ્યું: ‘બહેન ! તારે આવે મારું ખોટું થયું, માટે અહીંથી જા.’

રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતાં જતાં તે એક સરોવરની પાળે ગઈ ને પાણીઆરીઓને કહેવા લાગીઃ ‘બહેનો! કોઈ પેટવરાણીએ માણસ રાખશો ?’

પાણીઆરીઓએ કહ્યું : ‘હા બહેન ! આવી તો ભલે આવી. પેટવરાણીએ માણસ ક્યાંથી ?’ ત્યાં તો સરોવર સૂકાઈ ગયું અને પાણીઆરીઓ માંદી પડી ! પાણીઆરીઓ કહે : બહેન ! તારે આવે અમારું ખોટું થયું, માટે તું અહીંથી જા.’

રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી. રાણી તો મઢીમાં રહી ગઈ. બાવો બાર ઘર ફરતો ને બારશેર આટો લાવતો.

આજે તે બાર ગામ ફર્યો તો ય પાશેર આટો ના મળ્યો ! બાવો મઢીમાં આવ્યો.

મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો : ‘મારી મઢીમાં કોણ છે ? મોટી હોઈશ તો મા કહીશ, નાની હોઈશ તો બહેન કહીશ, એથી ય નાની હોઈશ તો દીકરી કહીશ. બારણું ઉઘાડ !’

રાણીએ ધ્રૂજતાં ધ્રૂજતાં મઢીનું બારણું ઉઘાડ્યું. બાવો કહે : ‘તું બીશ નહિ, આપણે બાપ દીકરી થઈને રહીશું.’ બીજો દિવસ થયો, બાપ-દીકરી સાથે જમવા બેઠાં.

દીકરીના ભાણામાં તો ભોજનના જીવડાં થઈ ગયાં ! બાવો કહે : દીકરી ! પુસ્તક લાવો, પોથી લાવો, ખડિયો લાવો, કલમ લાવો. તમારા ભાગ્યની રેખાઓ જોઉં.’

દીકરી લેવા ગઈ પણ પુસ્તક-પોથી જડતાં નથી, ખડિયો-કલમ જડતાં નથી, લેવા જાય છે તો કાનખજૂરા અને વીંછી કરડવા આવે છે ! ત્યારે બાવો જાતે પુસ્તક-પોથી અને ખડિયો કલમ લઈ આવ્યો.

પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું. બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે : દીકરી, તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે. માટે મહાદેવજીનું વ્રત કરો.’

દીકરી કહે : ‘બાપુ એ વ્રત શી રીતે થાય ?’ બાવો કહે : ‘સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો ! દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી: ‘બહેન! તમે શાનાં વ્રત કરો છો ?’

છોકરીઓ કહે : ‘અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ.’ રાણી કહે : ‘એ વ્રત મને આપોને !’

બહેન ! તારાથી થશે નહિ, કરાશે નહિ.’ ‘

કરાશે તો યે કરીશ, નહી કરાય તો યે કરીશ.’

છોકરીઓ કહે : ‘દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠો વાળી પીળા પસ્ટે દોરો બાંધવો. મહાદેવજીની વાત સાંભળવી. મહાદેવજીનો દીવો કરવો. મહાદેવજીનાં દર્શન કરવાં. વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો. દીવો ન કર્યો હોય તો લૂખું ખાવું અને દર્શન ના કર્યાં હોય તો ભોંય પર સૂઈ રહેવું. કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી અને સવાશેર ગોળ લેજે, ચોળીમોળી લાડું કરજે, તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે, બીજો હસતાં રમતાં બાળકોને આપજે. ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે. ચોથા ભાગનો ભૂકો કરી કીડિઆરું પૂરજે. એથી વધે તો ભોંયમાં ભંડારજે. રાત દેખાડીશ નહીં. એ પ્રમાણે વ્રત કરજે.’

રાણી વ્રત લઈને ચાલી. એક વરસ કર્યાં. બે વરસ કર્યાં. ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્રમાં આવીને બોલ્યા : ‘રાજા ! જાગે છે કે ઊંઘે છે !’ રાજા કહે : ‘ના રે પ્રભુ જાગું છું.’ ‘રાણીને દેશવટો દીધો હતો, તેને પાછી લઈ આવ.’

રાજા કહે : ‘હવે ક્યાંથી લાવું ? કોયલ જેવું માણસ હતું. વાઘે માર્યું કે વરુએ માર્યું ! હવે ક્યાંથી હોય ?’

મહાદેવજી કહે : ‘વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે. તે વાટે જા.’ રાજા ત્યાંથી ચાલી નીકળ્યો.

વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે : ‘બહેન ! અહીંયાં કોઈ રાજાની રાણી આવી હતી ?’ ઘાંચણ કહે : ‘રાણી જેવા રૂપ હતાં પણ રાણી જેવાં લક્ષણ ન હતાં.’

રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. ડોશીને ઘરે ગયો અને પૂછ્યું: માં અહીંયાં કોઈ રાજાની રાણી આવી હતી ?’ ડોશી કહે : ‘રાણી જેવા રૂપ હતાં પણ રાણી જેવાં લક્ષણ ન હતાં.

રાજા આગળ ચાલ્યો. માળણને ઘરે ગયો. બહેન ! અહીંયાં કોઈ રાજાની રાણી આવી હતી ?’ માળણ કહે : ‘રાણી જેવા રૂપ પણ રાણી જેવાં લક્ષણ ન હતાં.’ રાજા ત્યાંથી ચાલ્યો જાય છે.

સરોવરની પાળે ગયો. રાજાએ પૂછ્યું : ‘અહીં કોઈ રાણી આવી હતી ?’ પાણીઆરીઓ કહે : ‘રાણી જેવા રૂપ હતાં પણ રાણી જેવાં લક્ષણ ન હતાં.’

રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો. રાજાને વિચાર થયો કે, કોઈ કકડો રોટલો આપે તો ખાઈપીને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું. તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો.

આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તો યે લાડવો એકનો એક ! પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું તો યે લોટો ભર્યો ને ભર્યો ! રાજાને નવાઈ લાગી. તેને મનમાં થયું કે, આ મઢીમાં કોઈ સતી હશે, ચાલો ! દર્શન કરીને જઈએ.

એમ વિચારી રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યાં. રાણી બાવાને કહેવા લાગી : બાપુ સાસરીઆનાં તેડાં આવ્યા.’

બાવો કહે : ‘દીકરી ! દીકરી સાસરીએ શોભ ને હાથી રજવાડે શોભે ! રાણી કહે : ‘બાપુ ! તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું ?’

બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો ને કહ્યું: ‘દીકરી જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યાં.’

રાજા અને રાણી અડધી વાટે ગયાં, ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો ! રાણી કહે: ‘રાજા ! રે રાજા ! વેલ પાછી વાળો. મારા પિતાને દુઃખ આવ્યાં.’

રાજાએ વેલને પાછી વાળી, મઢીમાં જઈને જુએ છે, તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો. રાણીએ કહ્યું : “બાપુ !તમને શું થયું ?’

‘બેટી ! મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું જોતો હતો.’ બાવાએ બીજીવાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનો કૂંપો આપીને કહ્યું : ‘દીકરી ! જ્યાં બાળતા આવ્યાં, ત્યાં ઠારતાં જજો.’

ત્યાંથી રાણી ચાલ્યાં જાય છે. સરોવરની પાળે આવ્યાં. સરોવર સૂકાઈ ગયું હતું, તે લહેરો લેવા માંડ્યું. પાણીઆરીઓ રાજી થઈ ગઈ. પાણીઆરીઓ કહે : બહેન ! એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ, તારે આવે અમારું સારું થયું.

એક રાંડ આવી હતી, તે બાળતી ગઈ, ઝાળતી ગઈ.’ રાંડ ન કહેશો, ભાંડ ના કહેશો. પહેલાં હું જ હતી. પહેલાં મહાદેવજી રુઠ્યા હતા અને હવે રીઝ્યા છે.’ ત્યાંથી ચાલ્યા જાય છે.

ઘાંચણને ઘેર આવ્યા. ઘાંચણના તેલનાં કુલ્લાં ભરાઈ ગયાં, ઘાંચી સાજો થયો. ત્યારે ઘાંચણ કહે : ‘બહેન ! એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ. તારે આવે મારું સારું થયું.’

ત્યાંથી ચાલ્યાં જાય છે, ગામને ગોંદરે આવ્યાં, રાણીએ કહ્યું : ‘આખું ગામ જમાડો.’ રાજાએ આખું ગામ જમાડ્યું, પછી રાણીને એકાટ કરવા બોલાવ્યાં.

રાણી કહે : ‘મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે.’ બધાં જમીને ઊઠ્યા. વાત કોને કહેવી ? વાત ભૂખ્યાં માણસને જ કહેવાય ! રાજા કહે : ‘આખું ગામ જમાડ્યું. હવે કોણ ભૂખ્યું હશે ?’ રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો.

એક કુંભારના ઘરમાં સાસુવહુને લડાઈ થઈ હતી. ડોશી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો. ડોશી કહે : ‘બાપ ! જમનાં તેડાં આવજો, રાજાનાં તેડાં ના આવજો.’

પ્રધાન કહે : ‘ડોશી ! તમને મારવાં નથી, ઝૂડવાં નથી, વાત સંભળાવવી છે.’ ડોશી કહે : ‘કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું, શી રીતે આવું?’ પ્રધાને આવીને રાજાને કહ્યું.

રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો. પ્રધાન ડોશીને વેલમાં બેસાડીને લાવ્યા. ડોશી બેઠાં પાટલે, રાણી બેઠાં ખાટલે.

રાજા કહે : ‘ડોશીમા ! સાંભળો તો યે મહાદેવજી’ કહેજો, ના સાંભળો તો યે ‘મહાદેવજી’ કહેજો.

રાણીએ વાત કહેવા માંડી, પહેલા હુંકારે ડોશીને કાન આવ્યા, બીજા હુંકારે આંખો આવી, ત્રીજા હુંકારે પગ આવ્યા, ચોથા હુંકારે કમ્મર આવી અને પાંચમે હુંકારે ડોશી ટગુમગુ થઈ!

ડોશીને દીકરો કહેવા લાગ્યો : ‘મા મા, આવું રૂડું કોણે કર્યું?’ મા કહે : ‘મને મહાદેવજીની વાત સાંભળે આવાં ફળ મળ્યાં, તો આ વ્રત કરે કેવાં ફળ મળતાં હશે?’

એક વેળા રાણી એકાટ કરવા બેઠી, ત્યારે પડોશણ દેવતા લેવા આવી. રાણી કહે : ‘હું એકાટ કરવા બેઠી છું. દેવતા શી રીતે આપું ?’ પડોશણે મેણું માર્યું : મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાનાં સાંકળા છે ને !’

રાણી કહે : “બહેન, તું એમાં મહેણાં શાની મારે છે. દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે !’

રાણી એકાટ કરીની જુએ છે, તો દીકરો સૂતાં સૂતાં પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાનાં સાંકળાં છે. દીકરો કહેવા લાગ્યો : ‘મા, મારે મહાદેવજીનું વ્રત છે.’

‘ના, બેટા ! આપણાથી વ્રત થાય નહિ.’ ‘થાય તો યે કરીશ, નહિ થાય તો યે કરીશ.’ સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને રહે છે.

એક ગામમાં રાજા મરી ગયેલો હતો. એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો. છોકરો કહે : ‘મા, હું જોવા જાઉં ?’

‘ના, બેટા આપણે શું જોવું છે ?’ તો યે છોકરો ભાડિયે ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકોએ હાથણી શણગારી, હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી.

ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી.

ગામના લોકો કહેવા લાગ્યા : ‘હાથણી ભૂલે છે, ચૂકે છે. એ ગંદુ-ગોબરું છોકરૂં રાજ્ય શું કરશે ?’

હાથણી કહે : ‘એ છોકરું કરશે એવું કોઈ નહિ કરે.’ છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો.

ચકલાને ચણ, કીડીને કણ, હાથીને મણ ! જય ભોળાનાથ ઝાલો હાથ, રાજારાણીને જેવાં વ્રત ફળ્યાં એવાં અમને ફળજો ! જય મહાદેવજી !

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *