સરવર કાંઠે શબરી બેઠી
By-Gujju20-05-2023
301 Views
સરવર કાંઠે શબરી બેઠી
By Gujju20-05-2023
301 Views
સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
વડલા નીચે ઝૂંપડી એની, નહીં માત નહીં બંધુ-બેની,
એકલડી એક ધ્યાને બેઠી, ગાંડી કહે છે ગામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી,
ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
માસ દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા,
એક ઝગમગે આશા જોતી, સૂક્યા હાડ ને ચામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે,
શીતળ મંદ સુગંધી વાયુ વાતો ઠામો ઠામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.
આજ પધાર્યાં શબરીનાં સ્વામી, ધન્યતા આજે ભીલડી પામી,
આશાવેલી પાંગરી એની, મનડું થયું વિરામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ.