Friday, 26 July, 2024

સતાધાર નો ઈતિહાસ

204 Views
Share :
sat no aadhar satadhar

સતાધાર નો ઈતિહાસ

204 Views

ગીરમાં અંબાઝર નદીને કાંઠે વસેલાં સતાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓનાં નામ અચૂક આવે છે : એક આપા ગીગા અને બીજા શામજી બાપુ .

૧૮૦૯ માં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સતાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા, મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અંખડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે . સતાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી.

દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં સેવાનુ કામ કરતા લાખુનાં પુત્રને જોઇ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું, ,”લાખુ તારો પુત્ર ગેબની હારે વાતુ કરશે અને પ્રગટ પીર થઇને પુજાશે”.

બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમા પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એક્માત્ર બંધન પણ ગીગાથી છુટી ગયું. હવેતો ભલી જગ્યા,ભલી ગાવતરી અને ભલા આપ દાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઇ વાતની તમા નથી.

ચલાળા માં મઢી ની સ્થાપના

વરસાદના દિવસો હતા. ગીગાનું આખુ શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી “ભણે ગીગા ઓરો આવ્ય.” સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવયો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢ્ળ્યુ અને માથે ગુરૂનો પંજો પડ્યો.

થોડા દિવસો વિત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો.”ભણે ગીગા, હવે તું નોખું કરી લે.”ગીગાની આંખમાંથી આસુની ધારા મંડાણી. “આપા, કાંણા સારું મુને રજા દયો છો? હું અને મારું કામ તમને નથી ગમતું?”

આપા દાના ખડ ખડ હસવા લાગ્યા. કહે ” બેટા ગીગા, તું મારાથી સવાયો થાઇશ બા.પછમનો પીર ભણાઇશ.તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઇને જગતમાં ઓળખાઇશ.” ગીગાભગતની આખુંમાથી ગુરૂ વિજોગે ચોધારા આસુંની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હરદય સરખો ચાંપીને માથે હાથ મુકે છે.આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી?

દાન મહારાજ ને દંડવટ પ્રણામ કરી, રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી. એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળા માં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી.

દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ-રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ. ફુલવાડી માં આસોપાલવ, જાંબુ,સીતાફ્ળી, ચિકું-જામફ્ળ જેવા વૃક્ષો અને જુઇ,ચમેલી,ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે.

આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપાદાનાનાં મુખ્ય બે શિષ્યો થયા, એક ચલાળાનાં મૂળીઆઈ અને બીજા આપા ગીગા.બેયને સગા ભાઇ બહેન કરતા પણ વધારે હેત.

આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદીએ આવ્યા.જેને આપાગીગાએ સ્વહસ્તે તીલક કર્યુ. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધી થશે અને ચાંદો સુરજ રેહશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમા દર ત્રીજી પેઢીએ હું પોતેજ હઇશ.

તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષ્મણબાપુ અને શામજીબાપુએ સતાધારની ગાદી સંભાળી. લક્ષ્મણબાપુ ૩૨ વર્ષ અને શામજીબાપુ ૩૧ વર્ષ સુધી સતાધારની ગાદીએ રહ્યા. શામજીબાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યુ હતું, હાલ માં વીજયબાપુ આપા ગીગાની સેવા કરે છે.મહંત જગદિશબાપુ દેહવિલય પામ્યા છે.

સતાધારના પાડાપીરનો ઈતિહાસ

stadhar padapir

આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સતાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક – એક નાગરિકને યાદ છે. પ્રસંગ ખરેખર અનન્ચ જેવો બન્યો હતો. એથી લોકોની સતાધારની જગ્યા પરત્વેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયેલો. અહીં જાણો શું હતી વાત :

સતાધારની જગ્યાને આપા રામ કરીને એક આહીર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહિ અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા, મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહિ.

એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ.શામજીબાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે, જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાયને તો અમને આ પાડો આપો.

પૂ.શામજીબાપુ કહે, ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ. પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉત્તર આપો છો, બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી, જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે.

પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામ સામા સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના પૂ.શામજીબાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો. પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહિ પણ આમ બહાના ન બતાવો.

આખરે પૂ.શામજીબાપુ કહે લ્યો તો પાડો આપું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહિ પાળો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે. નેસડીના આગેવાનો તો સહમત થઇ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે.

પૂ.શામજીબાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા,આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતા તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો, પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહિ.

આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાંક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઇ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા ૧૫૦૦ માં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહિ અને હમીરની યાદ પણ ન આવે ?

પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા ૫૦૦૦ માં એક કસાઈને વેચી દીધો. થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઇ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યુંને એ તો બિચારા અબોલ જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે.

આખું કતલખાનું સ્વયંમ સંચાલિત હતું, કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડી ને પાડાની આંખો લાલચોળ થઇ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઇ ગયા.

કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બંને જ નહિ મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે,પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઇ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય ?

તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઊતરે ને પાછી વળે છે કે નહિ? તો કરવત તો બરાબર નીચે ઊતરી ને પાછી ઉપર ચડી, કસાઈને થયું હંહં હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાગ દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાય ગયા, થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહિ.

કસાઈ તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતાં છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્નું આવ્યું ને એને કોઈ દેવાતાઈ પુરુષના દર્શન થયાં અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે હો, તો સમજી જાજે બાકી જડમૂળમાંથી ઉખેડી નાખીશને જલદી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આવ.

કસાઈનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કૈંક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહિ. આ બધું સાંભળતા ને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કૈંક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો.

પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા, ધારી અને વિસાવદર થઈને સતાધાર મોકલ્યો, પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામેગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યા ને પાડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને એ સતાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો

તે દિવસ પછી આ ચમત્કારીક પાડો , પાડાપીર તરીકે સતાધાર ના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર, તારીખ 21/7/93 ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જયારે કોઈ પશુ ના શોકમાં આજુબાજુ નો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય.

અને જયારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સતાધારમાં જ સમાધિ આપવામાં આવી.

જય આપા ગીગા | સત નો આધાર- સતાધાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *