Tuesday, 10 September, 2024

શ્રી બુટભવાની માતાજી મંદિર – અરણેજ

2882 Views
Share :
shree but bhavani ma

શ્રી બુટભવાની માતાજી મંદિર – અરણેજ

2882 Views

હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્ત્વ છે હળવદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બૂટભવાની માતાજીનાં જન્મસ્થાન તરીકે જાણીતું છે.આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર- કરછ સુધી આવતા હતા. તેના પત્ની મીનલદેવી પણ કયારેક-કયારેક તેમની સાથે આવતા હતા.

વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુડ નામના તિર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો.આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ભારે શ્રધ્ધા હતી. બન્ને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

સમય થતા હિંગળાજ માતાજી એ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું.

ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલીદાન આપવા વરચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલ દેથાના ધેર જગદંબા અવતાર બૂટભવાનીએ જન્મ લીધો હતો. બૂટભવાની માતાજીનો જન્મ અંદાજીત વિક્રમ સવંત ૧૪૫૧ની અષાઢ સુદી બીજના રોજ થયો હતો.

વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે, આજથી નવમાસ બાદ તારા ધેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું-. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યોતેથી જગંદબા બુટભવાની ના નામે પ્રસિદ્ધ થયા હતા.

શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે.

માતાજીનો ઇતિહાસ જોઇએ તો બુટભવાની માતાજી ચારણકુળમાં સૌરાષ્ટ્રના ગીરપંચકના નેસડા બાયલ દેઠા ચારણ કુટુંબનાં હતાં અને હિંગળાજ માતાના પરમભક્ત હતા. દેવલબા બુટભવાની માતાનાં માતૃશ્રી હતાં. બુટભવાની માતાને બલાડ માતાજી, બહુચર માતાજી એમ બે બહેનો હતાં.

મેરિયો ભૂવો

ધંધૂકા તાલુકાના રોજકા ગામે આશરે ૨૫૦ વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયેલાં, તે સમયે મા બુટભવાનીનો ઉપાસક મેરિયો ભૂવો થઇ ગયો. માતાજી તેના આ પરમભક્ત મેરિયા ભૂવા સાથે પડદે વાતો કરતાં હતાં, ત્યારે મેરિયો ભૂવો કહેતો હતો કે માતાજી મને સાક્ષાત્ દર્શન આપો. માતાજીએ કહેલ કે હું તને સાક્ષાત્ દર્શન આપું તો તું મને નહીં ઓળખી શકે.

અમે ચારણની દીકરી છીએ ત્યારે ભૂવો કહે છે કે, મા મને દર્શન આપો હું તમને ઓળખી જઇશ. માતાજી ભૂવાને વચન આપે છે કે, હું તને સમય આવ્યે દર્શન આપીશ. લાંબા સમય બાદ નવરાત્રિ પ્રારંભ પહેલાં મેરિયો ભૂવો માતાજીની પૂજાનો સામાન લેવા રોજકાથી ધંધૂકા પોતાનું બળદગાડું લઇને જતો હતો તે સમયે ગાડાની સામે માતાજી ડોશીના સ્વરૂપે કંગાળ હાલતમાં આવીને કહેવા લાગ્યાં, મને ધંધૂકા લઇ જાવ, ત્યારે ભૂવાએ ના પાડી કે મારું ગાડું અભડાઇ જશે.

તે જ દિવસે સૂર્ય આથમતા ભૂવો રોજકા પરત આવી રહ્યો હતો, ત્યારે માતાજી ૧૬ વર્ષની સુંદરી રૂપે આવ્યાં અને કહ્યું કે, મને રોજકા સુધી લઇ જાવ, ત્યારે મેરિયાએ માતાજી પર કુદ્રષ્ટિ કરતાં માતાજીએ તેનો વધ કર્યો અને ત્યાંથી માતાજી અરણેજ ગામે આવ્યાં.

બુટભવાની માતાજી અરણેજ ગામે આવ્યાં

તે સમયે અરણેજ ગાઢ જંગલોથી ધેરાયેલું હતું. તે સમયે બ્રિટિશ ગવર્ન્મેન્ટનો પડાવ હતો. અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થયેલ કાળાભાઇ તથા ધોળાભાઇ માતાજીના ઉપાસક હતા. માતાજીએ તેમને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તમારા ગામના વડની નીચે છું.

મને બહાર કાઢી મારું સ્થાપન કરો. હું બુટભવાની માતાજી છું ત્યારે કાળાભાઇ તથા ધોળાભાઇએ માતાજીને કહ્યું કે ત્યાં તો બ્રિટિશ ગવન્ર્મેન્ટની છાવણી છે. અમે વડને કાપી નાખીએ તો અમારા રાઇ રાઇ જેવડા ટુકડા કરી નાખે.

તે સમયે માતાજીએ રાજાને સ્વપ્નમાં કહ્યું, તારા ત્યાં દીકરો જન્મશે તેને જમણા પગે લાખાનું નિશાન હશે. ઘોડીને વછેરો આવશે અને તારા ભાલા ઉપર ચકલી ફરકતી હશે અને તારો ફતેહ થશે, તો માનજે હું માતાજી છું. આમ સ્વપ્ન સાચું થતાં રાજાએ માતાજીના કહ્યા મુજબ વડલા નીચેથી મૂર્તિ, ચોખા અને ચૂંદડી મળી આવ્યાં અને ત્યાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું.

ભારત સરકાર તરફથી માતાજીને વર્ષાસન

રાજાએ ગાયકવાડ સરકાર પાસેથી અરણેજ ગામ વેચાતું લઇ લીધું અને માતાજીને અર્પણ કર્યું. ત્યારથી અરણેજ ગામ ઇનામી ગામ તરીકે પણ ઓળખાય છે. અરણેજ ગામની ૨૪૦૦ એકર જમીન આજે પણ માતાજીના ચોપડે બોલે છે. ૧૯૫૪માં પંચાયત ધારો આવતા ગણોતપ્રથા તરીકે આ જમીન ગણોતિયાઓને મળેલ છે.

તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઈજનેરોએ રેલવે લાઈન નાખી દીધી ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા.

એવું બે-ત્રણ વાર બનતા બ્રિટિશ સરકારના ઈજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુટભવાની માતાજીને સવારુપિયો, નાળિયેર અને ચુંદડી- દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે.

હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે. તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ , સુથાર અને વાળંદ વગેરે ૬૪ જ્ઞાતિના મા જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.

માતાજીને રવિવારથી શનિવાર સુધી જુદી જુદી સવારી ઉપર બિરાજમાન કરવામાં આવે છે. અરણેજ બુટભવાની શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે.

કોઈ પણ સમય હોય, જાણે અજાણ્યે ચમત્કારો બનતા હોય છે અને જ્યારે દૈવીશક્તિની ભક્તિ આચરવામાં પામર માનવીની ચૂક થઈ જાય છે ત્યારે કોઈ મીઠો પરચો માતાજી કરાવતા હોય છે અને તેના કારણે જ ઈશ્વર અને માતાજી પ્રત્યેની આસ્થા સદીઓથી ટકી રહી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *