Friday, 20 September, 2024

સિધ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુરત

122 Views
Share :
સિધ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુરત

સિધ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુરત

122 Views

સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું છે. સુરતના આસપાસ ના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આ મંદિર પ્રસિદ્ધ છે. સિદ્ધનાથ મહાદેવ પર લોકોને ખૂબ જ શ્રદ્ધા છે. ગુજરાત બહારથી પણ ઘણા લોકો આ મંદિરની મુલાકાતે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે. સુરતના આસપાસના વિસ્તારમાંથી ઘણા લોકો પગપાળા આ મંદિરે આવે છે. અહીં મેળો પણ ભરાય છે જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો ચાલો જાણીએ વિગતવાર સિધ્ધનાથ મહાદેવ મંદિર વિશે અને તેના ઇતિહાસ વિશે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ

પ્રાચીન સમયમાં એક વખત સિધ્ધનાથ મહાદેવ મંદિર જોઈને લૂંટારાઓ આવ્યા. લૂંટારાઓને એમ થયું કે રાજાએ બંધાવેલ મંદિરના શિવલીંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લૂંટારાઓએ ગડોશણું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને અનેક ઘા કર્યા. જેથી ભગવાન ક્રોધિત થયા અને શિવલિંગના ઘાના છિદ્રોમાંચી અસંખ્ય ભીંગારા, ભમરાઓ રૂપે પ્રગટ થઈ તે લૂંટારાઓને રીસ કરી કરડયા. લૂંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં કરડવાથી તેઓ આંધળા થઈ ગયા. ત્યારે તેમણે માફી માંગી વિનંતી કરી જેથી ભમરા સમી ગયા. આમ શિવલિંગ ખંડિત થઈ ગયું. શિવજીએ આ લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ શિવલિંગ માંથી ગુપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે. ચારેબાજુ ખારી જમીન છે. પણ શિવલિંગ માનું ગંગાજળ નારિયેળના પાણી જેવું મીઠું લાગે છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર મેળો

શિવલિંગ પરના ઘાના નિશાન અને પગનો પંજો આજે પણ નજરે જોવા મળે છે. વિક્રમ સંવત ૧૯૧૩ માં જેઠ વદ ત્રીજ ને શુક્રવારના દિવસે પદ્મકુંડની સ્થાપના ઓલપાડ માં કરવામાં આવી. વર્ષો પૂર્વે શ્રી અવધૂત મહારાજ પણ અહીં લાંબા સમય સુધી રોકાયા હતા અને સિધ્ધનાથ સ્ત્રોતની રચના કરી હતી. માગશર સુદ અગિયારસના દિવસે અહીં બે દિવસનો મોટો મેળો ભરાય છે. સવારે શિવલિંગના દર્શન થાય છે.

રાત્રે મહાપૂજા કરી પાઘડીના દર્શન થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન થાય છે. હજારો લોકો દર્શન કરવા આવે છે. આ દિવસે આખો દિવસ ભજન-કિર્તન થાય છે.આ દિવસે શ્રી રૌલ પર્વત ઉપર સો વર્ષ તપ કરવાથી જે પૂણ્ય મળે છે, તેટલું જ પૂઢ માગશર સુદ અગિયારસને દિવસે શ્રી સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવાથી મળે છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર મા મહાશિવરાત્રિ

મહાવદી તેરસના મહાશિવરાત્રિ ના દિવસે ભાવિક ભક્તો ફૂલ, બિલ્લીપત્ર, જપ વગેરે ચઢાવે છે. રાત્રિના સમયે આરતી, મંત્ર, પુષ્પાંજલિ અને મહાપૂજા થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન શિવભક્તો બીજા દિવસે કરી શકે છે. શ્રાવણ માસ માં હજારો ભક્તો સોમવારે ચાલતાં દર્શન કરવા આવે અને કાવડિયાઓ તાપી નદીમાં જળ ભરી કેટલા માઈલો સુધી ચાલી જળ અભિષેક કરે છે. શ્રી સિધ્ધનાથ મહાદેવના લિંગ અંગે આજ પુરાણના ૦૧ માં અધ્યાયનાં બ્લોક ૧૪ માં એવો ઉલ્લેખ છે કે, સિધ્ધનાથ મહાદેવના લિંગથી ઉત્તમ કોઈ લિંગ નથી અને મકરના સૂર્યમાં દર્શન કરવાથી મનુષ્યોનો પુનઃ જન્મ થતો નથી.

સિધ્ધનાથ મહાદેવ નું પૌરાણિક મહાત્મ્ય

પૂર્વેના વડવાઓ પાસેથી જાણવા મળે છે. મહાદેવભાઈ જીવણજી દેસાઈના બાપુજી દિહેણ ગામના વતની હતા. તેઓ સરસ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેઓ પણ પહેલા નિઃસંતાન હોવાથી સિધ્ધનાથદાદા થકી પુત્ર પ્રાપ્ત થવાથી મહાદેવ રાખેલ હતું. જેઓ આગળ જતાં ગાંધીજી પણ મહાદેવભાઈ ની સલાહ લેતા. કંઈપણ કામ હોય તો ગાંધીજી મહાદેવજી તરફ આંગળી કરીને કહેતા, “મહાદેવભાઈની સલાહ લેવી”. ગયાજીમાં હજારો વાર પિંડ દાન કરવાથી પિતૃઓની જે ગતિ થાય છે એ ફળ અહીં માર્ગશીર્ષ સુદી એકાદશીના દિવસે એક પિંડદાન કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે. દક્ષિણ ગુજરાતનું અતિ પ્રાચીન શિવ મંદિર જે સોમનાથ મંદિર ની તુલના સમાન છે.

જેનો જીર્ણોદ્ધાર તારીખ ૦૧/૦૮/૧૯૯૮ થી શરૂ થઈ ર૦ મહિનામાં પૂર્ણ થયું હતું. એક સમયે મંદિર પર જોરદાર વીજળી પડી જેનો ઘા મંદિરની શિખર ઝીલી લે છે.જે પડેલી તિરાડ આજે પણ મંદિરના અંદરના ભાગે દેખાય છે.

સિધ્ધનાથ મહાદેવ ની કથા

ઉરપતનની (ઓલપાડ તાલુકાની) પાસે એક સરસ નામે સોહામણું ગામ સેના નદીના કિનારે આવેલ છે. સરસનો અર્થ સરોવર થાય છે. સરસ ગામની નજીક જ શ્રી સિધ્ધનાથ મહાદેવનું એક ચમત્કારીક અદભૂત ઐતિહાસિક મંદિર છે. જેને સંભાળતા મનને સુખ, શાંતિ અને આનંદ થાય છે.આ સ્કંદ પુરાણમાં તાપીમહાત્મચે” સિદ્ધેશ્વર, પ્રભાવ નામનું એકોતેરમો અધ્યાય છે તેમાં આધ્ય દેવશ્રી સિધ્ધનાથ ભગવાનનું મહાત્મ વર્ણવેલું છે.આ સિધ્ધનાથ મહાદેવના સ્વયંભુ લિંગના બાબતે આ ૪૧ માં અધ્યાયનો શ્લોક ૧૮ માં એવો ઉલ્લેખ છે કે, શ્રી ગોકર્ણ ઋષિના તપોબળથી તેમજ ધ્યાનથી મનુષ્યને સંસારમાંથી મુક્તિ અપાવનાર સિદ્ધેશ્વર મહાદેવ પ્રગટ થાય છે.

સિધ્ધનાથ મહાદેવજીના ભક્ત શ્રી ગોકર્ણ મહારાજ

હવે આપણે સિધ્ધનાથ મહાદેવજીના ભક્ત શ્રી ગોકર્ણ મહારાજના જન્મ વિશેની કથા જણીએ. પૂર્વે તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર નગર હતું તે નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધુન્ધલી હતું. તે બ્રાહ્મણ સર્વગુણ સંપન અને વિનય કર્મકાંડોનો જાણકાર અને ધનવાન હતો. પરંતુ તેને ત્યાં કોઈ સંતાન ન હતું. તેની પત્ની ધુંધુલી પણ ખૂબ કજીયાખોર અને પૈસાને દાંતોમાં દબાવી રાખવાવાળી હતી. આત્મદેવ બ્રાહ્મણ ઘણી ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમને સંતાન ન થતા દુઃખી હતા [ આત્મહત્યા કરવાનો નિશ્ચય કરી જંગલમાં ગયો.

ત્યારે બ્રાહ્મણને એક તપસ્વી જ્ઞાની એવા એક સંન્યાસી મહાત્મા મળ્યા. તેમણે એ આત્મદેવ બ્રાહમણને આત્મહત્યા કરતા રોક્યો અને મરવાનું કારણ જાણી તેને કહ્યું, “હે ભુદેવ ! તમને આગલા સાત જન્મ સુધી સંતાનનો યોગ નથી છતાં તમારી જીદ છે એટલે તમને હું આ એક ફળ આપું છું. તે તમારી પત્નીને ખવડાવી દેજો. તેનાથી તમારી પત્નીને એક સુંદર ચારિત્ર્યવાન ગુણિયલ અને જ્ઞાની પુત્ર અવતરશે. આત્મદેવ બ્રાહ્મણ એ ફળ લઈ હરખાતો ઘરે આવ્યો અને તે ફળ ખાવા માટે આપ્યું.

તે ફળ તેણીએ ખાધું નહી અને ગાયના કોઢાળમાં ગાયને ખવડાવી દીધું અને પોતાના પતિને જુઠું બોલી કે – “હું એ ફળ ખાઈ ગઈ છું.” અને તેણે પછી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો.

તેણીએ પોતાની બહેનનો પુત્ર અવતર્યો તે લઈ લીધો અને તેને પાળવા માટે પોતાની બહેનને ત્યાં જ રાખી. ધુન્ધલી એ ગાયને ફળ આપ્યું તે ફળ ગાય ખાઈ ગઈ અને ગાયને પુરા ત્રણ માસે મનુષ્યના આકારમાં સુંદર બાળકને જન્મ આપ્યો. આત્મદેવે બાળકના ગાયના જેવા કાન જોઈને તેનું નામ “ગોકર્ણ” રાખ્યું અને એના જાતકર્મ સંસ્કાર જાતે કર્યા. ધુંધુલી જે પોતાની બહેનનું બાળક લાવી હતી તેનું નામ તેણીએ ધુંધુકારી રાખ્યું. આગળ જતા ધુંધુકારી દુષ્કર્મને લીધે પ્રેત યોનિને પામ્યો. તેનો પણ “શ્રી ગોકર્ણ” મહારાજે શ્રીમદ્ ભાગવત સપ્તાહના પારાયણ – શ્રવણ દ્વારા ઉધ્ધાર કર્યો ત્યારબાદ શ્રી ગોકર્ણ મહારાજ હેદમ્બા વનના જંગલમાં ઝુંપડી બાંધી રહેવા લાગ્યા.

આ વનમાં ટેકરી ઉપર ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. ગોવાળિયાઓ અહીં ગાયોને લઈને ચરાવવા આવતા. ગાયોના ધણમાંથી એક ગાય ટેકરી પર જઈ એક જગ્યાએ ઊભી રહેતી. ગાયના આંચળમાંથી ડોહવા વગરનું કુદરતી રીતે દૂધની ધારા વહેવા માંડી. આ દ્રશ્ય જોઈ ગોવાળિયાઓએ આજુબાજુના ગામના લોકોને વાત કરી. આજુબાજુના ગામલોકોએ આ હકીકતની તપાસ કરી જે સત્ય માલુમ પડયું. આ સમય દરમ્યાન ટેકરી ઉપર રહેતા ગોકર્ણ ઋષિ ને શિવર્લંગના દર્શન કરાવે છે. ભગવાનના આદેશથી ગોકર્ણ ઋષિ એ ત્યાં તપ આદર્યું.

તેમના તપોબળથી શિવલિંગ ધરતીમાંથી સ્વયંભુ ઉત્પન્ન થયું. ગોકર્ણ ઋષિ ની સર્વ મનોકામના પૂર્ણ થઈ, તેમની તપસ્યાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયું તે દિવસે ગોકર્ણ ઋષિએ પ્રતિષ્ઠા કરી. આ માગશર સુદ એકાદશીનો દિવસ હતો. ત્યારથી પૂજા અર્ચના શરૂ થાય છે. આ માગશર સુદ એકાદશી પ્રતિષ્ઠાનો દિવસ છે. સિધ્ધનાથ મહાદેવ મંદિરના નામથી આ લિંગ દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત બન્યું છે. દ્વાદશ જયોર્તિલીંગમાંથી ત્રંબકેશ્વરના સ્વર ઉપલિંગ તરીકે સિધ્ધનાથ સ્થાપિત થયું છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર નો પ્રાચીન ઇતિહાસ

પ્રાચીનકાળમાં જયારે રાવણના વધ પછી બ્રહા હત્યાના પાપથી દુઃખી થયેલા શ્રી રામચંદ્રજી ભગવાન આ સ્થળે આવે છે. મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજી ભગવાને પૂજેલા સિધ્ધનાથ મહાદેવ તથા તેનેશ્વર મહાદેવના દર્શન કરે તથા રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્ય ફરી ગર્ભમાં પ્રવેશતો નથી.ઉપરોક્ત પુરાણના શ્લોક ૪૦ થી ૫૦ વંચાણે તેમા જણાવ્યું છે કે શ્રી રામચંદ્રજી જાતે આ સિધ | મહાદેવનું પૂજન કરેલ છે. આ પૂજન બાદ શ્રી રામચંદ્રજીએ યજ્ઞ કરીને બ્રાહ્મણોને દાન આપવાનું મન થયું ત્યારે ગોકર્ણ ઋષિ એ સૂચવેલ ઉત્તર પ્રદેશના ગંગાજીના કિનારેથી બ્રાહ્મણો લાવવા માટે શ્રી રામચંદ્રજીને કહ્યું.

રામચંદ્રજીએ હનુમાનજીને મોકલ્યા. હનુમાનજીએ બ્રાહ્મણ પાસે જઈ પ્રાર્થના કરી કે, હે ઉત્તમ બ્રાહ્મણો તમને તાપી નદીના કિનારે નજીક સિદ્ધેશ્વર મહાદેવદાદા પાસે પધારવા વિનંતી કરું છું. બ્રાહ્મણોએ ગંગાજીને છોડી ત્યાં પઘારવાની ના પાડી. હનુમાનજીએ કહ્યું, ‘આખી જિંદગી સુધી ગંગાજીનું સેવન કરવાથી જે ફળ મળે છે તેનાથી આઠ ગણું ફળ તાપીના સ્મરણચી જરૂર મળે છે.’ ત્યારે હનુમાનજી બોલ્યા, “હે ઉત્તમ બ્રાહ્મણ પોતાની ફરજ અદા ન કરી શકે તે દૂત પોતાના સ્વામીને મુખ દેખાડે છે તે દૂતને પાપી સમજવું, તેને ધિકકાર છે.”

ત્યાર પછી હનુમાનજીએ મરવાનો નિશ્ચય કર્યો. ત્યારે તે સઘળા દયાળુ બ્રાહણો મરવા તૈયાર થયેલા હનુમાનજીને તુરંત અટકાવ્યા અને સાથે પધારવા તૈયાર થયા. હનુમાનજી ક્ષણવારમાં બ્રાહ્મણોને લઈ સિદ્ધેશ્વર આવી ગયા. આ બ્રાહ્મણને પવિત્ર થઈ ગંગા પૂજન કરવા માટે શ્રી રામચંદ્રજીએ પ્રથમ બાણે ગંગાજળ પ્રગટ કર્યું. તે આજે બાણગંગા કુવો નજરે જોવા મળે છે. બીજુ બાણ રામકુંડમાં જેમાં યજ્ઞ કર્યો હતો. અને ત્રીજું બાણ મોતા ગામમાં પડયું ત્યાં પણ ગંગાજળ પ્રગટ થયું.

સિધ્ધનાથ મહાદેવ મંદિર બાંધકામ

દામાજીરાવ પિલાજીરાવ ગાયકવાડે મરાઠા પેશવા સરકારે દક્ષિણનું રાજ સર કર્યું. પરંતુ તેને પુનાના સરસુબાનો ભય હોવાથી તેને આ જગ્યાએ નથુરામ મહેતાને આ જગ્યા બનાવી અને મંદિર બંધાવવા માટે બાધા લેવડાવીને નદી કિનારે મુકામ કર્યો. પૂના ગામે હિસાબ આપવાનો હતો. ત્યાં રસ્તે જ નથુ મહેતાને પંદર હજારની થેલી મળી ગઈ. આ પંદર હજાર રૂપિયા ખુશ થઈને આપે છે. જે મંદિર બાંધવામાં અર્પણ કર્યા. આ સમયે એક મોટી રેલમાં એક સોહામણું શહેર તુટીને દરિયામાં તણાઈ આવ્યું તેની પેશવા સરકારને જાણ કરી તેના લાકડા વગેરેમાંથી મહારાજને ધર્મશાળા બાંધવાનો હુકમ કરે છે. જે ઘર્મશાળા મંદિરની ચારેબાજુ નજરે જોવા મળે છે.

મંદિરના બાંધકામ માટે પ્રથમ ફૂવો બંધાવ્યો. જેમાંથી મીઠું પાણી નીકળ્યું. કૂવાની પાછળનો વિસ્તાર “ગગલી વહાણ” તરીકે આજે પણ ઓળખાય છે. જયાં તે સમયે વેપાર અર્થે સમુદ્રમાંથી વહાણો આવી અહીં લાંગરતા હતા. દામાજીરાવ ગાયકવાડ અને નયુ મહેતાએ સાથે રહી વિક્રમ સંવત ૧૪૯૫ થી નવ ગજ ઊડું અને બાવન (પર) ગજની શિખરવાળું મંદિરનું બાંધકામ શરૂ કરવવામાં આવ્યું. જયપુર અને મારવાડથી શિલ્પીઓ દ્વારા આઠ વર્ષ સુધી મંદિરનું બાંધકામ ચાલુ રહ્યું હતું. વિક્રમ સંવત ૧૮૦૩ માં બાંધકામ પૂર્ણ થયું હતું.

દક્ષિણ ગુજરાત ખાતે આવુ મંદિર કે જેના ઘુમ્મટની ઉપર ઘુમ્મટ છે. જે ડબલ ઘુમ્મટવાળું મંદિર અહીં જ છે. જેના ઉપર સિધ્ધનાથ મહાદેવના મુંગટના દર્શન થાય છે. મંદિરના મધ્યભાગે ગણેશજી બિરાજમાન છે હાથીની પ્રતિકૃતિ છે. એની પાછળના ભાગે મુસ્લિમ ધર્મના પ્રતિક સ્વરૂપ મિનારાની પ્રતિકૃતિ દ્રશ્યમાન થાય છે. મંદિરની સામે દિપમાળા પણ . જેમાં ભક્તો પોતાની માનતા અનુસાર દિપ પ્રગટાવે છે. સિધ્ધનાથ મહાદેવના ઉત્તર અને દક્ષિણે હનુમાન અને કેદારેશ્વરના દેરા સ્થાપિત છે.

મંદિરની ચારે તરફ ઘર્મશાળા અને કોટ છે. બીજા બાણેથી પ્રગટ થયેલો રામકુંડ પણ આજે મંદિરની સામે દ્રશ્યમાન છે. તેમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને દેહની શુદ્ધિ થાય છે. રામકુંડની ઉત્તરે બાણગંગાનો કુવો છે. તેમાં સ્નાન કરવાથી અને પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાય જાય છે. રામકુંડની પાસે તપનાથ મહાદેવનું મંદિર છે. જેના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. આ તપનાથ મહાદેવના દર્શન વગર સિધ્ધનાથ મહાદેવના દર્શન અધૂરા ગણાય છે.

સિધ્ધનાથ મહાદેવ ના પ્રિય ભક્ત રતનદાસ બાવા

જયાં પૂજય ગોકર્ણ ઋષિ એ સમાધિ લીધી હતી. સિધ્ધનાથદાદા ના પ્રિય ભક્ત રતનદાસ બાવા જેમની સમાધિ ઓલપાડના બાવા ફળિયામાં આવેલ છે. જેના અનેક ચમત્કારો આજે પણ જાણીતા છે. ઈ.સ. ૧૯૦૦માં અંકલેશ્વર તાલુકાના સુની મંદ્રોઈ ગામેથી આવીને રતનદાસે ઓલપાડ ગામથી દુર એકાન્ત સ્થળે આશ્રમ નાંખીને રહેવા માંડયા હતા. એમનો જન્મ ચંદ્રવંશી માધવકુળમાં થયો હતો. ૧૬ વર્ષની વયમાં ભક્તને પૂર્વના સંસ્કારથી પ્રેમલક્ષણા પ્રભુભક્તિ ઉત્પન્ન થઈ. સીમાડાવાળા ગુરુ માધવદાસજીને શરણે જઈ ગુરુદક્ષિણા લીધી.

તેમણે શિવ ભગવાનની ભક્તિ કરવાની સલાહ આપી. ત્યારથી જ રોજ મધરાતે તાપી નજીક કુરુક્ષેત્ર પાસેથી જળ કાવડમાં ભરીને માઈલો સુધી ચાલીને પણ સિધ્ધનાથ મહાદેવને અભિષેક કરતા. એમનો એ નિયમ અચળ હતો. કોઈપણ વિપરીત પરિસ્થિતિ પેદા થાય તો અભિષેક કર્યા વગર ન રહે પછી સખ્ત ટાઢ હોય, તડકો હોય કે ભારે મેઘ તૂટી પડયા હોય અચળ એમનો નિયમ એવી અચળ એમની શ્રદ્ધા હતી. સાપ, અજગરો મોકલતા પણ રતનદાસ બાબાને ભય લાગતો ન હતો. બધી જ કસોટીમાંથી રતનદાસ પસાર થઈ ગયા હતા.

એક દિવસ નિત્ય નિયમ પ્રમાણે તે મધરાતે વહેલા કાવડ લઈ સિધ્ધનાથ મહાદેવના મંદિરે આવી પહોંચ્યા પરંતુ ત્યાં મંદિરના દ્વાર બંધ હતા. તેમણે બહાર ઊભા ઊભા સિધ્ધનાથ મહાદેવ સમુખ “હર હર શંભુ ભોળાનાથ, હું દાસ તું મારો નાથ’ ની ધૂન ચાલુ કરી થોડીક ક્ષણોમાં જ ધડાકાબંધ દ્વારનું તાળું તૂટી ગયું. સિધ્ધનાથદાદાએ રતનદાસબાબાને સાક્ષાત દર્શન આપ્યા. ભગવાન પાસેથી તેમના માટે એમણે કંઈ પણ ન માગ્યું. પરંતુ એટલું જ માગ્યું કે, “લોકોના ભલા માટે હું જે કઈ બોલું એ સાચું જ પડે.” એક વખત રતનદાસ ભક્તની ગાયો ચરતાં – ચરતાં જંગલમાંથી બીજના ખેતરમાં ચરવાં ચાલી ગઈ.

તે ખેતરના માલિકે પેશવા સરકારને ફરિયાદ કરી. સરકારે ભક્તને કહ્યું, તમારી ગાયોને છુટી કેમ ફરવા દો છો ? બીજાના ખેતરને નુકશાન કરે છે.આથી ગાયોને જોઈને ભક્ત બોલ્યા હે ગાયો ! તમારે બીજાનું નુકશાન ન કરવું જોઈતું હતું. ભૂખ લાગી હોય તો ધૂળ ખાવી જોઈતી હતી ને? એક ભક્તનું વચન સાંભળી ગાયો ધૂળ ચાટવા લાગી. પેશવા સરકાર આ જોઈને ચકિત થઈ ગયા. હાથ જોડીને ભક્તને કહ્યું તમે ગાયોને ધૂળ ખાતી બંધ કરી દો. ભક્ત ગાયોને વિનંતી કરતા ગાયોએ ધૂળ ખાવાની બંધ કરી. જેથી પેશવા સરકાર જોઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. પેશવા સરકારે ભક્તની ભક્તિની કસોટી કરવા માટે બે માટલી મંગાવી.

એક માટલીમાં મરડીયા ભરી અને બીજી માટલીમાં ધૂળ ભરી તેના મોઢા બંધ કર્યા. ભક્તને પછી પૂછયું કે આમા શું ભર્યું છે? ત્યારે ભક્તએ સિધ્ધનાથદાદાનું સ્મરણ કરી એક માટલીમાં મરડીચું છે અને બીજી માટલીમાં ધૂળ છે. ફરી ભક્તએ બે માટલીના મોટા બંધ કરાવી દીધા અને સિધ્ધનાથદાદાનું નામ સ્મરણ કરી માટલી સાકરથી ભરી દીધી. આ સાકરનો પ્રસાદ ગામે ગામ વહેંચાયો છતાં એ માટલીમાંથી સાકર ખૂટી જ નહીં. સિધ્ધનાથદાદાને ભક્તની ફરી પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન સાધુના વેશમાં ભક્તને ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા.

સાધુએ કહ્યું જે માંગો તે આપશો ? ભક્તએ કહ્યું જે માંગે તે આપીશું. જરા પણ વાર ન લાગે. સાધુ બોલ્યા મને તમારી ધર્મપત્ની ભિક્ષામાં જોઈએ છે. ભક્તએ ઘરમાં જઈ પોતાની પત્નીને કહ્યું સાધુજીએ ભિક્ષામાં તમને માંગી છે. તેમની પત્ની પતિવ્રતા હતી. પતિના વચન પ્રમાણે સાધુને સંગાથે ગયા. ભક્ત હાથ જોડીને પોતાની પત્ની સોંપી વિદાય આપી. સાધુ અને બાબાની પત્ની ચાલતા – ચાલતા વૃંદાવનની વાડી સુધી પહોંચી ગયા. ત્યાં સાધુ મહારાજ અંતરધ્યાન થઈ ગયા, બાબાની પત્ની ચારે બાજુ સાધુજીને શોધવા લાગ્યા પરંતુ સાધુ મહારાજ કયાંય પણ નજર ન પડયા.

ભક્તની પત્ની વનમાં રાહ જોઈ એકલા બેસી રહ્યાં. ત્યાં સાંજ પડી ને લોકો આવ્યા. ત્યાં ભક્તની પત્નીને જોઈને કહેવા લાગ્યા – ચાલો અમારી સાથે ઘરે ચાલો. પત્ની બોલ્યા મારા પતિનું વચનભંગ પડે એટલા માટે નથી આવવું. લોકોએ ખબર આપી. પછી ભક્ત પોતે આવ્યા અને પત્નીને સમજાવીને કહ્યું કે મારું વચન પૂર્ણ થયું છે. હવે તમે મારી સાથે ઘરે ચાલો. ભગવાને પ્રસન્ન થઈ ભક્તને માથે હાથ મૂકી તારું નામ સિધ્ધ થશે એવું વચન આપ્યું અને અંતરધ્યાન થઈ ગયા.

સિધ્ધનાથ મહાદેવ ના પ્રિય ભક્ત રતનદાસ બાવાના પરચા

એક વખત રતનદાસ બાબા સાહેબ ફરતાં – ફરતાં કરમલા ગામે પહોંચી ગયા.ભક્તને જોઈને લોકો દોડયા અને તેમાં એક ગરીબ માં-બાપની કુંવારી દિકરી કુશળબા ભક્ત માટે પાણી લઈને દોડયા. ભક્ત તરસ્યા તો હતાં જ, ભક્તએ પ્રેમથી પાણી પીધું. “બેટા તું રાજાની રાણી થશે” એવા આશિર્વાદ આપ્યા. કુંવારી દિકરી બોલી મને ગરીબ માં-બાપની દિકરીને રાજ કેમ પરણશે? કુશળબા હાથ જોડી તમારી દાસી બની ભક્તિ કરીશ એમ બોલ્યા. ભક્ત બોલ્યા પરાયા પછી મારે દરબારે આવજે. આમ માંડવીના રાજ એક વખત સિધ્ધનાથના દર્શને આવ્યા. તેમણે ઘણાં દિવસ રોકાયા અને સિધ્ધનાથદાદાનું ધ્યાન ધર્યું.

સિધ્ધનાથદાદા પ્રસન્ન થઈ માંડવીરાજાને કહ્યું તમારી પત્નીને સંતાન થશે નહીં. જેથી કરમલા (કારમેરા) ગામની કુશળબા સાથે બીજા લગ્ન કરશે તો સંતાનપ્રાપ્તિ થશે. સિધ્ધનાથદાદાની આજ્ઞા પ્રમાણે માંડવીરાજાએ કુશળબા સાથે લગ્ન કરી ઓલપાડમાં રતનદાસ બાવાના કહેવાથી સિધ્ધનાથદાદાના ધામે જઈ ધ્યાન ધરવાથી સંતાનપ્રાપ્તિ થશે એવા આશિર્વાદ આપ્યા. માંડવીરાજ મંદિરમાં જ પોતાના બંગલામાં રહેવા લાગ્યા. અને સિધ્ધનાથદાદાનું ધ્યાન ધરવા લાગ્યા. કુશળબા નામ પ્રમાણે તેમનામાં ગુણ હતા.કુશળબા સુંદર અને પતિવ્રતા હતા. અમુક સમય પછી કુશળબાને પુત્ર થયો. ચારેબાજુ આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. કુશળબાએ ગામમાં ભાત અને ચણા વહેંચ્યા.

આજે સુરત જિલ્લામાં રતનદાસ ભગત ના અનેક દેવી ચમત્કારોની વાતો પ્રચલિત છે. ઓલપાડ ગામે બાવા ફળિયામાં પૂજય રતનદાસ બાપાનું મંદિર છે. તેમના વંશજો પૂજારી તરીકે કાર્ય કરે છે. દર ગુરુવારે ભક્તો તેમના દ્વારે આવે છે. ભક્તિ કરે છે. એમના પરચા અપરંપાર છે. વાંજીયાના ઘરે પારણું બંઘાવે છે. ભક્તજનોની ઈચછા પરિપૂર્ણ કરે છે. ખેડૂતો પણ વાવણી વખતે શ્રી રતનદાસનું નામ યાદ કરીને ખેતરમાં વાવણી કરે છે. તેથી તેમની ખેતીનો પાક નિષ્ફળ જતો નથી. કેટલાંક દીનદુઃખીયાના દુઃખો દુર થાય છે. દર વર્ષે ફાગણ વદ અગિયારસના દિવસે ઓલપાડમાં શ્રી રતનદાસ ઉર્ફે બાવા સાહેબના મંદિરે મેળો ભરાય છે. અને રાત્રે લોકડાયરાનું આયોજન કરી ભજન-કિર્તન કરવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *