સોમનાથ મંદિર નો ઇતિહાસ
By-Gujju31-10-2023
સોમનાથ મંદિર નો ઇતિહાસ
By Gujju31-10-2023
ગુજરાતી ઘરા એ રમણીય ૫ર્વતો, નદીઓ અને મંદીરોની ભુમિ ગણાય છે. એમાંય સોમનાથ મંદિર (Somnath Mandir)નો સમાવેશ તો ભારતના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં થાય છે. ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનં મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે.
ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલા આ ભવ્ય મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું. હાલ જે મંદિર છે તેનું પુનર્નિર્માણ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1951 માં કરાવવામાં આવ્યુ હતું.
સોમનાથ વિશે માહિતી
પ્રાચીન ઉત્પત્તિ: સોમનાથનો ઇતિહાસ પ્રાચીન કાળનો છે, જેનો ઉલ્લેખ પુરાણો સહિત વિવિધ હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, મંદિરની ઉત્પત્તિ ચંદ્ર દેવ સોમાને આભારી છે, જેમણે ભગવાન શિવના માનમાં સોનામાંથી મૂળ મંદિર બનાવ્યું હતું.
વિનાશ અને પુનઃનિર્માણ: સમગ્ર ઇતિહાસમાં મંદિરે શ્રેણીબદ્ધ વિનાશ અને પુનઃનિર્માણનો સામનો કર્યો છે. એવું માનવામાં આવે છે કે તે વિદેશી આક્રમણ અને દરોડા દ્વારા નાશ પામ્યા પછી ઘણી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સૌથી કુખ્યાત દાખલો 1026 સીઇમાં ગઝનીના તુર્કી આક્રમણકારી મહેમુદ દ્વારા મંદિરનો વિનાશ હતો. એવું કહેવાય છે કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના કિંમતી ખજાનાની લૂંટ કરવામાં આવી હતી.
ચાલુક્ય રાજવંશ: કલા અને સ્થાપત્યને આશ્રય આપવા માટે જાણીતા, ચાલુક્ય રાજવંશે સોમનાથ મંદિરને ગઝનીના મહેમુદ દ્વારા નષ્ટ કર્યા પછી તેનું પુનઃનિર્માણ કર્યું. ચાલુક્ય વંશના રાજા ભીમ પ્રથમના શાસન હેઠળ 11મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન મંદિરનું સ્થાપત્ય ચાલુક્ય શૈલીને પ્રતિબિંબિત કરે છે.
મુઘલ શાસન: 17મી સદીમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન, સોમનાથ મંદિર પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો અને તેને નુકસાન થયું. ઔરંગઝેબના શાસન પછી મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.
જીર્ણોદ્ધાર: સોમનાથ મંદિરનું હાલનું માળખું સાતમું પુનર્નિર્માણ છે અને તે 1951માં ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આશ્રય હેઠળ પૂર્ણ થયું હતું. પટેલે ભારતને આઝાદી મળ્યા પછી મંદિરના પુનઃનિર્માણ માટે ભંડોળ પૂરું પાડવામાં અને તેની દેખરેખમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય ઈતિહાસમાં મહત્વ: સોમનાથ મંદિર સમગ્ર ભારતમાં હિન્દુઓ માટે અત્યંત સાંસ્કૃતિક અને સાંકેતિક મહત્વ ધરાવે છે. તેના વિનાશ અને પુનઃનિર્માણના ઇતિહાસને હિન્દુ ધર્મની સ્થિતિસ્થાપકતા અને ભારતીય લોકોની અદમ્ય ભાવનાના પુરાવા તરીકે જોવામાં આવે છે.
યાત્રાધામ: આજે, સોમનાથ એ ભારતના સૌથી આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે અને દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. મંદિર એ માત્ર ધાર્મિક ઉપાસનાનું સ્થળ નથી પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતિક પણ છે.
સોમનાથનો ઈતિહાસ ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પનો છે. તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે ઊભું છે અને આધ્યાત્મિક સાધકો અને ઇતિહાસ ઉત્સાહીઓ બંને માટે એક પ્રિય સ્થળ છે. મંદિરનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહે છે, જે તેને વિશ્વના ખૂણેખૂણેથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ બનાવે છે.
સૌપ્રથમ સોમનાથ મંદિર ની સ્થાપના કોણે કરી?
સોમનાથ મંદિર ની સ્થાપના રાજા ચંદ્ર એ કરી હતી.પુરાણો અનુસાર જોઈએ તો દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે ચંદ્ર એ લગ્ન કર્યા હતા. 27 નક્ષત્ર પરથી 27 રાણીના નામ પડ્યા હતા. જેમાં રોહિણી ચંદ્ર રાજા ની માનીતી રાણી હતી, એટલે કે રોહિણીને રાજા અન્ય કરતા ખુબ જ પ્રેમ કરતા હતા.
રોહિણી અને અન્ય રાણી પ્રત્યેનો રાજાના પક્ષપાત થી દક્ષ રાજાને તેની પુત્રીઓએ ફરિયાદ કરી.આથી ક્રોધિત થઈને રાજા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.આ શ્રાપ માંથી મુક્ત થવા માટે ચંદ્ર એ ભગવાન સોમેશ્વર મહાદેવની આરાધના કરી,અને મંદિરની સ્થાપના કરી.જે આજે સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિરે તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપ માંથી આંશિક એવો છુટકારો મળ્યો.
સોમનાથ મંદિરની ભવ્યતા
પ્રાચીન માન્યતા અનુસાર સતયુગમાં સોમ રાજા એ સુવર્ણ મંદિર બંધાવ્યું હતું.ત્રેતાયુગમાં દશ સન રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું.અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડામાંથી મંદિર બંધાવ્યું. આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શિવનું અતિભવ્ય અને દિવ્ય મંદિર હતું.આ મંદિરના 56 સ્તંભ પર સોનું-ચાંદી,હીરા અને રત્ન જડેલા હતા.મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા,ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી લગભગ 1000 જેટલા પુજારીઓ ભગવાનની પૂજા-આરતી કરતા.
અહીં આ મંદિરમાં ગંગા નદીનું પવિત્ર જળ કાવડ દ્વારા લઈ ને અને કમળનું ફૂલ કાશ્મીર માંથી લઈ આવીને ભગવાન મહાદેવને દરરોજ અભિષેક કરવામાં આવતો હતો. પ્રાચીન કાળ દરમિયાન આ મંદિર ખુબ જ વૈભવશાળી હતું અને તેનું કારણ એ છે કે તે સમયે ભારતનું એક વિશ્વ વ્યાપારિક બંદર હતું.તેથી આ જૂનું મંદિર ખુબ જ સમૃદ્ધ હતું.
સોમનાથ મહાદેવ ઉત્પત્તિની દંતકથા.
સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી.
આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને “ચંદ્ર તારો ક્ષય થાવ” એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન-પ્રતિદિન ચંદ્રની પ્રભા (તેજ- પ્રભાવ) ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઇ ગયા.
આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે ‘પ્રભા’ પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે
સોમનાથ મંદિર નો ઇતિહાસ
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે ઇ.સ. ૬૪૯માં પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. તો પરમારોના એક શિલાલેખ અનુસાર માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથ મંદિરનું ૫ણ પતન કર્યું. ઇ.સ. ૮૧૫માં પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર)થી મંદિરનું નિર્માણ કરાવ્યુ.
ઇ.સ. ૧૦૨૫માં મહમૂદ ગઝનવીએ પ્રભાસપાટણનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલાાા હાર થઇ. એમ કહેવાય છે કે આ જંગમાં ૫૦,૦૦૦ જેટલા હિન્દુઓની કતલ થઇ હતી. મહમૂદ ગઝનવીએ જયારે મહાદેવજીની મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ મહમૂદ ગઝનવીએ કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે તે ના માન્યો અને સોમનાથ મંદિર લૂંટાયું. મંદિરને સળગાવી વિનાશ કર્યો, શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. મહમૂદ ગઝનીને એક જ મહિનામાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.
ઇ.સ. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં અણહિલવાડ પાટણ ના સોલંકી રાજા ભીમદેવે ચોથા તથા માળવાના પરમાર રાજા ભોજ દ્વારા મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યુ. તે જીર્ણ થતાં સને ૧૧૬૯માં સમ્રાટ કુમારપાળે મંદિરની પુન: રચના કરાવી. આમ ફરીથી સોમનાથ મંદિરનો જાહોજલાલી યુગ શરૂ થયો. ૫ણ એ લાંબા સમયસુઘી ટકયો નહીં. ઇ.સ. ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો.
જયારે અગિયારમી સદીમાં વિનાશ થયો તે પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે. જેમાં કહેવાય છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાંઓ અર્પણ કર્યા હતા. આ મંદિરના પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના રણકાર દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી હતી. ૫૬ જેટલા સાગ(કાષ્ઠ)ના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા હતા. મંદિરના થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસની ઝાંખી પ્રતિત થતી. દરરોજ માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું હતુ. મંદિરના ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો ભરેલા હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. અને ૫ળભરમાં પછી ફરી આખુય મંદિર વેરાન બની ગયું.
ત્યારબાદ ઇ.સ. ૧૩૦૮ અને ૧૩૨૫ના સમયગાળામાં રા’નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઇ.સ. ૧૩૪૮ માં રાજા રા’ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને તગેડી કાઢ્યો. પરંતુ એ સમય ૫ણ ઝાઝો ના ટકયો, માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ ફરીથી મૂર્તિ સહિત સોમનાથ મિંદરનો વિનાશ કર્યો. અને મંદિરમાં મસ્જિદ બનાવી દીઘી. સ્થાનિક લોકોએ થોડા જ વર્ષોમાં ફરીથી નવી મૂર્તિ પધરાવી.
૫રંતુ ઇ.સ. ૧૪૧૪ માં અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ મંદિરને ફરી પાયમાલ કરી નાખ્યુ. ઇ.સ. ૧૪૫૧માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી મંદિરની પુન:પ્રતિષ્ઠા કરાવી. પરંતુ, ૧૫મી સદીમાં ફરીથી મહમદ બેગડાએ ચઢાઇ કરી મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. તો વળી ઈ.સ. ૧૫૬૦માં મુઘલ રાજા અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર કરવામાં આવ્યો. આ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. ત્યારપછી ઇ.સ. ૧૭૦૬માં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલા ઇ.સ. ૧૭૮૭ માં મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો.