શ્રી રામકૃષ્ણ પરમહંસ
By-Gujju08-11-2023
શ્રી રામકૃષ્ણ પરમહંસ
By Gujju08-11-2023
જન્મ : ૧૮/૦૨/૧૮૩૬
જન્મસ્થળ : કામારપુકુર
મૂળનામ : ગદાધર
રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર
પત્નિનું નામ : શારદામણિ
માતાનું નામ : ચંદ્રમણિ
પિતાનું નામ : ખુદીરામ
પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ
દાદાનું નામ : માણિકરામ
ભાઈઓના નામ : રામકુમાર, રામેશ્વર
બહેનોના નામ : કાત્યાયની, સર્વમંગલા
સ્વભાવ : ચંચળ, હસમુખા, સ્ત્રી સહજ કોમળતા, માધુર્યના ગુણો સ્વભાવમાં હતા.
અન્નપ્રાશન સંસ્કાર : ગદાધર છ માસનો થયો ત્યારે આ પ્રસંગ આવ્યો. મોટો સમારોહ કરી બ્રાહ્મણોને જમાડવાનું ગરીબ ખુદીરામનું ગજું ન હતું પરંતુ ભગવાનની કૃપાથી આ પ્રસંગ ધામધુમપૂર્વક પાર પડયો.
વિદ્યારંભવિધિ : ગદાધર ચાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ કર્યો. અને તેને નિશાળે મૂકયો.
શોખ : ગીત, સંગીત, પાત્રોના અભિનય, કથા સાંભળવી, રામલીલા જોવી.
પિતાજીનું મૃત્યુ : ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું અવસાન થયું.
જનોઈ સંસ્કાર : ગદાધર દસ વર્ષનો થયો એટલે તેનો જનોઈ સંસ્કાર કરવામાં આવ્યો. સને ૧૮૪૫માં આ સમારંભ થયો અને તેને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવી.
નોકરી : દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં દેવીને અલંકાર પહેરાવવા.
શકિતમંત્રની દીક્ષા : પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે રામકુમારે ગદાધરને શકિતમંત્રની દીક્ષા લેવડાવી.
સાધનાનું સ્થળ : દક્ષિણેશ્વરમાં મંદિરની ઉત્તરે આવેલો ભાગ પંચવટીના નામે ઓળખાતો. એ પંચવટીની ચારેબાજુ જંગલ હતું ગીચ ઝાડી હોવાથી દિવસે પણ ત્યાં અંધારું રહેતું. ભૂતપ્રેતનો ત્યાં વાસ છે એવી લોકવાયકાને કારણે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. ગદાધરે આ પંચવટીને પોતાની સાધના માટે પસંદ કરી. આંબલીના વિશાળ વૃક્ષ નીચે તે બપોરે તથા રાતે ધ્યાન કરતા.
લગ્ન : ૧૮૫૯માં ગદાધર ત્રેવીસ વર્ષના થઈ ચૂકયા હતા. એમને સાંસારિક બાબતોમાં રસ લેતા કરવા માટે ચંદ્રમણિએ ગદાધરને પરણાવી દેવાનું નક્કી કર્યું. પોતાનાથી અઢાર વર્ષ નાની પાંચ વર્ષની શારદા સાથે ગદાધરનાં લગ્ન થયાં.
સાધનાનો નવો તબક્કો
સને ૧૮૬૧માં દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે ભૈરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી) ના આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો શરૂ થયો. ગદાધરની તાંત્રિક સાધનાઓની વિશેષતા એ હતી કે તેઓ લગભગ બધી તાંત્રિક ક્રિયાઓ ત્રણ ત્રણ દિવસમાંજ પૂર્ણ કરી દેતા હતા.
તેમનો જન્મ હાલના પશ્ચિમ બંગાળ ના કમાંરપુરક ગામમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કહેવાય છે કે તેઓ દિવ્ય આત્મા હતા અને તેમનો જન્મ જ હિન્દુ ધર્મ ના ઉત્થાન તથા ફેલાવા માટે થયો હતો. નાનપણથી તેઓ આધ્યાત્મિક ને ગૃહવાદના ચાલક રહ્યા હતા. તેમના સર્વે પુરાણો, ભાગવત, રામાયણ, મહાભારત પર અભ્યાસ હતો તેમનો રહસ્યવાદ ને ભક્તિવાદ ફેલાવામાં બહુ મોટો ફાળો હતો. તેમના જીવન માં ચમત્કારો ની ભરમાળ હતી અને દેવી નો સાક્ષાત્કાર જીવતેજીવ થયો હતો. જેને તેઓ વૈશ્વિક માતા તરીકે વર્ણવતા તેઓએ ભારતને સ્વામી વિવેકાનંદ ને રામકૃષ્ણ મિશન ની ભેટ આપી તેઓ સાચા અર્થ માં પરમહંસ હતા.
સંન્યસ્ત દીક્ષા
સને ૧૮૬૪ના અંતભાગમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગમ્બર સંન્યાસી આવી પહોંચ્યા. એમનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી. તોતાપુરીએ ગદાધરને કહ્યું હું તને વેદાંતનું જ્ઞાન આપીશ અને સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશ. ગદાધરે જવાબ આપ્યો “મારે માને પૂછવું પડે.” તેમણે માને પૂછયું. માએ રજા આપી. આ જાણી તોતાપુરી પ્રસન્ન થયા.
તોતાપુરીએ કહ્યું ”અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતાં પૂર્વે વિધિવત સંન્યસ્ત દીક્ષા લેવી પડે.” પોતાની વૃદ્ધમાતાને દુ:ખ ન થાય તે માટે ગદાધરે ગુપ્તપણે દીક્ષા લેવાની તૈયારી બતાવી. રાત્રિના અંતિમ પ્રહરે ગુરુ-શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં પ્રવેશ્યા. શિખા અને યજ્ઞોપવીતનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનનાં પ્રતીક સમાં કૌપીન અને ભગવુંવસ્ત્ર ગદાધરે આનંદપૂર્વક અંગીકાર કર્યા. ત્યારબાદ તોતાપુરીએ ગદાધરને નવું નામ આપ્યું. તારું નામ શ્રીરામકૃષ્ણ અને પદવી પરમહંસ.
વિવિધ ધર્મની સાધના
સને ૧૮૬૬ના અંતભાગમાં ગોવિંદરામ નામક એક અરબી ફારસીના પંડિતની મદદથી રામકૃષ્ણે ઈસ્લામ ધર્મની સાધના કરી. પયગંબરના દર્શન કર્યાં. નવેમ્બર ૧૮૭૪માં શંભુચરણ રામકૃષ્ણને બાઈબલ વાંચી સંભળાવતા. ધીમે ધીમે તેમને ઈસુ ખ્રિસ્તના ચરિત્રનો તથા ખ્રિસ્તી ધર્મનો પરિચય થવા લાગ્યો. થોડા દિવસ પછી રામકૃષ્ણને ઈસુએ દર્શન આપ્યાં, આલિંગન આપ્યું અને એમનામાં સમાઈ ગયા.
સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ
સને ૧૮૭૪ના અંત સુધીમાં રામકૃષ્ણએ પોતાના સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ કરુણા, ભકિત અને ત્યાગ પ્રાપ્ત થયાં.
નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ને સોમવાર વહેલી પરોઢ
ગાંધીજીના મતે રામકૃષ્ણ રામકૃષ્ણના જીવનની કથા એ આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરવાને શકિતમાન બનાવે છે.
એક પ્રસંગ
એક દિવસ ગદાધર પોતાના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુ એ વખતે પોતાના ઓરડામાં બેસી કંઈ કામ કરતા હતા. એટલામાં અચાનક મથુરબાબુ પાગલની જેમ દોટ મૂકીને આવ્યા અને ગદાધરના ચરણોમાં પડી બાળકની જેમ રડવા લાગ્યા. થોડીવાર પછી પોતાના વર્તનનો ખુલાસો કરતાં તેમણે કહ્યું. ” તમે વરંડામાં આંટા મારતા હતા એ હું જોતો હતો.
આજે તમારામાં મને અદ્ભુત દર્શન થયાં. તમે જયારે એકબાજુ જતા હતા ત્યારે મને જગદંબા સ્વરૂપે દેખાતા હતા અને બીજી બાજુ જતા હતા ત્યારે શિવ સ્વરૂપે દેખાતા હતા. ઘડીભર તો મને લાગ્યું કે મારો દ્રષ્ટિભ્રમ હશે. પરંતુ મેં આંખો ચોળીને ફરી જોયું તો પ્રત્યેક વખતે મને એવું જ જોવા મળ્યું.”
સ્વામી વિવીવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ પર પણ આંધળો વિશ્વાસ મૂક્યો નહોતો. રામકૃષ્ણ પરમહંસ પહેલી જ નજરમાં નરેન્દ્રમાં રહેલું હીર પારખી જાય છે અને તેને પોતાને ત્યાં મળવા આવવાનું નિમંંત્રણ આપે છે. નરેન્દ્ર તેને મળવા જાય છે, પણ ત્યારે તેના પર બ્રહ્મોસમાજની વિચારધારા હાવી હતી, અજ્ઞોયવાદ તરફ તેને ખેંચાણ હતું. પૂજા-ભક્તિ વગેરે પરંપરાગત વાતોમાં તેને બહુ રસ નહોતો. રામકૃષ્ણના વિચારો અને વાત્સલ્ય તેને આકર્ષતા છતાં તેમના અમુક પ્રકારના વર્તનમાં વિશ્વાસ બેસતો નહોતો. તીવ્ર તર્કશક્તિ ધરાવતો નરેન્દ્ર એમ કોઈની વાતમાં આવી જાય એવો નહોતો. નરેન્દ્રે રામકૃષ્ણ વિશે સાંભળ્યું હતું કે તેઓ પૈસાને સ્પર્શ સુધ્ધાં કરતા નથી, તેમને મન પૈસાનું કોઈ મૂલ્ય નથી. પૈસો તો ભલભલાને ચલિત કરી નાખે છે ત્યારે નરેન્દ્રે તેમની કસોટી લેવાનું વિચાર્યું.
એક વાર અન્ય શિષ્યો સાથે નરેન્દ્ર પણ ગુરુ રામકૃષ્ણના ઓરડામાં બેઠા હતા. કોઈ કામસર ગુરુ જ્યારે ઓરડાની બહાર ગયા ત્યારે નરેન્દ્રે એક રાણીછાપ સિક્કો કાઢીને ગુરુના પલંગ પરના ગાદલા નીચે મૂકી દીધો. થોડી વાર પછી ગુરુ પાછા આવીને જેવા પલંગ પર બેસવા ગયા કે વીજળીનો ઝાટકો વાગ્યો હોય તેમ તરત ઊભા થઈ ગયા. અહીં ક્યાંય કોઈએ પૈસા મૂક્યા છે, એવું બોલી ઊઠયા. નરેન્દ્ર તો ઓરડામાંથી બહાર સરકી ગયા પણ રામકૃષ્ણ સમજી ગયા કે શિષ્ય ગુરુની કસોટી કરી રહ્યો હતો. આમ, વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ પર પણ આંધળો વિશ્વાસ મૂક્યો નહોતો. આની સામે આજે શિક્ષિત લોકો ઠાલા ખોખા જેવા અને જોકરછાપ ગુરુઓ પર આંધળો વિશ્વાસ મૂકતા જોઈને હસવું કે રડવું, એ સમજાતું નથી.
દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ
કલકત્તાના જાનબજાર નામક લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢય જમીનદારની વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ સાથે મસલત કરી. કલકત્તાથી ઉત્તરે છ કિલોમિટર દૂર ગંગાકિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં સાઠ વીઘા જમીન સને ૧૮૪૧ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદી અને તેના પર નવચૂડાથી શોભતું વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાન્તનું મંદિર, સભામંડપ વગેરે બંધાવ્યા. સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગદાધરના ભાઈ રામકુમારે આયુષ્યના અંત સુધી પૂજારીપદ નિભાવ્યું હતું.
રામકૃષ્ણ પરમહંસ ના પ્રેરક સુવિચાર
૧. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
૨. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.
૩. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે. જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.
૪. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી. ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.
૫. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લે છે. પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.
૬. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.
૭. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને બુરાઇ છોડી દે છે.
૮. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.
૯. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.
૧૦. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે. પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.
૧૧. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.
દરેક ધર્મનું વાંચન, દરક ધર્મનાં ભગવાનોના દર્શન, દરેક ધર્મમાંથી એક નવો અર્થ શોધવાની એમની વૃત્તિ અને એક ગુઢાર્થ શોધવો એ જ એમના જીવનનું લક્ષ્ય રહ્યું છે. આવાં સાચા સંત અને સાચા અર્થમાં સાદગી ભર્યું જીવન જીવતા પરમહંસ ને શત શત નમન !!!