સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 50 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત
By-Gujju01-01-2024
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 50 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત
By Gujju01-01-2024
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, ગત વર્ષે એટલે કે 2022માં લગભગ 46 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા, પરંતુ આ વર્ષે આ આંકડો વર્ષ પૂરું થતા પહેલા જ તૂટી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018થી માંડીને 2023 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 1 કરોડ 75 લાખ 26 હજાર 688 પ્રવાસીઓ પહોંચ્યા છે, અને એવું પહેલીવાર થયું છે કે એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 50 લાખના આંકડાને પાર કરી ગઇ છે.
છેલ્લા પાંચ વર્ષોના આંકડા પર જો નજર નાખીએ, તો વર્ષ 2018માં 4,53,020 પ્રવાસીઓ, વર્ષ 2019માં 27,45,474 પ્રવાસીઓ, વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, તે વર્ષે 12,81,582 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે તેના પછીના વર્ષે એટલે કે 2021માં પ્રવાસીઓની સંખ્યા વધીને 34,32,034 અને ગત વર્ષ 2022માં 45,84,789 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઇ-બસોની શરૂઆત કરાવી હતી અને આ સાથે જ પ્રવાસીઓ માટે ગોલ્ફ કાર્ટ અને મિની બસ પણ શરૂ કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ માટે નિઃશુલ્ક વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. વ્હીલચેરની મદદથી વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની સાથે-સાથે વ્યૂઇંગ ગેલેરીના મનોહર દ્રશ્યોનો આનંદ પણ લઇ શકે છે.
અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરમાં કરવામાં આવી રહેલા વિકાસકાર્યો અભૂતપૂર્વ છે. સ્થાનિક લોકોને આ વિકાસકાર્યોથી ઘણો લાભ મળી રહ્યો છે. તેમનો આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એકતા નગરને વિકસિત કરવા માટે નવા આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ, મુખ્ય જે આકર્ષણો છે, તેમને વધુ બહેતર બનાવવામાં આવ્યા છે. એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઝરવાણી-ખલવાની ઇકો ટુરિઝમ, સાયકલિંગ અને રિવર રાફ્ટિંગ જેવા આકર્ષણો પણ વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, અહીં આવનારા પ્રવાસીઓ મન, આત્મા અને શરીર વચ્ચે સંતુલન સાધી શકે, તે માટે આરોગ્ય વન વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા આવીને પ્રવાસીઓને એક અલગ જ શાંતિનો અનુભવ મળે છે. અહીં પ્રવાસીઓને પ્રાચીન ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ મળે છે, જેના માટે આયુર્વેદ વેલનેસ સેન્ટરમાં પ્રશિક્ષિત ડોક્ટર અને સ્ટાફ હાજર છે. આ ઉપરાંત, આરોગ્ય વનનું ભ્રમણ કરીને પ્રવાસીઓ આયુર્વેદિક વનસ્પતિઓ, સારવારમાં ઉપયોગી થાય તેવી ઔષધિઓ વિશે જાણકારી પણ પ્રાપ્ત કરે છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ધ્યાનમાં રાખીને એકતા નગરનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે એકતા નગર વૈશ્વિક મંચ પર ‘એક નગર, શ્રેષ્ઠ નગર, એકતા નગર’ તરીકે વિકસી રહ્યું છે.