ટુરિસ્ટ સ્પોટ બનશે ગુજરાત: દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ થશે, માલદીવ્સ જેવી ખાસ વિલા પણ બનશે!
By-Gujju09-01-2024
ટુરિસ્ટ સ્પોટ બનશે ગુજરાત: દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ થશે, માલદીવ્સ જેવી ખાસ વિલા પણ બનશે!
By Gujju09-01-2024
ગુજરાતને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકારે વિવિધ પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. જેથી વૈવિધ્યસભર દરિયાઈ જીવસૃષ્ટિ હોય તે સ્વાભાવિક છે. ગુજરાતમાં ઈકો ટુરિઝમને વિકસાવવાના હેતુસર હવે દ્વારકાના દરિયામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે. બેટ દ્વારકાના દરિયામાં હાલ બોટ મારફતે સહેલાણીઓને ડોલ્ફિન દર્શન કરાવવામાં આવે છે. જોકે, પ્રવાસનને વેગ આપવાના હેતુથી ક્રૂઝ શીપમાં દરિયાઈ સફર કરવાની સાથે ડોલ્ફિનને નિહાળવાનો લ્હાવો પણ લઈ શકાય છે. દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા આવે છે અને જો પ્રોજેક્ટ શરૂ થયો તો સહેલાણીઓમાં નવું આકર્ષણ ઊભું થશે. પરિણામે દ્વારકા પંથકમાં ટુરિઝમ ઉદ્યોગને નોંધપાત્ર વેગ મળશે. એવામાં હાલ ધાર્મિક મહત્વ ધરાવતું દ્વારકા આગામી વર્ષોમાં માત્ર ગુજરાત જ નહીં દેશના પશ્ચિમ છેવાડાનું ટુરિઝમ હબ બની જાય તો નવાઈ નહીં. રાજ્ય સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવની જેમ ફ્લોટિંગ વિલા પ્રોજેક્ટ શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે,
દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન સરકાર MoU કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચ મહિનાથી ક્રૂઝ શરૂ થઈ શકે છે. ડોલ્ફિન ક્રૂઝ દરમિયામાં 3 કિલોમીટર સુધી અંદર જશે અને દુર્લભ પ્રજાતિની દરિયામાં કૂદકા મારતી ડોલ્ફિન જોઈ શકાશે. ઉપરાંત શિયાળામાં સ્થળાંતર કરતી વ્હેલ પણ દ્વારકા નજીક આવતી હોય છે તો તેને પણ જોવાની તક મળી શકે છે.
તેજસ એક્સપ્રેસના બ્રેકફાસ્ટમાંથી નીકળી ઈયળ, પેસેન્જરે ફરિયાદ કરતાં શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ક્રૂઝના સંચાલકો 1 ટ્રીપ બે કલાકની યોજવાનું વિચારી રહ્યા છે અને એકસાથે ક્રૂઝમાં 150 લોકોને લઈ જવાશે. ક્રૂઝ દરિયામાં 3 કિલોમીટર એટલે કે 1.62 નોટિકલ માઈલ અંદર સુધી જશે. રૂટમાં લોકોને ડોલ્ફિન ઉપરાંત અન્ય માછલીઓ પણ જોવા મળશે. પ્રારંભિક ધોરણે દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવાની વિચારણા છે ત્યારબાદ ગુજરાતના વિવિધ દરિયાઈ વિસ્તારમાં આ સેવા શરૂ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, જામનગર નજીક ઓખાના દરિયા વિસ્તારમાં 200થી વધુ ડોલ્ફિન જોવા મળી હતી. એવામાં ઓખામાં પણ ડોલ્ફિન ક્રૂઝ ભવિષ્યમાં શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં.
ગુજરાત સરકાર છેલ્લા એક દાયકાથી પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પ્રવાસીઓને આકર્ષના રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવા ત્રણ ટુરિઝમ સ્પોટ બનશે. યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ ધાર્મિક સ્થળોની સાથે પ્રવાસનને વેગ આપવા છેલ્લાં દાયકામાં શિવરાજપુર બીચને વિકસાવવા માટે પણ અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હવે શિવરાજપુરમાં એક્વેરિયમ બનાવવામાં આવશે. જેથી સહેલાણીઓ દરિયાઈ જીવસૃષ્ટિને નજીકથી નિહાળી શકે.
રાજ્ય સરકારે ત્રણ સ્થળોએ ફ્લોટિંગ વિલા બાંધવાની તૈયારી શરૂ કરી છે. કડાણા ડેમ, બેટ દ્વારકા અને ધરોઈ ડેમમાં ફ્લોટિંગ વિલા બનાવવામાં આવી શકે છે. દુનિયાના અનેક દેશોમાં ફ્લોટિંગ વિલા જોવા મળે છે. ખાસ કરીને ટાપુઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા દેશો પ્રવાસનને વિકસાવવા આ પ્રકારની વિલાઓની સુવિધા આપતા હોય છે. ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓને પર્યટન સ્થળે નવો અનુભવ મળે તે હેતુથી આ વિચારણા કરવામાં આવી છે. ખાનગી કંપનીને ફ્લોટિંગ વિલાની કામગીરી સોંપાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ પાણીમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન સબરમરીનથી કરાવાની વિચારણા સરકાર કરી રહી હોવાની વાત પણ સામે આવી હતી.