Sunday, 22 December, 2024

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 6 

267 Views
Share :
વિક્રમ વેતાલની વાર્તા ભાગ 6

વિક્રમ વેતાલની વાર્તા ભાગ 6 

267 Views

ફરીવાર વિક્રમ રાજાની પીઠ પર રહેલા વેતાળે એક નવી વાર્તા શરુ કરી..

ધર્મપુર નામની એક નગરી હતી. અને ત્યાંના રાજાનું નામ પણ ધર્મશીલ. રાજા બધી વાતે સુખી હતો પણ સંતાન ન હોવાનું દુ:ખ હતુ.

એક દિવસ નગરમાં સંતની પધરામણી થઇ. રાજાએ સંતની ખુબ જ સેવાચાકરી કરી. સંતે રાજાનું દુ:ખ જાણીને કહ્યુ. ‘મહારાજ એક મંદિર બનાવી. તેમાં દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજા કરીએ તો મોટું પુણ્ય પ્રાપ્ત થશે.’ અને તારૂ દુ:ખ દૂર થશે.

રાજાએ સંતની વાત માની લીધી. અને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ દેવી પ્રસન્ન થઈને બોલ્યા ‘રાજા તારી સાચા દિલની ભક્તિથી તારા પર પ્રસન્ન થઇ છુ, તારે શું જોઈએ છે ? તું માગીશ તે હું આપીશ.’

રાજાને દુ:ખ તો બસ એટલું જ કે કોઈ સંતાન નહોતુ. આટલી મોટી નગરીનો આટલો મોટો રાજા તો સંતાન તો હોવુ જોઈએ ને ? કાલ સવારે ઉતરાધિકારી કોણ બને ? પિતાનો વારસો કોણ સાચવે ? આવા વિચારો ધર્મશીલ રાજાને ઘેરી વળ્યા અને તેણે હાથ જોડી દેવી પાસેથી પુત્ર માગ્યો.

દેવીએ પ્રસન્ન થતા કહ્યું, ‘જા તારે ત્યાં પ્રતાપી પુત્ર અવતરશે.’

સમય વિતતો ગયો..રાણીનો ખોળો ભરાયો. દેવીએ જેમ કહ્યું હતું એમ જ રાજાને ત્યાં પુત્ર અવતર્યો. નગરમાં ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. મીઠાઈ વહેંચવામાં આવી અને સમગ્ર નગરનાં લોકોને વસ્ત્રો વગેરેનું દાન આપવામાં આવ્યુ.

એક દિવસ અન્ય નગરનો યુવાન ત્યા આવી ચડ્યા. અને દેવીનું મંદિર જોઇ તે તરફ દર્શન કરવા આવ્યો

એ દેવીને મંદિરમાં નમન કરવા જ જતો હતો કે તેની નજર એક છોકરી પર પડી ગઈ. ખૂબ જ સુંદર હતી. એ ચાલતી તો પગની ઝાંઝર ખનખન થતી અને બધાની નજર ત્યાં જ સ્થિર થઈ જતી. જાણે તે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હોય. તેના હાથ ડોલતા અને બંગડીઓનો અવાજ કાનને શાતા આપતો હતો. યુવાન તો કન્યા પર મોહિત થઈ ગયો. છોકરી પસાર થઈ ગઈ એટલે તે મંદિર પર ગયો અને દેવીને હાથ જોડી પ્રાર્થના કરી, ‘હે દેવી. આ સુંદર છોકરી જો મને મળી જાય તો હું મારું માથું અહીં ચડાવી દઈશ.’

તે ઘરે પાછો ફરી ગયો. પણ મનમાંથી છોકરીનું એ દૃશ્ય નહોતું હટી રહ્યું. એની ચાલ. એના પગમાં ઝાંઝરી અને ઝાંઝરીનો ખનખન થતો અવાજ. એ ઉદાસ રહેવા લાગ્યો. તેના પિતાને પણ પુત્રને આ શું થઈ ગયું છે તેની ખબર જ નહોતી પડતી. એ પણ આ સમસ્યાનો ઉકેલ ઈચ્છતા હતા.

આખરે તેના પરમ મિત્ર પાસે જઈ પિતાએ જાણકારી મેળવી ત્યારે આખી વાતનો તાંતણો મળ્યો કે, આ તો એક યુવતીના પ્રેમમાં છે.

‘તું સાચી વાત કહે છે?’ યુવાનના પિતાએ તેના મિત્રને પૂછ્યું.

મિત્રએ કહ્યું, ‘સો આના સાચી વાત છે કાકા. એ છોકરીને પહેલી નજરે જોઈ ત્યારથી તેના હ્રદયમાં પતંગિયા ઉડવા લાગ્યા છે. આખો દિવસ બસ એનું જ રટણ કરતો રહે છે. તેના ચહેરાના વખાણ કરતા થાકતો નથી.’

‘તો તો મારે તેની ઉદાસીનો નિવેડો લાવવા એ છોકરીના પિતા સાથે મેળાપ કરવો પડશે. નહીંતર આ આમ જ મરી જશે. પ્રેમમાં ઘેલા થયેલા તો કંઈ પણ કરી લે અને એમાંય પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે તો…’ પુત્રના મિત્રને આટલું કહી પિતા ઉપડ્યા. અમરકથાઓ

છોકરીના પિતા સામે જઈ તેમણે બધી વાત રાખી દીધી. કોઈને સમસ્યા નહોતી. શાંતિપૂર્ણ રીતે વિવાહ સંપન્ન થઈ ગયા અને બંને પરણી ગયા.

વિવાહ પૂર્ણ થયા બન્ને ખુબ જ સુખચેનથી દિવસો પસાર કરવા લાગ્યા. વિવાહ થયા પછી યુવાન દેવીને માથુ ચડાવવાની પ્રતિજ્ઞા પણ સાવ ભુલી જ ગયો.

એક વખત તે છોકરીના પિતાને ઘરે ઉત્સવ હતો. જેમાં જમાઈ અને પુત્રીને પિતાએ ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. રાજીખુશીથી પતિ પત્ની અને તેનો પાક્કો મિત્ર ઉજાણીમાં સામેલ થવા જઈ રહ્યા હતા. હસીખુશીથી વાતો કરી રહ્યા હતા.

એવામાં દેવીનું મંદિર રસ્તામાં આવી ગયું. યુવાનના તો પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે દેવીને જે વચન આપેલું તે યાદ આવી ગયું. મિત્ર અને પોતાની પત્નીને પ્રતીક્ષા કરવાનું કહી એણે મંદિર તરફ ડગ માંડ્યા. તેને જતા જોઈ બેઉંને એમ લાગતું હતું કે દર્શન કરી પરત આવશે.

તેણે મંદિરમાં દેવીની મૂર્તિ સામે હાથ જોડ્યા અને પછી તલવારથી પોતાનું જ ગળું કાપી નાખ્યું. મિત્રને ગયાને ઘણો સમય થયો પણ મિત્રના પરત ન આવતા તેની પત્નીને બહાર ઊભી રાખી તે ખરાઈ કરવા ગયો. અંદર જઈ જોયું તો પોતાના મિત્રનું ધડ અને માથું અલગ અલગ થઈને પડ્યા હતા. મિત્રના મોઢામાંથી ચીસ પણ ન નીકળી શકી. મંદિરમાં પ્રજવલ્લિત દિવાની આગ સામું તેણે જોયું તો જાણે આંસુ આગ બનીને નીકળી રહ્યા હોય તેવો તેને ચહેરો દેખાતો હતો.

‘આ દુનિયા ખૂબ જ ખરાબ છે. કોઈ થોડું માનશે કે આણે તલવારના એક ઝાટકે પોતાનું જ માથું ધડથી અલગ કરી નાખ્યું. લોકો તો એમ જ વિચારશે ને કે હું તેની પત્નીને પ્રેમ કરતો હતો અને તેને પામવા માટે મેં આનું માથું ધડથી અલગ કરી નાખ્યું. નહીં… નહીં…. નહીં… આના કરતાં તો મારું જ શીશ ચડાવી દઉં.’

આમ વિચારીને તેણે પાસે પડેલી તલવાર ઉઠાવીને પોતાનું મસ્તક કાપી નાખ્યુ.

બહાર રાહ જોઇને ઉભેલી સ્ત્રી તો હેરાન થઈ ગઈ. પહેલા પતિ અને પછી તેનો મિત્ર મંદિરમાં ગયા પણ પાછા ન આવ્યા. એણે મંદિરમાં જવા પગ ઉપાડ્યા. અંદર જઈ જુએ તો તેના પતિ અને પતિના મિત્રનું માથું અને ધડ અલગ હતા.

એ વિચારવા લાગી, ‘કાલ સવારે આ દુનિયા એમ વિચારશે કે હું ખરાબ છું. આ બંનેની હત્યા મેં કરી છે. આ બન્નેના મૃત્યુનું કારણ હુ છુ. આવો દિવસ આવે તે પહેલા તો મરી જવું જ સારું.’

પતિના મિત્રના હાથમાં રહેલી તલવાર તેણે ઉઠાવી અને ગરદન પર મારવા જ જતી હતી કે દેવી પ્રગટ થઈ ગયા, અને તેનો હાથ રોકી લીધો : ‘હું તારા પર પ્રસન્ન થઈ છું. બોલ તારી જે ઈચ્છા હશે એ હું પૂર્ણ કરીશ.’

તેણે કહ્યું, ‘મારી કોઈ મોટી ઈચ્છા નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે આ બંનેને પુન:જીવનદાન આપી દો.’

દેવીએ કહ્યું, ‘બરાબર એમ જ થશે. તું તારા પતિ અને તેના મિત્રનું શરીર અને માથું બરોબર તેમના શરીર પર ગોઠવી દે.’

મહિલાએ દેવીની આજ્ઞાનું પાલન કર્યું, પણ ઉતાવળમાં પતિ અને મિત્રનું માથું અલગ અલગ જગ્યાએ રાખી દીધું. જ્યાં પતિનું માથું ત્યાં મિત્રનું ધડ અને જ્યાં મિત્રનું માથું ત્યાં પતિનું ધડ.

દેવીએ હાથ તેમની સામે રાખ્યો. દિવ્ય રોશની પ્રગટ થઈ અને બેઉં જીવતા થઈ ગયા. દેવી તો આ બંને જીવિત થઈ ગયા છે એમ માની અંતર્ધ્યાન થઇ ગયા પણ ખરી મુસીબત હવે ઊભી થઈ. તે સ્ત્રીની ભૂલના કારણે મિત્ર પણ તેનો પતિ અને પતિ પણ તેનો પતિ!! બંને ઝઘડવા લાગ્યા કે, આ મારી પત્ની છે આ મારી પત્ની છે.

‘હવે દેવી તો ચાલી ગઈ વીર વિક્રમ. મંદિર પાસે પણ કોઈ નથી. તું બતાવ કે સ્ત્રીનો પતિ કોણ થયો કહેવાય ? એ સ્ત્રી કોની પત્ની છે ?’

વિક્રમ રાજાએ ઉત્તર આપ્યો, ‘નદીઓમાં ગંગા ઉત્તમ છે. પર્વતોમાં સુમેરુ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને દેહના અંગોમાં મસ્તિષ્ક. એટલે કે જે વ્યક્તિ પર પતિનું માથું લાગેલું હોય તે જ તેનો પતિ થયો કહેવાય.’

‘વાહ…વિક્રમ વાહ… તે સાચો ન્યાય કર્યો.’ વેતાલે વિક્રમની પ્રશંસા કરી પણ તુ બોલ્યો અેટલે હુ આ ચાલ્યો કહીને વેતાળ સિદ્ધવડ પર ચાલ્યો ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *