અનાવૃષ્ટિ (દુકાળ) વિશે નિબંધ
By-Gujju04-10-2023
અનાવૃષ્ટિ (દુકાળ) વિશે નિબંધ
By Gujju04-10-2023
ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. સમયસર અને પ્રમાણસર વરસાદ થાય, તો અનાજનું સંતોષકારક ઉત્પાદન થાય છે. પરંતુ ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ પણ આવી પડે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ખેતરોમાં પાણી ફરી વળે છે. તેથી પાક ધોવાઇ જાય છે. પણ ક્યારેક જરૂરિયાત કરતાં ઘણો ઓછો વરસાદ પડે છે. આવી સ્થિતિને ‘અનાવૃષ્ટિ’ કે ‘દુષ્કાળ’ કહે છે.
પાણીના અભાવે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ઘાસચારો પણ થતો નથી. જળાશયોનાં પાણી ઘણાં ઊંડાં જતાં રહે છે અથવા સુકાઈ જાય છે. પરિણામે અનાજ, ધાસચારો અને પીવાના પાણીની ગંભીર તંગી સર્જાય છે. ખેતી અને પશુપાલન ઉપર આધારિત ખેડૂતો લાચાર થઈ જાય છે.
અનાજ અને ઘાસચારાના ભાવો આસમાને પહોંચી જાય છે. ગરીબ ખેડૂતો દેવાદાર થઈ જાય છે. ખાવા માટે પુરતો ઘાસચારો ન મળવાથી પશુઓ હરતાંફરતાં હાડપિંજર જેવાં બની જાય છે. ઘાસચારા વિના સેંકડો ઢોર મરણ પામે છે. અપૂરતા પોષણને લીધે દૂધાળાં ઢોર દૂધ આપી શકતાં નથી. તેથી ઘી-દૂધની પણ અછત વરતાય છે. કેટલાંક ગામો અને શહેરોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની જાય છે. લોકોના જીવનમાંથી જાણે રસક્સ જ ઊડી જાય છે.
પહેલાંના વખતમાં દુષ્કાળ પડતો ત્યારે લોકોના જીવન પર તેની ભયંકર અસરો પડતી હતી. છપ્પનિયા કાળમાં હજારો માણસો અને પશુઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. હવે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને અનાજ અને ઘાસચારો પહોંચાડે છે.
ગામેગામ લોકોને ટેંકરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર રાહત કામો શરૂ કરે છે. તેને લીધે લોકો ઘરઆંગણે જ રોજીરોટી મેળવી શકે છે. ઢોર માટે ઢોરવાડા ચલાવવામાં આવે છે.
દુષ્કાળ આપણને માનવીની અવદશા અને માનવીની માનવતા બંનેનાં દર્શન કરાવે છે.