Wednesday, 11 September, 2024

ભારતની જેમ આ દેશોમાં પણ ભવ્યતાથી ઉજવવામાં આવે છે દિવાળી

251 Views
Share :
ભારતની જેમ આ દેશોમાં પણ ભવ્યતાથી ઉજવવામાં આવે છે દિવાળી

ભારતની જેમ આ દેશોમાં પણ ભવ્યતાથી ઉજવવામાં આવે છે દિવાળી

251 Views

ભારતમાં તો દિવાળીની ઉજવણી ખૂબ જ રંગેચંગે અને ઉત્સાહ સાથે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ જ્યાં ભારતીય સમુદાય રહે છે ત્યાં પણ દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવે છે. ચારે તરફ દીવડા, રોશની, મીઠાઈઓ અને ફટાકડાં ફોડીને અને આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવે છે. દિવાળી આમ જોવા જઈએ તો ભારતનો ખૂબ જ મોટો તહેવાર છે પણ દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં ભારતની જેમ જ આ પ્રકાશપર્વની મોટાપાયે ઉજવણી કરવામાં આવે છે. અહીંયા વસતા ભારતીય સમુદાય ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આજે નજર કરીએ એવા દેશો ઉપર જ્યાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે….

નેપાળ

ભારતનો પાડોશી દેશ નેપાળ આ તહેવારને ખૂબ જ રંગેચંગે ઉજવે છે. અહીંયા સ્વાન્તિ એટલે કે દિવાળીની પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પહેલા દિવસે કાગડાને બીજા દિવસે કૂતરાને ભોજન કરાવવામાં આવે છે. ત્રીજા દિવસે લક્ષ્મી માતાની પૂજા કરાયા છે. આ દિવસને દિવાળીની જેમ ઉજવવામાં આવે છે. ચોથા દિવસને નવા વર્ષની જેમ ઉજવવામાં આવે છે. તે દિવસે મહાપૂજા થાય છે. પાંચમા દિવસે ભાઈને તિલક કરીને શુભેચ્છાઓ અપાય છે. ભારતમાં તેને ભાઈબીજ કહે છે. આ રીતે અહીંયા પાંચ દિવસના તહેવારો ઉજવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે.

શ્રીલંકા

દિવાળીનો સીધો સંબંધ જેની સાથે છે તેવા લંકા એટલે કે શ્રીલંકાને આપણે રામાયણકાળથી જાણીએ છીએ. રાવણને પરાજિત કરીને રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને પરત આવ્યા ત્યારે અયોધ્યામાં ચારેતરફ દીપ પ્રાગટ્ય કરાયું અને લોકોએ ઉજવણી કરી તે દિવાળી હતી. શ્રીલંકામાં વસતા તમિલ સમુદાયાના લોકો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. અહીંયા સ્થાનિકોની સાથે મૂળ નિવાસીઓ દિવાળીની ઉજવણી ધામધૂમથી કરે છે.

થાઈલેન્ડ

થાઈલેન્ડમાં દિવાળીને લામ ક્રિયોંઘ કહેવામાં આવે છે. તેની ઉજવણીની પણ અનોખી પરંપરા છે. અહીંયા લોકો કેળના પાંદડામાંથી બનાવેલા દીવા અને ધૂપ રાત્રે પ્રગટાવે છે અને તેમની ધાર્મિક માન્યતાઓને આધારે પૂજા-પાઠ કરે છે. ભારતની જેમ અહીંયા પણ પૂજાના અનુષ્ઠાનમાં પૈસા મુકવામાં આવે છે. ત્યારબાદ પૂજા સંપન્ન થાય એટલે આતશબાજી કરાય છે. પૂજાપાની સામગ્રી અને દીવાને નદીમાં પધરાવી દેવામાં આવે છે.

સિંગાપુર

સિંગાપુરમાં સ્થાનિકો ઉપરાંત ભારતીયો અને વિવિધ દેશના પ્રવાસીઓ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ માટે વિશેષ બસો ઉપર રંગોળીને ટ્રેડિશનલ ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. લોકો રસ્તા અને કેટલીક જગ્યાઓએ પણ વિવિધ રંગોળીઓ અને શણગાર કરે છે. અહીંયા એકબીજાને મીઠાઈ વહેંચવાની પરંપરા પણ છે. તે ઉપરાંત અહીંયા મોટાપાયે આતશબાજી કરવામાં આવે છે. પ્રવાસીઓ આ આતશબાજી જોવા માટે પણ દિવાળી સમયે ખાસ આવતા હોય છે.

ઈન્ડોનેશિયા

ઈન્ડોનેશિયામાં પણ ભારતની જેમ ઉત્સાહ સાથે આ પર્વ ઉજવાય છે. અહીંયા તહેવારો દરમિયાન લોકો પોતાના ઘરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય છે. અહીંયા દિવાળીએ પબ્લિક હોલિડે હોય છે. લોકો પોતાના સ્વજનો, મિત્રો અને સાથીઓને આ દિવસે મળતા હોય છે, એકબીજાના ઘરે જતા હોય છે અને ભેગા મળીને ઉજવણી કરતા હોય છે.

મલેશિયા

મલેશિયામાં દિવાળીની ઉજવણી થાય છે પણ તેની પદ્ધતિ થોડી જુદી છે. અહીંયા લોકો દિવાળીને હરી દિવાલી કહીને ઉજવે છે. આ દિવસે લોકો તેલમાં સ્થાન કરે છે, ત્યારબાદ મંદિરોમાં અને ધાર્મિક સ્થળોએ જઈને પૂજા કરે છે. ત્યારબાદ લોકો મિત્રો અને સ્વજનો સાથે એકબીજાને મળે છે અને મીઠાઈઓ તથા ભેટસોગાદોની આપલે કરવામાં આવે છે.

મોરેશિયસ

મોરેશિયસમાં ભારતીયો અને હિંદુઓની વસતી વધારે હોવાથી અહીંયા પણ ધામધૂમથી દિવાળી ઉજવાય છે. અહીંયા લોકો પોતાના મકાનો શણગારે છે, દીવા પ્રગટાવે છે, રંગોળીઓ કરવામાં આવે છે, રોશની કરવામાં આવે છે. ફટાકડા ફોડીને, આતશબાજી કરીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવે છે.

જાપાન

જાપાનમાં ઓનિયો ફેર નામનો એક તહેવાર ઉઝવવામાં આવે છે. જાન્યુઆરીમાં ઉજવાતો આ તહેવાર દિવાળી જેવો જ તહેવાર છે. લોકો ધામધૂમથી તેની ઉજવણી કરતા હોય છે. જાપાનમાં સદીઓથી ઉજવાતો આ ઉત્સવ ખૂબ જ પૂરાતન ઉત્સવ પણ ગણાય છે. જાપાનના ફુકુઓકામાં સૌથી વધારે ઉત્સાહ અને આયોજનો સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. અહીંયા દિવાળીને જેમ જ લોકો મીણબત્તીઓ અને મશાલ પ્રગટાવે છે અને પોતાના મકાનો અને રસ્તાઓ રોશનીથી ઝગમગતા કરી દે છે. તે ઉપરાંત આ ઉજવણી સમયે છ મશાલ એક સાથે પ્રગટાવવામાં આવે છે. લોકો એવું માને છે કે, તેના દ્વારા મુશ્કેલીઓ અને આપત્તીઓ ઓછી થાય છે અને લોકો સુખી રહે છે. 

ફિજી

ફિજીમાં ભારતીયોની સંખ્યા વધારે છે તેથી અહીંયા મોટાભાગે દરેક ભારતીય તહેવારો ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીંયા માતૃભાષા પણ હિંદી સ્વીકારવામાં આવી છે તેથી તહેવારો પણ ભારતીય તહેવારો જેવા જ છે. અહીંયા સાર્વજનિક સ્થળો બંધ હોય છે, લોકો એકબીજાના ઘરે જાય છે. એકબીજાને મીઠાઈ અને ભેટસોગાદ આપતા હોય છે. તે ઉપરાંત જાતભાતની લાઈટો અને દિવાથી ઘરમાં રોશની કરવામાં આવતી હોય છે.

સ્કોટલેન્ડ

દર વર્ષે જાન્યુઆરીના અંતિમ મંગળવારે સ્કોટલેન્ડમાં લેર્વિક ખાતે એક વિશેષ ફેસ્ટિવલ ઉજવાય છે. અપ હેલી નામનો આ ફેસ્ટિવલ દિવાળીની જેમ ઉજવવાની ઘણા વર્ષોથી પરંપરા ચાલી આવી છે. આ તહેવારની ઉજવણીની પ્રથા, કથા અને પરંપરા દિવાળીની ઉજવણી જેવા જ છે. અહીંયા લોકો પ્રાચીન સમુદ્રિક યોદ્ધાઓની જેમ તૈયાર થાય છે અને વિશાળ રેલી કાઢતા હોય છે. આ દરમિયાન સમગ્ર શહેરમાં રોશની કરવામાં આવતી હોય છે.

ફ્લોરિડા

ફ્લોરિડામાં દિવાળીની ઉજવણી ભારત જેવી જ હોય છે. તેનો અહીંયા ધર્મ સાથે કોઈ સંબંધ નથી. અહીંયા દર વર્ષે 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે સેમહેન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. હેલોવિનની જેમ આ બોન ફાયર ફેસ્ટિવલ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. અહીંયા વિવિધ થીમ આધારિત પાર્ટી યોજવામાં આવે છે, લોકો ઉજવણી કરે છે, આતશબાજી કરવામાં આવે છે, ભેટસોગાદોની આપલે કરવામાં આવે છે.

કેનેડા

કેનેડાના ન્યૂફાઉન્ડ લેન્ડમાં પાંચ નવેમ્બરના રોજ દિવાળીની જેમ એક રાત એવી હોય છે જે દિવાળીની જેમ ઉજવાય છે. આ રાતે શહેરને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે અને લોકો ભવ્ય આતશબાજી કરતા હોય છે. અંગ્રેજો અને આઈરિશ લોકો ગુણવત્તાસભર જીવનધોરણની શોધમાં અહીંયા આવ્યા હતા અને પછી અહીંયા જ વસી ગયા હતા. ત્યારથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા લોકો ઘરોને રંગરોગાન કરાવે છે, મિત્રો અને સંબંધીઓ એકબીજાના ઘરે ભેગા થાય છે. કેમ્પ ફાયર અને અન્ય રીતે ઉજવણીના આયોજન કરવમાં આવે છે. લોકો આખીરાત ઉજવણી કરે છે.

ગ્રેટ બ્રિટન

ભારત પછી જો વિશ્વમાં સૌથી વધારે ઉત્સાહ અને ધામધૂમ સાથે દિવાળી ઉજવાતી હોય તો તે છે ગ્રેટ બ્રિટન. જંગલોથી ઘેરાયેલા બ્રિટનના શહેર લેસ્ટરમાં દિવાળીની અનોખી ઉજવણી હોય છે. અહીંયા હિંદુ, શિખ અને જૈન સમુદાયાની વસતી ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી અહીંયા ભારતીય તહેવારોની મોટાપાયે ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમાંય દિવાળી તો ભવ્ય રીતે ઉજવાય છે. અહીંયા પણ લોકો પોતાના ઘરને રંગરોગાન કરાવે છે, ચારેતરફ દિવા પ્રગટાવવામાં આવે છે, લોકો પોતાના ઘરને શણગારે છે, એકબીજાના ઘરે મળવા જાય છે, જાહેરમાં ઉજવણી થાય છે, મીઠાઈઓ વહેંચવામાં આવે છે. લોકો પાર્કમાં રસ્તા ઉપર નીકળીને ફટાકડાં ફોડે છે, મેદાનોમાં આતશબાજી કરવામાં આવે છે.

અમેરિકા

અમેરિકામાં ભારતીયોની વસતી પણ મોટા પ્રમાણમાં છે. તેમાં દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. લોકો દ્વારા ભારતની જેમ જ ભવ્ય રીતે દિવાળી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકન એમ્બેસી દ્વારા પણ ભારતીયોના સન્માનમાં દિવાળી ઉજવાય છે. અમેરિકી પ્રમુખ દ્વારા વ્હાઈટ હાઉસ ખાતે દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને ભારતીય સમુદાયને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *