એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
By-Gujju04-10-2023
એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
By Gujju04-10-2023
હું એક નિવૃત્ત શિક્ષક છું. અત્યારે હું ભવ્ય ભૂતકાળને યાદ કરીને દિવસો આનંદથી પસાર કરી રહ્યો છું. મારો જન્મ એક ગામડામાં થયો હતો. મારા પિતાજી શિક્ષક હતા. મેં ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ લીધું. ત્યારપછી શહેરની કૉલેજમાં દાખલ થઈને હું અંગ્રેજી વિષય લઈને સ્નાતક થયો. મને ભણવાનો અને ભણાવવાનો ખૂબ શોખ હતો. આથી મેં શિક્ષક થવાનું જ ધ્યેય રાખ્યું હતું.
મારો અભ્યાસ પૂરો કરીને હું ગામડાની એક શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાઈ ગયો. ગામડાનાં બાળકો અંગ્રેજી વિષયમાં ઘણાં નબળાં હતાં. મારા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં રસ કેળવે અને અંગ્રેજીનો સારો અભ્યાસ કરે, તે માટે મેં સઘન પ્રયત્નો કર્યા. હું અંગ્રેજીના તાસમાં માત્ર અંગ્રેજી ભણાવીને જ સંતોષ માનતો ન હતો.
હું રજાના દિવસે તેમજ શાળાના સમય પછી પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતો. મેં અંગ્રેજી પુસ્તકોનું એક પુસ્તકાલય શરૂ કર્યું હતું. તેમાંનાં કેટલાંક પુસ્તકો હું વાંચીને વિદ્યાર્થીઓને સમજાવતો. ત્યારપછી તો વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે અંગ્રેજીનાં પુસ્તકો વાંચવા લાગ્યા. હું મારા વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજીમાં વક્તવ્ય, વાર્તાઓ અને નાટકો પણ તૈયાર કરાવતો. પરિણામે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ખૂબ રસ લેતા થયા. અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ એસ. એસ. સી.માં અંગ્રેજી વિષય રાખતા અને તેમાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થતા. મારા આ કાર્યમાં મારા સાથી મિત્રો ઉત્સાહપૂર્વક મને સહકાર આપતા.
શાળામાં થતા શિક્ષણકાર્યથી સંતોષ પામીને હું બેસી ન રહેતો. હું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવી ઘણી ઇતર-પ્રવૃત્તિઓ તેમની પાસે કરાવતો. હું વિદ્યાર્થીઓ પાસેથી શાળાની સફાઈ કરાવતો. બધા જ વિદ્યાર્થીઓ હું નિયમિતપણે આ શ્રમયજ્ઞમાં જોડાતા.
રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે હું વિદ્યાર્થીઓ દ્વારા નાટકો, દેશભક્તિનાં ગીતો, વક્તવ્યો વગેરે તૈયાર કરાવતો. અમે રમતોત્સવ અને પ્રવાસનું પણ આયોજન કરતા. દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ વખતે અમે વિદ્યાર્થીઓ પાસેથી યથાશક્તિ ફાળો અને અનાજ એકઠું કરાવીને મોકલી આપતા. અમે કોઈ વાર વિદ્યાર્થીઓને આવા વિસ્તારની મુલાકાતે પણ લઈ જતા.
હું આવી બધી પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થભાવે કરતો. મને ક્યારેય પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા નહોતી. આજે મારા અનેક વિદ્યાર્થીઓ ભણીગણીને જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાઈ ગયા છે. એમની પ્રગતિ જોઈને મને આનંદ થાય છે. તેઓ મારા પ્રત્યે આદર રાખે છે તેને હું મારી મોટી મૂડી ગણું છું. એક ઉમદા કાર્યમાં મારું જીવન ઉપયોગી નીવડ્યું તેનો મને અપાર આનંદ અને પરમ સંતોષ છે.