ભારત અને માલદીવ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદ
By-Gujju09-01-2024
ભારત અને માલદીવ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદ
By Gujju09-01-2024
પીએમ મોદીએ 4 જાન્યુઆરીએ તેમની લક્ષદ્વીપ મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર આપતું જોવા મળી રહ્યું છે. આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ્સ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું સારું છે.
આના કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ દેખાયા. તેમની વાંધાજનક પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારતીયો અને માલદીવ્સના નાગરિકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ભારતના લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે દેશમાં હેશટેગ BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યો.
લોકો માલદીવ્સનો ઉગ્ર વિરોધ કરવા લાગ્યા. લોકોનું કહેવું છે કે PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત ચોક્કસપણે માલદીવ્સના પ્રવાસનને મોટો ફટકો આપશે. બીજી તરફ નેટીઝન્સે #ExploreIndianIsland સાથે ભારતના પ્રવાસન ક્ષેત્રને સમર્થન આપવાનું શરૂ કર્યું.
માલદીવ્સના મંત્રીએ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા
મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરતી વખતે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા હતા. તેમજ, નેતા ઝાહિદ રમીઝે લખ્યું કે ભારત સેવાના મામલામાં અમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં. મરિયમ યુથ એમ્પાવરમેન્ટ, ઈન્ફોર્મેશન એન્ડ આર્ટના ડેપ્યુટી મંત્રી છે.
માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- મંત્રી મરિયમ શિઉનાએ ખોટા શબ્દો કહ્યા છે. તેનાથી માલદીવ્સની સુરક્ષા અને સમૃદ્ધિ જોખમાઈ શકે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારે આવી ટિપ્પણીઓથી પોતે દૂર રહેવું જોઈએ.
માલદીવ્સના નેતાએ લખ્યું- ત્યાં સ્વચ્છતા નથી, રૂમમાંથી દુર્ગંધ આવે છે
PM મોદીનો લક્ષદ્વીપનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- શાનદાર પગલું! ચીનની કઠપૂતળી ગણાતી માલદીવ્સની નવી સરકાર માટે આ મોટો ઝટકો છે. આ મુલાકાત બાદ લક્ષદ્વીપમાં પ્રવાસનને પણ વેગ મળશે.
આના જવાબમાં પીપીએમ લીડર ઝાહિદ રમીઝે લખ્યું- આ એક સારું પગલું છે. પરંતુ ભારત ક્યારેય અમારી બરાબરી નહીં કરી શકે. માલદીવ્સ પ્રવાસીઓને જે સેવા આપે છે તે ભારત કેવી રીતે આપી શકે? તેઓ આપણા જેટલી સ્વચ્છતા કેવી રીતે જાળવી શકશે? તેમના રૂમમાંથી આવતી દુર્ગંધ તેમના અને પ્રવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા હશે.