Thursday, 14 November, 2024

જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ

980 Views
Share :
જીવનમાં તહેવારોનું મહત્વ

જીવનમાં તહેવારોનું મહત્વ વિશે નિબંધ

980 Views

માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વિગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.

આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે. તથા જીવનમાં આનંદ-ઉલ્લાસ અને નવીનતા નો સંચાર કરે છે. તહેવારો સામાજિક માન્યતાઓ, ઘાર્મિક પરંપરાઓ અને સંસ્કારો પર આધારિત હોય છે. જેવી રીતે દરેક સમુદાય, જાતિ અને ધર્મની અલગ-અગલ માન્યતાઓ હોય છે તેવી જ રીતે આ તહેવારો ને મનાવવા માટેની પણ અલગ-અલગ ૫રં૫રા હોય છે.

ઉત્સવ પ્રિય જના:. એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજા નો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહયો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહાત્મ્ય જોડાયેલા છે.

રોજીંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ, નિર્જીવ બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે.

દરેક તહેવારોની પોતાની અલગ અલગ ઘાર્મીક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારનું આગવુ મહત્વ રહેલુ હોય છે. જેથી સમાજનો દરેક સમુદાય અલગ-અલગ સમયે આ તહેવારોમાં ભાાગ લે છે. દરેક વ્યક્તિમાં તહેવારના આગમન થી ખુશી હોય છે. વિધિ વિધાનથી અને ખૂબ જ આનંદથી તે તહેવારમાં ભાગ લે છે.

દરેક તહેવાર તેની વિધિ અને પરંપરા સાથે સમાજ, દેશ અને રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે. ભારતમાં વિજયાદશમીનો તહેવાર જેવી રીતે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ. નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા, શક્તિ સ્વરૂપા અંબા-બહુચર- મહાકાળી માતાની આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ. 

મહાશિવરાત્રીમાં મહાદેવની પુજા અને દાન તેમજ દયાભાવના નું મહત્વ.  મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને દાન-પુણ્યનું મહત્વ. તે જ રીતે રક્ષાબંધનનું પાવન પર્વ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમ અને ભાઈના બહેનની આજીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે. આવી જ રીતે રંગોનો તહેવાર હોળી આપણને સંદેશ આપે છે કે, ૫રસ્પર કઠોરતાને ભૂલીને દુશ્મનો ને પણ પ્રેમ કરીએ.

ઇસાઇઓનો તહેવાર નાતાલ સસારમાં પાપના અંધકારને દૂર કરવાનો સંદેશ આપે છે. તો મુસલમાન નો તહેવાર ઈદ ભાઇચારાનો સંદેશ આપે છે. આ રીતે દરેક તહેવારની ઉજવણી પાછળ સમાજના ઉત્થાન નો કોઈ ને કોઈ મહાન ઉદ્દેશ છુપાયેલો હોય છે. તહેવારોના કારણે લોકો એકબીજાથી નજીક આવે છે. ૫રસ્પરનો તણાવ ઘટે છે. તહેવારના સમયે દાન આપવા અને સત્કર્મ કરવાની પરંપરા છે.જેથી સમાજમાં સમરસતા આવે છે.

ભારતના તહેવારો ની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિ બંદૂ સાથે ઋતુ અને ચોક્કસ આયોજન કોઇને કોઇ વાર્તા કે ઇતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગ દોરવાના, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ અને સામાજિક સેવાઓ ના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જગાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો ”તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ. વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણ રાખી શકીએ છીએ. ઋતુ ફેરફાર નો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરું છે.”

આ તહેવારો મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે. તહેવારોથી માનવજીવનની નિરશતા દુર થાય છે. અને માનવ જીવનમાં એક નવીનતાનો સંચાર થાય છે. તહેવારોના આગમન પૂર્વે જ મનુષ્યની ઉત્કંઠા અને ઉત્સાહ તેનામાં એક સકારાત્મક અને સુખદ પરિવર્તન લાવવાનું પ્રારંભ કરી દે છે. તે પોતાની આળસ અને નિરશતાને ત્યાગીને ખૂબ જ ઉત્સાહ સાથે તહેવારની પ્રતીક્ષા કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *