જો પરીક્ષા ન હોય તો…
By-Gujju02-10-2023
જો પરીક્ષા ન હોય તો…
By Gujju02-10-2023
મને ના ગમે આ પરીક્ષાઓ…
અથવા
પરીક્ષા-જીવનકલા છે કે બલા ?
અથવા
આ પરીક્ષાઓને દૂર કરો… !
અથવા
જો પરીક્ષા ન હોય તો… ?
અથવા
આજની પરીક્ષાપદ્ધતિ ફેરફાર માંગે છે
અથવા
પરીક્ષા અને આજનો વિદ્યાર્થી
આજનો દિવસ મારે માટે ખૂબ જ આનંદ અને નિરાંતનો હતો… ગઈ કાલ સુધી મારે માથે જાણે કે પચાસ મણનું પોટલું પડેલું હતું… એ પોટલું મને સહેજેયે ચેન પડવા દેતું નહોતું, હા… એ પોટલું હતું પરીક્ષાનું એ પોટલું જ્યાં સુધી મારે માથે હતું ત્યાં સુધી હું ન તો ચેનથી ખાઈ-પી શકતો હતો…. ન તો ચેનથી સૂઈ શકતો હતો….! મન સતત પ્રશ્નોને… એના જવાબોને યાદ રાખવાના ભારણ નીચે એટલું દબાયેલું રહેલું હતું કે, એને ક્યાંય કશાયમાં કશું ચેન નહોતું… !
આજે એ ભારણમાંથી જ્યારે મન મારું મુક્ત થયું છે ત્યારે મનમાં થાય છે કે, જો આ પરીક્ષા ન હોય તો ? શું કોઈ પણ પ્રકારના અભ્યાસની સાથે પરીક્ષાનું જોડાણ ફરજિયાત છે ? આ પરીક્ષાઓએ તો કંઈ કેટલાય કુમળા છોડને ચેતનવિહોણા બનાવી દીધા છે. કેટલાય કુમળા ફૂલ ઊઠતાં… બેસતાં, સૂતાં જાગતાં પરીક્ષાની ચિંતામાં દિવસોના દિવસો સુધી માથું નીચું નાખીને સતત વાંચતાં રહ્યાં હશે… ! કેટલાય વિદ્યાર્થીઓની કેટલીય રાત્રિઓ પરીક્ષાદેવીને ચરણે સમર્પિત થઈ ગઈ હશે !
હમણા હમણાં તો છાપાઓમાં પરીક્ષાઓના પરિણામની સાથે સાથે એવા સમાચાર પણ છપાયેલા દેખાય છે કે “નાપાસ થવાથી આત્મહત્યા કરી”, “ધાર્યું પરિણામ ન આવવાથી ઊંઘની ગોળીઓનો વધુ પડતો ડોઝ લઈ લીધા !” અરે, કેટલાક તો બિચારા પરિણામ આવે કે ઘરના પંખે લટકીને ફાંસો ખાતા પણ જોવા મળ્યા કરે છે, ત્યારે થાય છે કે આવી પરીક્ષાઓનો શો અર્થ ? જે પરીક્ષાઓ આજના વિદ્યાર્થીને એના સાચા મૂલ્યાંકન તરફ ન દોરતી હોય એવી પરીક્ષાઓને શું દૂર ન કરવી જોઈએ ? વિદ્યાર્થીઓના નૂર, ઉલ્લાસ અને હોશકોશને ઉડાડી મૂકતી, વિદ્યાર્થીને સતત ચકરાવે ચડાવતી આ પરીક્ષા હોવી જોઈએ કે નહીં એ સંદર્ભે આજે મારું મન મંથને ચડ્યું છે !
વ્યાપક ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા આ યુગમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો અને કેળવણીકારોને મૂંઝવી રહેલો વિકટ પ્રશ્ન એટલે આજની પરીક્ષાઓ. આ પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીને તો જાણે પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરી આવ્યું હોય એવું લાગે.
પરીક્ષાનો ભય હોશિયાર કે નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓને એકસરખો પજવે છે. એનાથી એ સતત માનસિક તાણ અનુભવે છે. આ માનસિક તાણની શરીર પર વિપરીત અસર થાય છે. પરીક્ષાની ચિંતામાં તે નિરાંતે ઊંઘી શકતો નથી… ઉત્સાહપૂર્વક રમી શકતો નથી કે ખાઈ-પી શકતો નથી. સતત ગોખણપટ્ટી એ જ એનું જીવન બની જાય છે ! વિદ્યાર્થીના વાલીઓની પણ ખરાબ હાલત હોય છે. પોતાનું પાલ્ય સારું પરિણામ લાવે એ માટે તેઓ પણ વિદ્યાર્થી જ બની જાય છે જાણે ! બાળકની સાથે સાથે તેઓ પણ ટેન્શન અને ઉજાગરા વેઠે છે ! ટ્યુશન અને કોચિંગ ક્લાસીસમાં ઢગલાબંધ રૂપિયા વેડફે છે ! વળી પરીક્ષા લેનારી એજન્સીઓ એટલે કે શિક્ષકો, આચાર્યો વગેરેને માટે પણ આમ તો એની કામગીરી માથાના દુઃખાવા જેવી જ નથી હોતી શું ? પેપર કાઢવું… પરીક્ષાઓ લેવી. પેપર તપાસવું એ બધી ઝંઝટમાં એ વિદ્યાર્થીની પાસે ઘણી વાર જીવનોપયોગી કે જીવનલક્ષી કોઈ કામગીરી કરાવી જ શકતા નથી.
વળી, વિદ્યાર્થીએ વર્ષભર આદરેલા સ્વાધ્યાયને ફક્ત ત્રણ જ કલાકના લખાણમાં મૂલવવું એ પણ કેટલું યોગ્ય છે ? કોઈ વિદ્યાર્થીએ આખું વર્ષ મન મૂકીને અધ્યયન કર્યું હોય, પણ જે થોડાનું એણે અધ્યયન ન કર્યું હોય એવું જ પરીક્ષકે પૂછી નાખ્યું તો શું એને ઠોઠ વિદ્યાર્થી ગણીને નાપાસ કરવો યોગ્ય ખરો ? બીજી બાજુ કોઈ વિદ્યાર્થીએ આખા વર્ષ દરમિયાન કંઈ જ વાંચ્યું ન હોય અને પરીક્ષાના આગલા દિવસે કેટલુંક તૈયાર કર્યું હોય અને એ જ પરીક્ષામાં પુછાવાને કારણે ઉત્તરવહીમાં એનો દેખાવ સારો હોય તો એને હોશિયાર વિદ્યાર્થીનું લેબલ લગાવવું શું યોગ્ય છે ખરું ?
આ ઉપરાંત પણ આજની પરીક્ષાપદ્ધતિ તો કેટલા દૂષણોનો મહાખજાનો છે ! એમાં ચોરી કરાવવી, પેપર ફોડાવવું, પૈસા આપીને માર્ક્સ બદલાવવાથી માંડીને કંઈ પણ કરી શકાય છે ! આવી ગેરરીતિઓ આચરનાર વિદ્યાર્થી ફાવી જાય અને એની સામે હોશિયાર, પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થી માર્યો જાય તો એ પરીક્ષાની પદ્ધતિ કેટલે અંશે યોગ્ય ? આવી પરીક્ષા વડે વિદ્યાર્થીના જ્ઞાનની કસોટી નથી થતી. એનાથી તો થાય છે એની ચાલાકીની… છેતરપિંડી કરવાની… આવડતની જ કસોટી ! અને એ યોગ્ય તો નથી જ નથી.
વળી, આજની પરીક્ષાપદ્ધતિ વિદ્યાર્થીની બુદ્ધિપ્રતિભાની નહિ, તેની ગોખણશક્તિની કસોટી કરે છે “જે વિદ્યાર્થીની સ્મરણશક્તિ સારી તે હોશિયાર” એ નિયમ બરોબર નથી.
ગોખણપટ્ટીથી મળતી સફળતા વિદ્યાર્થીની મૌલિકતાને હણી લે છે. આજે પરીક્ષામાં ગુણ ફાળવણી પરીક્ષકની મરજી પર આધાર રાખે છે. એમાં લાગવગને પણ પૂરતો અવકાશ રહે છે. વિદ્યાર્થીએ આખું વર્ષ મહેનત કરીને મેળવેલું જ્ઞાન માત્ર ત્રણ કલાકના મર્યાદિત સમયમાં જ વ્યક્ત કરી દેવાનું હોય છે. આથી પરીક્ષામાં વિદ્યાર્થીના જ્ઞાનના ઊંડાણ કરતાં તેની લખવાની ઝડપ વધારે મહત્ત્વનું અંગ બની રહે છે.
આ બધા મુદ્દાઓ તો એવું જ સૂચન કરે છે કે આજની પરીક્ષાપદ્ધતિ જ બરોબર ન હોવાથી આવી પરીક્ષાઓ લેવાનો કે આપવાનો કોઈ અર્થ નથી, પણ બીજી બાજુ પરીક્ષા ન જ હોય તો ચાલે ખરું ? ના… ના… ને ના જ. કારણ કે પરીક્ષાઓ ન હોય તો પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પરીક્ષા એ ખરેખર તો વિદ્યાર્થીએ શિક્ષણમાં સાપેલી પ્રગતિને માપવાનો માપદંડ છે. છેક પ્રાચીનકાળથી ગુરુજનો અભ્યાસને અંતે વિદ્યાર્થીની પરીક્ષા લેતા આવ્યા છે. દ્રોણાચાર્યે લીધેલી પાંડવોની પરીક્ષા આનું ઉત્તમ ઉદાહરણ નથી શું ? હા, એ સાચું છે કે, પ્રાચીન પ્રણાલિકા આજના જેવી દૂષિત પરીક્ષાઓથી પર હતી, તો પરીક્ષાપદ્ધતિમાં સુધારાના અભાવે પરીક્ષા જ ન લેવી એ વાત બરોબર તો નથી જ, કારણ કે પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થી પાઠ્યપુસ્તકો વાંચે છે…. પોતાના જ્ઞાન અને માહિતીને વધારે છે. પરીક્ષાને કારણે જ વિદ્યાર્થી ભણે છે… શાળા-કોલેજે જાય છે. નિયમિતતા અને જવાબદારીની ભાવનાને વિકસાવામાં આ બધાનો પણ કેટલેક અંશે ફાળો છે જ એટલે પરીક્ષા તો હોવી જ જોઈએ.
આજના શિક્ષણમાં પરીક્ષાને અતિશય પ્રાધાન્ય આપી દેવાયું છે. જ્ઞાન કે ચારિત્ર્ય નહીં પણ ટકાવારી મહત્ત્વની બની ગઈ છે. વિદ્યાર્થી ઉપર સતત વાંચન, પરીક્ષાની તૈયારી, મનોરંજન કે આરામનો અભાવ જે માનસિક તાણ જન્માવે છે, તેને કારણે તેના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે. પરીક્ષાપદ્ધતિના પણ ઘણા બધા દોષો છે. એકાંગી અને વિશાળ અભ્યાસક્રમ, ઊતરતી કક્ષાનાં પ્રશ્નપત્રો, પરીક્ષા એટલે ભાગ્યનો ખેલ, ગોખણપટ્ટીને ઉત્તેજન, પરીક્ષામાં નકલબાજી, ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર, પરીક્ષકોનાં પક્ષે બેદરકારી, પક્ષપાત, દૃષ્ટિભેદ વગેરેને કારણે મૂલ્યાંકનમાં આવતો તફાવત, પરિણામમાં અક્ષમ્ય ભૂલો જેવા પરીક્ષાપદ્ધતિના દોષોને દૂર કરી એમાં વ્યાપક સુધારણા કરવાની જરૂર છે.
પરીક્ષામાં ખરેખર તો આખા વર્ષના કાર્યનું ક્ષતિરહિત મૂલ્યાંકન થવું જોઈએ. કેવળ પુસ્તકિયા જ્ઞાનને બદલે ચારિત્ર્યઘડતરને મહત્ત્વ આપવું એઈએ. પ્રશ્નપત્રો પણ જ્ઞાનલક્ષી અને સંતુલિત હોવા જોઈએ. નિષ્પક્ષ અને ઉચિત પરીક્ષણકાર્ય થાય તેવાં પગલાં પણ લેવાવવાં જોઈએ. આજની પરીક્ષાપદ્ધતિ જો સારા નાગરિકો તેમજ કાબેલ નિષ્ણાતોને સર્જનારી હોય તો પરીક્ષા આપવામાં વિદ્યાર્થીને શું વાંધો હોઈ શકે ? ટૂંકમાં, પરીક્ષા તો હોવી જ જોઈએ, પણ પરીક્ષાની પદ્ધતિમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે.