Saturday, 21 December, 2024

પુસ્તકો આપણા મિત્રો

364 Views
Share :
પુસ્તકો આપણા મિત્રો

પુસ્તકો આપણા મિત્રો

364 Views

“સંગ તેવો રંગ” એ કહેવત માણસાની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવનઘડતર ૫૨ નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખદુઃખમાં સાથ, સહારો અને સાંત્વન આપે છે. પેલી અંગ્રેજી ઉક્તિ અક્ષરશઃ સાચી છે A good book is man’s friend , philosopher and guide. 

કેટલાક મનુષ્યોના જીવનમાં પુસ્તકો મહાન પલટો આણે છે. રસ્કિનના “Unto The Last” પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી. સારાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવું બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યનાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે. ઉત્તમ પુસ્તકોના વાચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ વધુ સમૃદ્ધ બને છે. સારાં પુસ્તકો કદી આપણને છેહ દેતાં નથ, એ હંમેશાં સાથ નિભાવે છે. માટે જ રૉબર્ટ ગાધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે: 

My never failing friends are
they those With whom I converse day by day. 

[કદી છેહ ન દે એવો તે (એટલે કે પુસ્તકો) મારા મિત્રો છે, જેમની સાથે હું દરરોજ ચર્ચા – વિચારણા કરું છું.] 

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી . તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરાહજૂર હોય છે. ગાંધીજી કહેતા, ‘‘ જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.’’ ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ જ્વલંત ઉદાહરણ છે . રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટિનાં પુસ્તકો કે ગ્રંથો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે. ‘‘સરસ્વતીચંદ્ર’’ અને ‘‘માનવીની ભવાઈ’’ જેવાં પુસ્તકો સમાજજીવનનું અને માનવભાવોનું ઊંડું દર્શન કરાવી શકે છે. 

પરંતુ બધાં પુસ્તકો એકસરખાં ઉપકારક હોતાં નથી. છીછરાં અને અશ્લીલ પુસ્તકોના વાચનથી લોકો ગેરમાર્ગે જાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આથી પુસ્તકોની પસંદગીમાં ચિત વિવેક દાખવવો જ જોઈએ. 

ખરેખર, સમૃદ્ધ જીવનદૃષ્ટિ કેળવવા અને જીવનને સર્વથા સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધવી જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *