શેઠની ચતુરાઈ
By-Gujju27-10-2023
શેઠની ચતુરાઈ
By Gujju27-10-2023
અરધી રાતનો ગજર ભાંગ્યો. માણસને પોતાનો હાથ નો સૂઝે એવી મેઘલી રાત છે. ચોહલાં પાડી લ્યો એવા અંધારામાં શેઠ કરમચંદ પોતાના ઓરડામાં સૂતા છે.
પડખે શેઠાણી પોઢ્યા છે.
દીવાનો ઝાંખો પ્રકાશ દીવાલું માથે અજવાળું લીંપી રહ્યો છે. શેરીમાં કૂતરા જોરજોરથી ભસી રહ્યા છે.
શેઠની ઊંઘમાં ખલેલ પડી, જોરથી ભસતા મોતીના અવાજે શેઠ જાગી ગયા. ઉપર જોયું … પરથમ નળિયાં ખસેડવાનો અવાજ સાંભળ્યો, પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો. શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યાં અને ઉપર જોવા ઇશારત કરી. શેઠાણી હબકી ગયાં. એ પોકરાણ પાડી દેકારો કરે એ પહેલાં શેઠે મૂંગા રહેવા ઇશારો કર્યો.
એટલી વારમાં તો ચોરના પગ મેડી માથે અટક્યા. શેઠે ખોંખારો ખાઈ દિવાની વાટ સંકોરી અને શાંતિથી ઉમળકાભેર આવનાર ચોરને કહ્યું , “આવો ! પધારો ! જાળવીને ઊતરજો. કેટલા દીથી તમારી વાટ જોતા હતા”
ચોરને નવાઈ લાગી : આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ ચોરને ? ચોર મૂંઝાઈને હેઠે ઊતર્યો.
શેઠે શેઠાણીને કહ્યું , “જો , ભગવાને સામું જોયું. લે , પરભુએ તારી અરજ સાંભળી. દીકરો – દીકરો કર્યા કરતી’તી ને , તે દીનાનાથ દીકરો દીધો : જુવાનજોધ દેવના ચક્કર જેવો ! ”
શેઠાણી અવાચક થઈ ગયાં. શેઠની વાત તેને સમજાણી નહિ
શેઠે કીધું “ જોઈ શું રહ્યાં છો ? દીકરાને વધાવો ! ગાદીતકિયા માથે બેસાડો ! ચાંદલો કરો ચોખા ચોડો ! દીકરાનું મોટું મીઠું કરાવો ! જલદી કરો , શેઠાણી ! વેળા વીતી જાય છે.
શેઠે ચોરને કહ્યું , ” આવ , દીકરા , આવ ! અહીં તકિયા માથે બેસ . તું તો દેવનો દીધેલ છો ? “
ચોરને થયુ ચોરી કરવી , રાતનું ભટકવું , જીવનું જોખમ ખેડવું . પકડાઈને પોલીસનો માર ખાવો એના કરતાં તૈયાર ગાદી માથે બેસી શેઠનો દીકરો થવામાં શો વાંધો ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો , “ શેઠ ! દયા તો ભગવાને મારા માથે કરી છે … તમારાં જેવાં મા – બાપનો મેળાપ કરાવ્યો ! ”
ચોર શેઠ – શેઠાણીને પગે લાગ્યો . શેઠે તેને પ્રેમથી ગાદી માથે બેસાડ્યો . શેઠાણીએ દીવો થાળીમાં મૂક્યો , કંકાવટી રાખી , ચોખા મૂક્યા .
શેઠ કહે , ‘ ગગાનું મોઢુ મીઠું કરવા ગોળ મૂકો .
શેઠાણીએ ડબામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો .
રાણી – છાપનો ચાંદીનો એક રૂપિયો શુકનનો રાખ્યો .
પછી શેઠાણીએ આવી પરથમ ચોરને પાણી પાયું .
પછી કંકાવટીમાંથી કંકુ લઈ ચાંદલો કર્યો . માથે ચોખા ચોડ્યા . મોઢું મીઠું કરાવી પુત્રનાં ઓવારણાં લીધાં .
ચોરને ધરપત થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું સાચા ઘરે .
શેઠ શેઠાણીને કહે , ” હવે બેસો નિરાંતે.
જુઓ , ભગવાને ઘણાં વરસે દીકરો દીધો છે .
હવે આપણે એનું નામ પાડવાનું છે . ”
શેઠાણી કહે , ” મેં તો નક્કી કર્યું છે – અમીચંદ .”
શેઠ કહે , “ ના , નૂરમહંમદ.”
શેઠાણી કહે , ” તમે ગાંડા થયા ? આપણામાં નૂરમહંમદ નામ હોતું હશે ? નેમચંદ હોય , ફૂલચંદ હોય , રતિલાલ હોય . સારું પાડવું હોય તો પ્રવીણચંદ્ર હોય.”
“નૂરમહંમદ ! ” શેઠે જોરથી રાડ્ય પાડી , હા નૂરમહંમદ . . . નૂરમહંમદ ! “
“અરે ! પ્રીતમલાલ નામ પાડો !” શેઠાણીએ આજીજી કરી , પણ શેઠ ધુંવાફુંવા થઈને બોલ્યા , ” નૂરમહંમદ ! એક વાર નહિ , સાત વાર નૂરમહંમદ ! “
હવે પડખે જ ફોજદારસાહેબ રહેતા હતા. એમનું નામ નૂરમહંમદ હતું. ઉપરાઉપર ત્રણચાર વાર શેઠ નૂરમહંમદનું નામ બોલ્યા એટલે નૂરમહંમદ તરત જ ઊઠી ખભે રીવૉલ્વર લઈ શેઠની ખડકીએ પહોંચ્યા અને ખડકી ખખડાવી, “ શેઠ, ખોલો તો ! “
અવાજ આવતાં શેઠાણીએ ખડકી ખોલી. ફોજદાર નૂરમહંમદે પૂછ્યું : ” શેઠ , શું રાડ્યું પાડો છો ? “
શેઠે માત્ર પુત્રરત્ન પ્રત્યે આંગળી ચીંધી. નૂરમહંમદે ઉપર છતમાં ખસેડાયેલાં નળિયાં જોયાં , ગાદી માથે બેઠેલા માણસને જોયો , ત્યાં બધું સમજી ગયા . ઉપાડીને એક લાફો વળગાડ્યો ત્યાં ચોર અલગોઠિયું ખાઈને ગાદી પરથી ફળિયામાં પડ્યો.
ચોર કહે , “ભાઈસાબ , મારો માં !” આટલો દેકારો થયો ત્યાં જમાદાર અને રામદાસ મા’રાજ આવી પહોંચ્યા . ચોરના મોઢામાંથી ફોજદારે થપાટ મારી ને ગોળનો ગાંગડો પડી ગયો .
ફોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથકડી પહેરાવી , સાથે રહેલા પોલીસે ચોરને બાંધ્યો અને ઉપાડ્યો સાથે.
શેઠે ચોરને કીધું , “ બેટા , સુખેથી રે’જે અને કોઈ જાતના ઉધામા કરતો નહિ. ભગવાન સુખી રાખશે. જે રસ્તો તેં લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ પૂરો થાય છે.”