Friday, 20 September, 2024

રામલલ્લા બિરાજમાન ન થાય ત્યાં સુધી મૌનવ્રત ધારણ કરવાનો લીધો હતો સંકલ્પ: ઝારખંડનાં સરસ્વતી દેવી

204 Views
Share :
રામલલ્લા બિરાજમાન ન થાય ત્યાં સુધી મૌનવ્રત ધારણ કરવાનો લીધો હતો સંકલ્પ: ઝારખંડનાં સરસ્વતી દેવી

રામલલ્લા બિરાજમાન ન થાય ત્યાં સુધી મૌનવ્રત ધારણ કરવાનો લીધો હતો સંકલ્પ: ઝારખંડનાં સરસ્વતી દેવી

204 Views

કરોડો હિંદુઓના આરાધ્ય, અયોધ્યા નરેશ ભગવાન રામ આખરે પાંચસો વર્ષ બાદ ભવ્ય મંદિરમાં પધારી રહ્યા છે. આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પ્રભુ મંદિરમાં બિરાજમાન થશે. દેશભરના રામભક્તોમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ છે. પાંચસો વરસોના સંઘર્ષને લોકો યાદ કરી રહ્યા છે, બલિદાની કારસેવકોને યાદ કરવામાં આવી રહ્યા છે. અમુક કારસેવકો એવા પણ છે જેઓ આ ઐતહાસિક અવસરના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ઝારખંડનાં સરસ્વતી દેવી છે, જેઓ 22 જાન્યુઆરીની વિશેષપણે રાહ જોઈ રહ્યાં છે. 

ધનબાદના કરમાટાંડ ગામમાં રહેતાં આ 85 વર્ષીય મહિલાએ છેલ્લાં 30 વર્ષથી મૌન ધારણ કરી રાખ્યું છે. તેમણે સંકલ્પ લીધો હતો કે પ્રભુ શ્રીરામ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થાય પછી જ તેઓ બોલશે. આખરે 22 જાન્યુઆરીના રોજ જ્યારે પ્રાણપ્રતિષ્ઠા યોજાય ત્યારે સરસ્વતી દેવી પોતાનું આ મૌનવ્રત સમાપ્ત કરશે અને રામનું નામ લેશે. 

તેમના પુત્ર હરિરામ અગ્રવાલે જણાવ્યું કે, 6 ડિસેમ્બર, 1992ના રોજ જ્યારે અયોધ્યાનો બાબરી ઢાંચો ધ્વસ્ત થયો ત્યારે સરસ્વતી દેવીએ મૌન ધારણ કરી લીધું હતું. ત્યારથી આજ સુધી તેમણે મૌન પાળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ મોટેભાગે તીર્થસ્થળોએ જ રહે છે અને ત્યાં પણ મૌન જ રહે છે. જો કોઈને કશુંક કહેવું હોય તો લખીને પોતાની વાત જણાવી દે છે. પરિજનોએ કહ્યું કે, આટલાં વર્ષોમાં પરિવારમાં અનેક પ્રસંગો ગયા પરંતુ સરસ્વતી દેવીએ મૌન જાળવી રાખ્યું. 

ભગવાન રામનું મંદિર બને તે માટે સરસ્વતી દેવીએ અનેક તીર્થસ્થળોએ માનતા પણ રાખી હતી. આટલાં વર્ષોમાં તેઓ કાયમ પ્રભુને પ્રાર્થના કરતાં રહ્યાં કે અયોધ્યામાં તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામે. હવે જ્યારે મંદિર આકાર લઇ રહ્યું છે અને ભગવાન પધારી રહ્યાં છે ત્યારે તેમણે મૌન તોડવાનો નિર્ણય લીધો છે. જે વાત તેમણે સ્વયં કાગળમાં લખીને જણાવી છે. તેઓ પહેલો શબ્દ ‘સીતારામ’ બોલશે તેવું પરિવારનું કહેવું છે. 

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સરસ્વતી દેવીએ કાગળમાં લખીને જણાવ્યું કે, “મારું જીવન ધન્ય થઈ ગયું. મારી તપસ્યા, મારી સાધના સફળ થઈ. રામલલ્લાએ મને પ્રાણપ્રતિષ્ઠામાં બોલાવી છે. 30 વર્ષ બાદ મારું મૌનવ્રત ‘રામ નામ’ સાથે તૂટશે.” રિપોર્ટ અનુસાર, સરસ્વતી દેવીને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે નિમંત્રણ આવ્યું છે, જેના કારણે તેમનો સમગ્ર પરિવાર અત્યંત આનંદિત છે. 

આ પહેલાં 5 ઓગસ્ટ, 2020ના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન થયું હતું ત્યારે પણ સરસ્વતી દેવી આનંદિત થઈ ગયાં હતાં. જોકે, ત્યારે તેમણે પરિવારને જણાવ્યું હતું કે ભગવાન મંદિરમાં બિરાજમાન થાય ત્યારબાદ જ પોતે મૌન તોડશે. આખરે એ દિવસ હવે આવી રહ્યો છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *